ખાવડા આરઈ પાર્કમાંથી મોટી ડિઝલચોરીનો પર્દાફાશ : હરતુ-ફરતું પેટ્રોલપંપ ઝડપાતા ખળભળાટી
પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમનો સપાટો
ટેન્કરમાં ૧૮ હજાર લિટર ડીઝલ રાખ્યું હતું : ટેન્કરની પાછળ ઈલેકટ્રીક ફ્યૂલ મીટર નોઝલ સાથે જોડી રસ્તે પસાર થતા વાહનોમાં ઈંધણ ભરતા હતા : એલસીબીએ દરોડો પાડી ર૭ લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાન, બનાસકાંઠાના શખ્સોની કરી અટકાયત
ખાટલે મોટી ખોટ : પોલીસતંત્ર ખાવડા વિસ્તારમાંથી આ પ્રકારની મોટી ડીઝલ ચોરીને ઝડપી પાડી શકે છે તો પુરવઠા વિભાગ કેમ અંધારામાં રહી જાય છે? વર્તમાન પુરવઠા અધિકારી, ડીએસઓ શ્રી હાશ્મી કડક-તટસ્થ અને પ્રજાભિમુખતાની છબી ધરાવી રહ્યા છે, તેઓની ટીમ આવા પ્રકારના કારનામાઓને ઝડપી લાલઆંખ ભરી કાર્યવાહી કરે તે વધારે ઈચ્છનયી
ભુજ - કચ્છ ઉદય : સરહદી ખાવડામાં આરઈ પાર્ક અંદર આવેલ એનટીપીસી કંપનીની લેબર કોલોનીમાં એલસીબીએ તપાસ કરીને ૧૮ હજાર લીટર ઈંધણ કબજે કર્યું હતું.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, ટેન્કર જીજે૦૮ - એયુ - ૦૩૬પ મા જ્વલનશીલ પદાર્થ રાખેલ છે. જે બાતમીના આધારે તપાસ કરતા બે ઈસમો મળી આવ્યા હતા. આ ટેન્કરમાં લીલાશ જેવું ૧૮ હજાર લિટર જ્વલનશીલ પદાર્થ મળી આવ્યું હતું. જેની કિંમત ૧૬,૪૩,૩૯૯ આંકવામાં આવી છે. ટેન્કરની પાછળ જોઈન્ટમાં ઈલેકટ્રીક ફ્યૂલ મીટર નોઝલ સાથે મળી આવ્યું હતું. સ્થળ પરથી રાજસ્થાનના બાડમેરના ઝુઝારામ ધનારામ જાટ અને બનાસકાંઠા ડીસાના રાજેશકુમાર ઈશ્વરલાલ મોદીની અટક કરવામાં આવી હતી. આધાર-પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. તપાસ કરતા સામે આવ્યું તેઓ રસ્તે આવતા-જતા વાહનોમાં ઈંધણ ભરી આપતા હતા. સરકાર દ્વારા નિયમન થતા પેટ્રોલિયમ પ્રોડક્ટનો કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો વગર સંગ્રહ કરવામાં આવ્યો હતો અને મંજૂરી લેવામાં આવી ન હતી. આ ટેન્કરમાં ભરેલ ડીઝલ પાલનપુરના ભાસ્કર અશોક ભરતીયા
(મોદી) નું હોવાની કબૂલાત આપવામાં આવી હતી. જેથી ૧૦ લાખના ટેન્કર સહિત ર૭ લાખનો મુદ્દામાલ કબજે કરી આવશ્યક ચીજવસ્તુ ધારા અને મોટર્સ સ્પીરીટ એન્ડ હાઈસ્પીડ ડીઝલ કંટ્રોલની કલમ તળે ખાવડા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની આગળની તપાસ પીઆઈ વી.બી. પટેલે હાથ ધરી છે.
...................
ખાવડા પટ્ટામાં ઝુબેશ તવાઈ જરૂરી :ઠેર-ઠેર ગેરકાયદેસર ડિઝલના ધમધમે છે હાટડાઓ..!
ગાંધીધામ : સરકાર દ્વારા કાયદાઓ કડકાઈથી બનાવી અને પેટ્રોલિયમ પદાર્થના ગેરકાયદેસર પરિવહન સામે સતત લાલઆંખ કરી રહી છે ત્યારે કચ્છમાં ખાવડામાં એશીયાના સોથી મોટા એવા આરઈ પાર્કમાં ગેરકાયદેસર હરતુ ફરતુ પેટ્રોલ પંપ ઝડપાયુ છે ત્યારે ઝડપાયેલા શખ્સોની કડક પુછતાછ કરવી જોઈએ અને પુછતાછ કરવી જોઈએ કે, આ પ્રકારનુ કાંડ કેટલા સમયથી ચાલતુ હતુ? કોના ઈશારે આ ડીઝલચોરી થવા પામી રહી છે? કોણ કોણ ખરીદનારાઓ છે. આ ઉપરાંત પણ તપાસ કરવાની જરૂર છે કે, ખાવડા વિસ્તારમાં આવા બીજા કેટકેટલા અડ્ડાઓ ધમધમી રહ્યા છે.

Comments