Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના કોરિયાણીમાં સંસલાનો શિકાર : ત્રણ શિકારીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

22 November


દયાપર ઉત્તર રેન્જની વન્ય પ્રાણી ટીમે નારાયણ સરોવર રક્ષિત વિસ્તારમાં ગેરકાયદેસર શિકારના પ્રયાસનો કર્યો પર્દાફાશ : શિકારી ટોળકીના કબ્જામાંથી એક મૃત સસલું અને ૬ સાંઢ સહીત શિકારી પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતો મુદ્દામાલ કરાયો કબ્જે 

ભુજ - કચ્છઉદય : પશ્ચિમ વન વિભાગના વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ કચ્છમાં વન અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. આ કાર્યવાહીના ભાગરૂપે, દયાપર ઉત્તર રેન્જની વન્ય પ્રાણી ટીમે તાજેતરમાં નારાયણ સરોવર રક્ષિત વિસ્તારમાં ગેરકાયદેસર શિકારના પ્રયાસનો પર્દાફાશ કરીને ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.
આ અંગેની વિગત મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી. જે. આશારા અને તેમની ટીમ દ્વારા ગત તારીખ ૨૧-૧૧ના રોજ દયાપર ઉત્તર રેન્જના નારાયણ સરોવર રક્ષિત વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન, વન્ય પ્રાણીઓના શિકારના ઇરાદે જંગલમાં પ્રવેશતા ત્રણ વ્યક્તિઓને વન વિભાગે રંગે હાથ ઝડપી લીધા હતા. શિકારીઓની ટોળકી પાસેથી એક મૃત સસલું અને ૬ સાંઢ મળી આવ્યા હતા. 
ઝડપાયેલા આરોપીઓમાં કોલી હીરજી ખમીશા (રહે. કોરીયાણી-લખપત), કોલી કિશોર ઉમરશી (રહે. સુખપર-નખત્રાણા) અને કોલી ગુલાબ બાબુલાલ (રહે. લુડવા-માંડવી)નો સમાવેશ થાય છે.
વન વિભાગે આરોપીઓ પાસેથી શિકાર કરવા માટેના સાધનો, કરવત, સાઇકલ, બેટરી અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મુદ્દામાલનો ઉપયોગ વન્ય પ્રાણીઓને પકડવા અને શિકાર કરવાના હેતુથી કરવામાં આવી રહ્યો હતો.
આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વન વિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે. આ સફળ કામગીરીમાં દયાપર ઉત્તર રેન્જના આરએફઓ પી. જે. આશારા, વનપાલ  ડી. આર. જોશી અને વનરક્ષક  એમ. જે. બીલની ટીમે સક્રિય ભૂમિકા ભજવી હતી. 
==== 

Comments

COMMENT / REPLY FROM