રાપર તાલુકા સામાજિક ન્યાય સમિતિ દ્વારા વર્કશોપ યોજાયો
ગાંધીધામ -કચ્છઉદય : રાપર મધ્યે તાલુકા પંચાયત પ્રમુખ કેશરબેન બગડાની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકાની ગ્રામ પંચાયતોના નવનિયુક્ત સામાજિક ન્યાય સમિતિઓના ચેરમેનોનું સન્માન કરાયું હતું. સમિતિના કાર્યો, અધિકારો તેમજ ફરજો વિગેરે બાબતે જાગૃતિ આવે તેમ માટે વર્કશોપનું આયોજન કરાયું હતું. મહાનુભવો દ્વારા દિપ પ્રાગટય કરી સેમિનારને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે રાપર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ મહેશ્વરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તાલુકાની ગ્રામ પંચાયતોના ચેરમેનો, સભ્યો, અનુ.જાતિના સરપંચો હાજર રહી માગદર્શન મેળવ્યું હતું,
રાપર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી કિશોરભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, એકાત્મ માનવવાદ અને અંત્યોદયના સિદ્ધાંતોને વરેલી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેકવિધિ કલ્યાણકારી યોજનાઓ સામાજિક ન્યાય સમિતિઓના માધ્યમથી છેવાડાના માનવી સુધી પહોંચાડી યોજનાઓનું યોગ્ય અને અસરકાર ઉપયોગ દ્વારા વંચિતોને મુખ્ય પ્રવાહમાં લાવવાના રાષ્ટ્રનિર્માણના કાર્યમાં આગળ વધવા જણાવ્યું હતું. રાપર મધ્યે જિલ્લા પંચાયત અનુ.જાતિ વિભાગ સંચાલિત સાર્વજનિક કુમાર છાત્રાલયના રૂા. ૫૧ લાખથી વધુના ખર્ચે વિવિધલક્ષી હોલ, ખૂટતી સુવિધાઓનું કામ કરવામાં આવ્યું છે. સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્યના પ્રયાસોથી સરકારના અનુ.જાતિ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મજુર થયેલ કોલેજ કક્ષાની કુમાર છાત્રાલય માટે જમીન મજુર થઈ ગયેલ છે, જેમાં હોસ્ટેલ બિલ્ડીંગ બાંધકામ માટે આગામી બજેટમાં વ્યવસ્થા થાય તેમજ આદર્શ નિવાસી શાળા શરૂ થાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
રાપર તાલુકા પંચાયતના પ્રમુખ કેશરબેન બગડાએ તાલુકા પંચાયતના માધ્યમથી વંચિત વિસ્તારોમાં વધુને વધુ વિકાસના કાર્યો થાય તેની ચિંતા કરી હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા પણ વંચિતો પ્રત્યે વિશેષ લાગણી ધરાવતા હોઈ તેમણે અનુજાતિ સમાજના આસ્થાના કેન્દ્રો સંતશ્રી ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડ, ત્રિકમ વિરડાધામ, હરિ સાહેબ જગ્યા ફતેહગઢ, સમાજવાડી, છાત્રાલય જેવા અગત્યના સ્થાનોના વિકાસ માટે ઉપયોગી બન્યા છે.
તરૂણભાઈ પરમારે પંચાયતીરાજ અંગે સમજ આપી હતી. સમાજીક ન્યાય સિમિતિઓને વંચિતોના પ્રશ્નો પર નક્કર આયોજન સાથે કામે લાગવા પર ભાર મુક્યો હતો. તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી ગીતાબેન પરમારે યોજનાકીય જરૂરી માગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્યો શાંતાબેન ગાભાભાઈ ગોહિલ, નવીનભાઈ ભીલ, સામાજિક ન્યાય મંચના પ્રમુખ રૂડાભાઈ વાઘેલા તેમજ મોટી સંખ્યામાં સમિતિના ચેરમેનો, સભ્યો અને અનુ.જાતિ સમાજ ના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન તરૂણભાઈ પરમારે કર્યું હતુંર. કાર્યક્રમને સફળ બનાવવા લાલજી પરમાર અને રમેશભાઇ ચારણીયાએ જહેમત ઉઠાવી હતી.
----------

Comments