રૂદ્રમાતા પાસે બે ટ્રેઈલર સામ સામે ભટકાતા ચાલકનું મોત
ગઈકાલે રાત્રે બનેલા અકસ્માતના બનાવથી અરેરાટી ફેલાઈ
ભુજ-કચ્છઉદય : ભુજ - ખાવડા હાઈવે રોડ પર સતત નમક ભરેલા વાહનો અને આરઈ પાર્કના ભારે વાહનોની અવરજવરના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. થોડો સમય સુધી શાંતિ રહ્યા બાદ ગઈકાલે વધુ એક અકસ્માતની ઘટના બની હતી.
આ બાબતે સ્થાનીકે માહિતગારોથી મળતી વિગતો મુજબ રૂદ્રમાતા જાગીરની ગોલાઈ પર ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો હતો. બે ટ્રેઈલર સામ સામે ભટકાતા ખાવડા બાજુથી નમક ભરી આવી રહેલા ટ્રેઈલરની કેબીનનો બુકડો બોલી ગયો હતો. તાત્કાલિક ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. ચાલકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત થવા પામ્યું હતું. માધાપર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એક વ્યક્તિનું મોત થયું હોવાનુ જણાવી હાલ ઓળખ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. અવારનવાર ખાવડા હાઈવે પર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. હાલમાં પ્રવાસની સીઝન શરૂ થઈ છે, ત્યારે ભારે વાહનો પર લગામ અને પોલીસ - આરટીઓ દ્વારા અકસ્માતના બનાવ અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવે તવી માંગ ઉઠી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળી અગાઉ ઈકો કાર અને બસ ભટકાતા બે યુવાનોના મોત થયા હતા. જે બાદ અકસ્માતો અટકાવવા માટે પોલીસ દ્વારા ગાડીઓમાંથી હેલોઝન લાઈટો દુર કરવામાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. ખાસ કરીને ભારે વાહનો, બસ તેમજ કેટલીક ગાડીઓમાં કંપની ફીટીંગ સિવાય વધારાની સફેદ અને યેલો એલઈડી લાઈટો લગાવવામાં આવે છે. જેના કારણે રાત્રીના સમયે સામેથી આવતા વાહન ચાલકની આંખો અંજાઈ જવાથી અકસ્માત થવાની શકયતા વધી જાય છે. પોલીસે તાજેતરમાં કાર્યવાહી કરી કેટલાક વાહનોમાંથી આ લાઈટો ઉતરાવી હતી તેમ છતાં હજુ પણ ભારે વાહનો સહિત ઘણી ગાડીઓમાં એલઈડી જોવા મળે છે. આવા વાહનો સામે ધાક બેસાડતી કાર્યવાહી માટે મેગા ઝુંબેશ છેડવી અનિવાર્ય બની ગઈ છે.

Comments