અંજારના સસ્પેન્ડેડ RFO સામે ACB એ કસ્યો સકંજો
ફરજ દરમ્યાન ગેરકાયદે ૧૦૦ ટકાથી વધુ અપ્રમાણસર મિલ્કત વસાવતા સંદર્ભે ગાંધીધામ એસીબીમાં દાખલ કરાયો ગુનો : પાટણ એસીબીને તપાસ સોંપાઈ
અંજાર-કચ્છઉદય : ભ્રષ્ટાચાર માટે ગુજરાતમાં અમુક સરકારી વિભાગો બારેમાસ બદનામ હોય છે, જે પૈકી વનવિભાગ પણ તેમાનો એક છે. અંજારના આર.એફ.ઓ. સામે અગાઉ લાંચ લેવાનો ગુનો દાખલ થયો હતો. જેની તપાસમાં ધ્યાને આવ્યું કે આવક કરતા વધુ સંપત્તિ વસાવી છે. જેથી ગાંધીધામ એસીબીમાં ગેરકાયદે રીતે મિલ્કત વસાવવા સંદર્ભે સરકાર તરફે ફરિયાદ કરી ગાળિયો વધુ મજબુત રીતે કસવામાં આવ્યો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ અંજાર વન વિભાગના વર્ગ - ર ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીતુભાઈ બટુકભાઈ ઝીંઝાળા વિરૂદ્ધ લાંચનો ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં અપ્રમાણસર મિલકત વસાવ્યા અંગેની ખુલ્લી તપાસ કરવા બ્યુરો દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. લાંચ લીધા બાદ આ આર.એફ.ઓ.ને ફરજ મૌકુફ કરી નાયબ વન સંરક્ષક સામાજાીક વનીકરણ વિભાગની કચેરી દાહોદ ખાતે મુકવામાં આવેલા છે. તપાસ દરમ્યાન સામે આવ્યું કે, આરોપીએ પોતાની સરકારી ફરજ દરમ્યાન ગેરકાયદે રીત રસમો અપનાવી ૧૦૦.૭૦ ટકા વધુ અપ્રમાણસર મિલ્કતો પોતાના તથા પોતાના આશ્રીતોના નામે વસાવી છે. આવક કરતા વધુ સંપતિ વસાવી હોવાથી ગાંધીધામ એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનાની પ્રથમ તપાસ પૂર્વ કચ્છ એસીબીના ઈન્ચાર્જ પીઆઈ એલ. એસ. ચૌધરીએ કરી હતી. હવે આગળની તપાસ પાટણ એસીબીના પીઆઈ. એમ. જે. ચૌધરીને સોંપવામાં આવી છે. એસીબી બોર્ડર એકમ ભુજના ડીવાયએસપી કે. એચ. ગોહિલના સુપરવીઝનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારી લાંચની માગણી કરે તો એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અથવા ફોન નં. ૦ર૮૩૬ - રર૭પ૦૦ પર સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

Comments