Trending News
સ્થાનિક સમાચાર

લખપત સબસીડી કૌભાંડ : રાજય સરકારની લાલઆંખ  : તત્કાલીન જિ.પશુપાલન અધિકારીની અમરેલી બદલી

21 November



મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સબસીડી યોજના તળે બે ગૌશાળાઓને બોગસ સહાય ચૂકવાયાનું પ્રથમ જિલ્લાકક્ષાએ તથા તે બાદ રાજય પશુપાલન વિભાગની ઘડયેલી ત્રણ સભ્યોની ખાસ સમીતીએ પણ રીપોર્ટમાં જણાવી દીધા બાદ લેવાયા પગલા 

ખાટલે મોટી ખોટ : જે ઢોરવાડામાં સબસીડી ચૂકવણીમાં ક્ષતીઓ રાખી તે તત્કાલીન મામલતદાર, ટીડીઓ બાદ હવે જિલ્લા પશુપાલન અધિકારીને કચ્છ બહાર તગેડી દેવાયા, પરંતુ જેણે સરકારી રકમ ચાંઉ કરી લીધી, ખોટી રીતે સહાય લીધી તેની સામે ફોજદારી દાખલ કરવી અને રપ લાખથી વધુની રકમ પેનલ્ટી સાથે રીકવરી કરવામાં હજુ પણ કયા શુભ મુર્હતની તંત્રને દેખાય છે ઈંતેજારી?



ગાંધીધામ : ગુજરાત રાજયની સીએમ ગૌમાતા પોષણ સબસીડી યોજનામાં ગેરરીતીનો કીસ્સો કચ્છમાં ચર્ચામાં આવવા પામ્યો છે. લખપત તાલુકાના બે ઢોરવાડાઓને તાલુકા કક્ષાની સમીતી દ્વારા બોગસ સબસીડી સહાય મંજુર કરવામા આવી હોવાનો કિસ્સો આ માધ્યમથી ઉજાગર કરવામા આવ્યો હતો. જેમાં ઢોરવાડાના સંચાલકે સરકારની નીતી નિયમોને નેવુ મુકીને બાગસ રીતે રપ લાખથી વધુની સબસીડી ઓળખવી લીધી હતી. જેમાં તાલુકા કક્ષાના અધિકારીઓ કે જેઓ સમીતીમાં સ્થાનિક નિરિક્ષણ કરી સબસીડી આપવા પાત્ર હોવાનો રીપોર્ટ રજુ કરતા હોય છે તેમની સામે અને તે બાદ હવે તત્કાલીન જીલ્લા પશુપાલન અધિકારીની સામે પણ રાજય સરકારે કોયડો વીંજી દીધો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો સબસીડી ખોટી રીતે ચાંઉ કરવામા આવી હોવાની ઘટના ઉજાગર થતા જીલ્લા પશુપાલન અધિકારી તે વખતના ડો. નાથાણીએ તે પ્રકરણની ઘનિષ્ઠ તપાસ કરવાના બદલે પડદો પાડવાની રીતે જ તાલુકા કક્ષાએથી અમને મળેલા અહેવાલ અનુસાર જ અમે સહાય ચુકવી આપી હોવાનુ જણાવી બેજવાબદારી પૂર્વકનું વલણ અખ્ત્યાર કર્યુ હતુ. જે બાદ પશુપાલન વીભાગ રાજય સરકાર તરફથી ત્રણ સભ્યોની ટીમ વહેલી સવારે ગાંધીનગરથી લખપતમાં ત્રાટકી હતી અને તેઓએ તપાસ કરી તો તેમને પણ સ્થળ નિરિક્ષણમાં ઘણી બધી ક્ષતીઓ જોવા મળી આવી હતી અને તેઓએ પણ ગુજરાત રાજય ગૌ સેવા આયોગમાં આ ઢોરવાડાઓને સબસીડી આપવા પાત્ર થતી ન હોવાનો જ અહેવાલ સોપી દીધો હતો. જે બાદ સરકાર કક્ષાએથી પ્રથમ તાલુકા કક્ષાએ સમીતીમાં રહેલા તત્કાલીન મામલતદાર, તે બાદ ટીડીઓની બદલીઓ કરી દીધી હતી અને હવે જાણવા મળતી વધુ વિગતો અનુસાર જિલ્લાકક્ષાએથી નેગેટીવ રીપોર્ટ હોવા ઉપરાંત તેને નજર અંદાજ કરી અને તાલુકા કક્ષાના અહેવાલને માન્ય ગણી સબસીડી આપવા પાત્ર થતી હોવાની સહી કરનાર તે વખતના જીલ્લા પશુપાલન અધિકારી ડો.નાથાણીની સામે પણ લાલઆંખ કરી છે. 
તેઓ પાસેથી પ્રથમ તો જિલ્લા પશુાલન અધિકારીનો વધારાનો ચાર્જ લઈ લીધો હતો અને તે બાદ હવે ડો. નાથાણીની જિલ્લા બહાર એટલે કે અમરેલીમાં બદલી કરી દેવામાઆવી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. આ સમગ્ર કેસની તપાસમાં કચ્છ કલેકટરશ્રીએ પણ કડક અને તટસ્થ ભુમિકા ભજવી અને સહાયમાં ગાલમેલ કરનારાઓને જરા સહેજ પણ નહી બક્ષાયનો જ સંદેશ આપતી કડક કાર્યવાહી કરી હતી. હવે સવાલ એ થાય છે કે, જે કેસમાં અધિકારીઓ-સરકારીબાબુઓ સામે કાર્યવાહી થવા પામી રહી છે તે કેસમાં બોગસ રીતે સબસીડી ચાઉ કરી જનારા ઢોરવાડા સંચાલકની સામે ફોજદારી રાહે કાર્યવાહી હજુ સુધી કેમ કરવામા નથી આવતી? તેની પાસેથી લાખોની રકમની રીકવરી પેનલ્ટી સાથે કેમ કરવામાં નથી આવતી? અથવા તો કયારે કરવામા આવશે?

Comments

COMMENT / REPLY FROM