Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં વાહનોની સિક્યોરિટી નંબર પ્લેટ ડીલરો માટે કમાણીનું સાધન બની

21 November

પૂર્વ અને પશ્ચિમ આરટીઓ કચેરીમાં કામગીરી બંધ થતાં


અગાઉ આરટીઓ કચેરીમાં ટુ વ્હીલર માટે રૂા.૧૪૦ અને ફોર વ્હીલર માટે રૂા.૩૦૦માં મળતી નંબર પ્લેટ માટે હવે પાંચ ગણા નાણાં ખર્ચવાની પડે છે ફરજ : વાહન માલિકોના હિતમાં તાત્કાલિક ડીલરોના દર જાહેર કરાય તેવી પ્રબળ બની લોકલાગણી : વાહન ચાલકો ફરિયાદ કરે છે, પણ કોઈ સાંભળતું નથી



ભુજ - કચ્છઉદય : કચ્છ સહિત રાજ્યભરમાં વાહનો માટે હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટનો નિયમ વાહન ડીલરો માટે ધીકતી કમાણીનું સાધન બની ગયો છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત તમામ પ્રકારના વાહનોમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ફરજીયાત કરવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય વાહનોની સુરક્ષા વધારવાનો હતો, પરંતુ હવે આ નિયમ ખાનગી ડીલરોની કમાણીનું સાધન માત્ર બનીને રહી ગયો છે.
વાહનોના હાઈ સિક્યોરિટી નંબર પ્લેટની કામગીરી અગાઉ જે-તે આરટીઓ કચેરી મારફતે જ કરવામાં આવી હતી. જે હવે કચેરીમાંથી ખસેડી ડીલરોને સોંપાતા સામાન્ય નાગરિકના ખિસ્સા પર આર્થિક ભારણ વધ્યું છે. અગાઉ આરટીઓ કચેરીમાંથી નંબર પ્લેટ મળતી ત્યારે ટુ વ્હીલરની નંબર પ્લેટ માટે રૂા.૧૪૦ અને ફોર વ્હીલર માટે રૂા.૩૦૦ થી ૪૦૦ સુધી લગાવી દેવામાં આવતી હતી. જ્યારે હવે એ જ કામગીરી માટે ટુ વ્હીલર માટે રૂા.૭પ૦ અને ફોર વ્હીલર માટે રૂા.૧પ૦૦ સુધી વસૂલવામાં આવી રહ્યા છે.
કચ્છના વાહન માલિકો વેધક સવાલ કરતા પૂછી રહ્યા છે કે, જો સરકારના દર નક્કી છે તો ડીલરોને વધારાની કેટલી રકમ વસૂલવાની છૂટ અપાઈ છે ? અને જો કોઈ જ છૂટ અપાઈ નથી તો કોઈ કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી. ખરેખર નાગરિકોના હિતાર્થે વિભાગે ડીલરોના દર જાહેર કરવા જોઈએ અને નક્કી કરેલા દરથી વધુ વસૂલ કરનાર સામે કાર્યવાહી કરવી જોઈએ. 
ભુજ અને અંજારની આરટીઓ કચેરીમાં પહેલા નંબર પ્લેટ બનાવવાની કામગીરી માટે એજન્સી નક્કી કરી મશિન રાખવામાં આવ્યું હતું. જ્યાંં ઝડપથી અને નિયમિત દરે કામગીરી થતી હતી, પરંતુ હવે આ કામગીરી ડીલરોને સોંપી દેવામાં આવતા સત્તાવાર વ્યવસ્થાને લૂંટના ચંગુલમાં ધકેલાઈ દેવામાં આવી છે. હાઈ સિક્યોરિટી નંબર પ્લેટનો હેતુ વાહન ચોરીના બનાવો અટકાવવા, ખોટા નંબર પ્લેટ બંધ કરવા અને ટ્રાફિક સિસ્ટમમાં પારદર્શિતા લાવવાનો હતો, પરંતુ હાલે જે સ્થિતિ છે તેમાં અસુરક્ષા અને અસંતોષ ફેલાયો છે.


.............


નંબર પ્લેટ તૂટે તો મુસીબત


ભુજ - કચ્છઉદય : નવા વાહનો ઉપરાંત જૂના વાહનની નંબર પ્લેટ તૂટી જાય કે ખોવાઈ જાય તો વાહન માલિકને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અગાઉ આરટીઓ કચેરીમાં જ નવી નંબર પ્લેટ તાત્કાલિક મળી જતી હતી, પરંતુ આરટીઓ કચેરીમાં કામગીરી બંધ થયા બાદ લોકોને પહેલા પોલીસ રિપોર્ટ નોંધાવવો પડે છે. ત્યારબાદ ડીલર પાસેથી નવી નંબર પ્લેટ મળે છે. તેના માટે પણ વાહન માલિકે ખાસ્સો વધારાનો ખર્ચ કવરો પડે છે.

 

Comments

COMMENT / REPLY FROM