અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અને બિદડા સર્વોદય ટ્રસ્ટ વચ્ચે ૫ વર્ષ માટે શૈક્ષણિક એમઓયુ
બિદડા - કચ્છઉદય : અમેરિકા સ્થિત મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અને બિદડા સર્વોદય ટ્રસ્ટ વચ્ચે એજ્યુકેશનલ એક્ટિવિટીઝ માટે પાંચ વર્ષનો મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યો છે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટી તરફથી ડૉ. રોબેકા મેલોવિન તથા ડૉ. એનેટ ઓ’કોર્નર સાથે નિશા રમેશ દેઢિયાએ બિદડા સર્વોદય ટ્રસ્ટના મેડિકલ વિભાગો, જયા રિહેબ સેન્ટર, રતનવીર નેચર ક્યોર સેન્ટર, તારામતી વેલનેસ સેન્ટર, વી ટ્રાન્સ રિજ્યુવિનેશન અને હીલિંગ સેન્ટર અને પ્રભાવ હોલિસ્ટિક ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી.
ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ જણાવ્યું કે, મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના કોલેજ ઓફ ઓસ્ટિયોપેથિક અને કોલેજ ઓફ હ્યુમન મેડિસિનમાં ભણતા વિદ્યાર્થીઓ બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા સંચાલિત મેડિકલ વિભાગો, રહેબિલિટેશન, નેચર ક્યોર જેવા વિષયોનો અભ્યાસ કરી શકશે અને અહીંની કાર્યપદ્ધતિ દ્વારા તેમનો પ્રેક્ટિકલ અનુભવ વધારી શકશે તેમજ વર્ષ દરમિયાન યોજાતા વિવિધ મેડિકલ કેમ્પોમાં ઓપરેટિવ વર્કનું નિરીક્ષણ કરી તેનું શૈક્ષણિક અધ્યયન પણ કરી શકશે.
આ ઉપરાંત બિદડા સર્વોદય ટ્રસ્ટના ડોક્ટરો પણ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં એડવાન્સ એજ્યુકેશન મેળવી ‘ફેકલ્ટી મેમ્બર’ તરીકેની પદવી પ્રાપ્ત કરી શકશે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અને ટ્રસ્ટ વચ્ચે મેડિકલ લાઇબ્રેરી તથા નોલેજ એક્સચેન્જ દ્વારા બે-માર્ગીય શૈક્ષણિક લાભ પ્રાપ્ત થશે. આમ મિશિગન સ્ટેટ યુનિવર્સિટી સાથેનું આ સહયોગ કચ્છની જનતા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે અને ભવિષ્યમાં બંને સંસ્થાઓ સાથે મળી માનવ સેવા સાથે પશુ-પક્ષી સારવાર કરી જીવદયા ક્ષેત્રે પણ શ્રેષ્ઠ કાર્ય કરી શકશે. આ સમગ્ર પ્રોજેક્ટને આગળ ધપાવવા ભુજપુર ગામના હાલ યુએસએ નિવાસી રમેશભાઈ, માયાબેન, નિશા દેઢિયા તથા જયા રિહેબ સેન્ટરના મુખ્ય દાતા અરવિંદભાઈ અને જયાબેન શાહનો વિશેષ યોગદાન નોંધનીય છે, જેઓ અમેરિકાના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને અહીં લાવવામાં અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. મુલાકાત દરમિયાન મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના ડૉ. રોબેકા મેલોવિન અને ડૉ. એનેટ ઓ’કોર્નરે બિદડા સર્વોદય ટ્રસ્ટની પાંચ દાયકાથી ચાલતી માનવતાવાદી સેવાઓની પ્રશંસા કરી હતી.
-------

Comments