પૂર્વ કચ્છની ખાનગી શાળાઓ પાસેથી ‘દિવાળી’ વસૂલવા તંત્રના ભ્રષ્ટબાબુઓ સક્રિય..?
જિલ્લા શિક્ષણ વિભાગમાં અધિકારીશ્રીની સ્વૈચ્છિક નિવૃત્તિ સહિતના ઘટનાક્રમ વચ્ચે દિવાળી વેકેશન શરૂ થઈ જતા અટકી પડેલ ઉઘરાણા થયા શરૂ : શિક્ષણ તંત્રના અમુક ભ્રષ્ટ બાબુઓ દિવાળીની ભેટ ને પોતાનો અધિકાર સમજી ખાનગી શાળાઓનું દબાવી રહ્યા છે નાક
ભુજ - કચ્છઉદય : તહેવારોના દિવસોમાં ભેટ - બક્ષીસ આપવી એ ભારતીય સંસ્કૃતિનો એક અંગ છે. ખાસ કરીને દિવાળીના દિવસોમાં સંસ્થાઓ, પેઢીઓ, ઉદ્યોગો વગેરે દ્વારા સંબંધિત કર્મચારીઓ, ગ્રાહકોને દિવાળી નિમિત્તે ભેટ વગેરે આપવામાં આવે છે. ખાનગી ક્ષેત્રમાં દિવાળી નિમિત્તે ભેટ - સોગાદોની આપ-લે સ્વાભાવિક છે, પરંતુ સરકારી તંત્રમાં આ પ્રથા ભ્રષ્ટાચારનો ભાગ ગણાય છે. જિલ્લાની અમુક સરકારી કચેરીઓમાંં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જુદા-જુદા સરકારી વિભાગોના ભ્રષ્ટાચારનો ચેપ હવે પવિત્ર મનાતા શિક્ષણ ક્ષેત્રને પણ લાગી ગયો હોય તેમ શિક્ષણ વિભાગમાં કેટલીક પ્રવૃત્તિઓ લોકચર્ચાનું કેન્દ્ર બની છે.
કચ્છના શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા આધારભૂત સૂૂત્રો જણાવે છે કે, દિવાળી પૂર્વે અને દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ પૂર્વ કચ્છમાં કાર્યરત ખાનગી શાળાઓ પાસેથી મોટી દક્ષિણા વસૂલવામાં શિક્ષણ તંત્રના કેટલાક ભ્રષ્ટ તત્ત્વો સક્રિય થઈ ગયા છે. પૂર્વ કચ્છના રાપર, ભચાઉ, અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં અનેક ખાનગી શાળાઓ અને હાઈસ્કૂલો આવેલી છે. દિવાળી પૂર્વે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં અધિકારીશ્રીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ ઈન્ચાર્જની નિમણૂંક અને ચાર્જ સંભાળવાનો ઈન્કાર કરાયાના ઘટનાક્રમ વચ્ચે દિવાળી વેકેશન પડી ગયું હતું. દિવાળી વેકેશન પૂરૂં થયા બાદ હવે ખાનગી શાળાઓ પાસેથી ‘ભેટ’ મેળવવા ભ્રષ્ટાચારી બાબુઓ સક્રિય થઈ ગયા છે. ખાનગી ધોરણે ચાલતી શાળાઓના સંચાલકો કે સંસ્થાઓ કોઈપણ જાતના વાદ-વિવાદ વગર શાળાઓ ચાલતી રહે તે માટે જિલ્લા તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ - બાબુઓને ખુશ રાખવામાં કોઈ કચાશ રાખતા નથી. ખાસ કરીને દિવાળીની ભેટ સ્વરૂપે ‘મોંઘી’ સોગાદો આપી રાજી રાખવામાં આવે છે. કેટલાક ભ્રષ્ટ બાબુઓ જાણે આ ભેટ તેમનો અધિકાર હોય તેમ ઉઘરાણા કરતા જોવા મળી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો પૂર્વ કચ્છની ખાનગી શાળાઓમાંથી દિવાળી મેળવવા માટે તંત્રના ભ્રષ્ટ બાબુઓ દિવાળી વેકેશન પૂરૂં થઈ ગયા બાદ સક્રિય થઈ ગયા છે.

Comments