સેના નિવૃત જાન મોહમ્મદ સમાનું નિધન
૧૯૭૧નાં ભારત - પાકિસ્તાનના યુદ્ધ સમયે અભૂતપૂર્વ ફરજ બજાવીને દુશ્મનોને પરાસ્ત કર્યા હતા
ભુજ - કચ્છઉદય : લાંબી બીમારી બાદ સેના નિવૃત જનાબ જાન મોહમ્મદભાઇ સમાનું અવસાન થતાં કચ્છને જ નહીં, પરંતુ સમગ્ર દેશને એક મોટી ખોટ પડી છે .
વર્ષ ૧૯૭૧ના ભારત - પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમણે નિભાવેલી મહત્વપૂર્ણ ભૂમિકા, તેમની શૌર્યગાથા અને દેશપ્રેમ આજે પણ સૈનિકો અને નાગરિકો માટે પ્રેરણાનું સ્ત્રોત છે.
જાન મોહમ્મદ સમા મૂળ કચ્છના વતની હતા. સરળ, શિસ્તબદ્ધ અને દેશને અર્પણભાવથી સેવા કરી હતી. સેવાના વર્ષોમાં તેમણે અનેક જટિલ મિશનોમાં ભાગ લીધો હતો અને પોતાના સાહસ, દ્રઢનિશ્ચય અને નેતૃત્વથી દરેક મોરચા પર અનોખું યોગદાન આપ્યું હતું. ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન તેમની વ્યૂહરચના અને નિડર કામગીરીએ દેશને મહત્ત્વના ક્ષણે મજબૂતી આપી હતી તેમજ તેમનાં કામની કદરને લઈને તેમને ત્રણ સેના મેડલ પણ મળી ચુક્યાં છે. તેમણે યુદ્ધ સમયે ભારે બોમ્બમારા સમયે જીવના જોખમે દેશ માટે યોગદાન આપીને દુશમનોને પરાસ્ત આપી હતી.
સેવામાંથી નિવૃત્તિ બાદ પણ જાન મોહમ્મદ સમાએ દેશપ્રેમનો માર્ગ છોડ્યો નહીં. તેમણે કચ્છના યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને સૈન્યસેવાના મૂલ્યો પ્રસરાવવા અવિરત પ્રયત્નો કર્યા. તેમની સાથે મળીને વાત કરતાં યુવાનોએ જણાવ્યું હતું કે, એક વખત તેમની સાથે પાંચ મિનિટ પણ બેસીએ તો તેઓ દેશ માટે કઈ રીતે સેવા કરવી તેમજ સેનામાં કઈ રીતે કામ કરવું તેની પ્રેરણા આપતા હતાં. ભુજમાં તેમના અવસાનના સમાચારથી સમગ્ર પ્રદેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સૈનિકભાઇઓ, સ્થાનિક નેતાઓ, યુવા સંગઠનો અને સામાન્ય નાગરિકોએ તેમના પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પી છે. કચ્છના વડીલો કહે છે કે, આવા બહાદુર અને સરળ હૃદયના માણસો એક જબરજસ્ત છાપ મૂકી જાય છે. જાન મોહમ્મદ સમા માત્ર એક સૈનિક નહીં, પરંતુ એક જીવંત પ્રેરણા હતા, જે દેશસેવાનું સાચું અર્થ સમજાવતા હતા. તેમનું અવસાન એક યુગના અંત સમાન છે. કચ્છને, ગુજરાતને અને ભારતને તેમના જવાથી ખોટ પડી છે.
------

Comments