Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની પ્રિ-સ્કૂલોને નોંધણી માટે ૩૦ નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ

17 November

બિલાડીના ટોપની જેમ ફુટી નિકળેલ





રજીસ્ટ્રેશન ન કરાવનાર પ્રિ-સ્કૂલોને લાગશે તાળા : સરકારની કડકાઈને પગલે અત્યાર સુધી કચ્છ સહિત રાજ્યની ૪૬૬૨ પ્રિ-સ્કૂલોએ રજિસ્ટ્રેશન માટે અરજી કરી, ૨૨૬૬ને મંજૂરી અપાઈ




ભુજ-કચ્છઉદય : કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે અપુરતી સરકારી સુવિધાઓના કારણે ખાનગી શિક્ષણ સંસ્થાઓને મોકળું મેદાન મળી ગયું છે. કચ્છમાં શિક્ષણ એ ધીકતો વેપાર બની ગયો છે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી શાળાઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે તો માસુમ ભૂલકાઓને શાળામાં પ્રવેશ પહેલા બુનિયાદી શિક્ષણ આપતી પ્રિ-પ્રાયમરી સ્કૂલોની સંખ્યા પણ વધી છે. જિલ્લા મથક ભુજથી માંડી છેવાડાના મોટા ગામોમાં ખાનગી પ્રિ-સ્કૂલો બિલાડીના ટોપની જેમ ફુટી નિકળી છે. જો કે, ગામો ગામ શરૂ થયેલ પ્રિ-પ્રાયમરી સ્કૂલો પૈકી મોટા ભાગની શાળાઓ માન્ય રજીસ્ટ્રેશન વગર જ ધમધમતી હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે આવી પ્રિ-સ્કૂલોને નિયમિત કરવા રજીસ્ટ્રેશન ફરજીયાત કરાયું છે અને તેના માટે નોંધણી કરવા માટે સરકારે ૩૦ મી નવેમ્બર સુધીની મહેતલ આપી છે. સરકારના ફાઈનલ અલ્ટીમેટમ બાદ રજીસ્ટ્રેશન વગર ધમધમતી પ્રિ-સ્કૂલોના સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે. રાજય સરકારે નિશ્ચિત સમય મર્યાદામાં નોંધણી ન કરાવનાર ખાનગી પ્રિ-સ્કૂલોને બંધ કરવા જિલ્લા શિક્ષણ વિભાગને સૂચના આપી હોઈ રજીસ્ટ્રેશન માટે શાળા સંચાલકો છાત્રોના ભવિષ્યના ધ્યાને લઈ રજીસ્ટ્રેશન માટે હરકતમાં આવશે કે કેમ ? તેના પર મીટ મંડાઈ છે. આ અંગેની વિગતો મુજબ કચ્છ સહિત રાજ્યમાં આવેલી પ્રિ-સ્કૂલોની નોંધણી માટેના નિયમો હળવા કર્યા બાદ અત્યાર સુધી ૪૬૬૨ પ્રિ-સ્કૂલો દ્વારા નોંધણી માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જેમાંથી ૨૨૬૬ પ્રિ-સ્કૂલોને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રિ-સ્કૂલોની નોંધણી માટે નિયમો હળવા કર્યા બાદ ૩ માસની મુદત આપવામાં આવી હતી, આ મુદત હવે ૩૦ નવેમ્બરના રોજ પૂર્ણ થવાની છે ત્યારે હજુ પણ અનેક પ્રિ-સ્કૂલોએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. જેથી નિયત સમયમર્યાદામાં જે પ્રિ-સ્કૂલો નોંધણી નહીં કરાવે તેમની સામે તવાઈ આવશે. 
શિક્ષણ વિભાગ દ્વારા ૨૦૨૩માં  પ્રિ-સ્કૂલ માટેના રેગ્યુલેશન જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પ્રિ-સ્કૂલોના રજિસ્ટ્રેશન અને મંજૂરી અંગેની માર્ગદર્શિકા જાહેર કરી હતી.  આ દરમિયાન રાજ્યમાથી માત્ર ૪૦૦ જેટલી પ્રિ-સ્કૂલોએ જ નોંધણી કરાવી હતી. આમ, રાજ્યમાં ૧૦ હજાર કરતા વધુ પ્રિ-સ્કૂલોના અંદાજ સામે માત્ર ૪૦૦ જેટલી જ પ્રિ-સ્કૂલોની નોંધણી થઈ હતી. 
કચ્છની પ્રિ-સ્કૂલોને
પ્રિ-સ્કૂલોની નોંધણીને લઈને બનાવેલા નિયમો સામે સંચાલકોને વાંધો હોવાથી તે અંગે સંચાલકો દ્વારા શિક્ષણ વિભાગમાં અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી. 
જેના પગલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નોંધણી માટેના નિયમો હળવો કરતો સુધારા ઠરાવ ૨૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ જાહેર કર્યો હતો.  આ દરમિયાન અત્યાર સુધીમાં ૪૬૬૨ પ્રિ-સ્કૂલોએ નોંધણી માટે અરજી કરી હતી, જેમાથી ૨૨૬૬ને મંજૂરી આપી દેવામાં આવી છે. 
જોકે, હજુ કચ્છની અનેક પ્રિ-સ્કૂલોએ નોંધણી માટે અરજી પણ કરી ન હોવાનું જાણવા મળે છે. ૧ સપ્ટેમ્બરથી શરૂ થયેલી રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં હવે ૩૦ નવેમ્બરના રોજ મુદત પૂર્ણ થવાની છે ત્યારે હજુ પણ અનેક પ્રિ-સ્કૂલોના રજિસ્ટ્રેશન બાકી રહ્યા હોવાથી વહેલી તકે રજિસ્ટ્રેશન પૂર્ણ કરવામાં આવે તે હિતાવહ છે.


 

Comments

COMMENT / REPLY FROM