જખણીયા પટ્ટામાં નદીમાંથી રેતીચોરીનું ધમધમતું કારસ્તાન? પીપરી સીમાડામાં જુગાર કલબમાં ચકચારી ઠગનું કૌભાંડ..!
પોલીસ અંધારામાં કે અજાણ? કે પછી આંખમિચામણા?
ખાણખનિજવિભાગ કે ખાખીમાં ગોઠવણીઓ-છત્રછાયા વિના રોજ-બરોજની રેતીચોરીના કારનામાને આચરી શકાય ખરૂ? રેતીચોરીના માયાજાળ વિકસાવનારે બે અલગ અલગ કાચા ગાડાવાટ પણ મશીનો સાથે બનાવી લીધા હોવાની છે ચર્ચા : રેતીચોરી કરવા માટે મેાટી સંખ્યામાં માનવશ્રમ, મશીનો, વાહનોની પડે છે જરૂરીયાત, રાત્રીના સમયે નિયમિત રેતીચોરી થતી હોવાની છે ચકચાર
ગાંધીધામ : એકતરફ ગુજરાત સરકાર, કચ્છનુ પ્રશાસન જિલ્લામાં રહેલા અલભ્ય ખનીજના સંવર્ધન-સરક્ષંણ થાય અને તેના કાયદેસરના ખનનથી સરકારને રેવેન્યુનો લાભ મળે તે દીશામાં ચોકકસાઈ વધારતા પગલા લઈ રહી છે ત્યારે બીજીતરફ આ જ સરકારના અમુક ભ્રષ્ટ તત્વો અને રેતી-ખનીજચોરો મેળાપીપણાં કરી અને આવા કીમંતી રેતી-માટી-ખનીજો પર ઉઘાડી લુંટ જ ચલાવી રહ્યા છે.
કચ્છ જિલ્લામાં પણ આવા અનેક વિધ અલભ્ય ખનીજો આવેલા છે પરંતુ આવા ખનીજો-માટી અને રેતીમાથી સરકારને થવાપાત્ર રોયલ્ટીની આવકના પ્રમાણમાં તો અનેકઘણી ચોરીઓ આયોજનબદ્ધ રીતે તેમાથી કરવામા આવી રહી છે. દરમ્યાન જ જાણકારો કહી રહ્યા છે કે, માંડવી તાલુકાના જખણીયા પટ્ટામાં આવેલી નદીમાંથી પણ પાછલા અમુક સમયથી આવુ જ એક આયોજનબદ્ધ રેતીચોરીનું મોટું નેટવર્ક ધમધમી ઉઠયું છે. જખણીયા પટ્ટાની આ નદીમાંથી બેફામ પણે રેતીચોરી કરવામા આવી રહી હોવાનુ મનાય છે. રાત્રીના સમયે રેતી ચોરો દ્વારા ગાડીઓની ગાડીઓ અહીથી ભરીને રેતી ઉસોડાઈ રહી છે. રેતીચોરી કરનાર અગાઉ પણ વીવિધ ધંધાઓમાં ચકચારી રહેલા હોવાનુ જ કહેવાય છે. માંડવી તાલુકાના જ પીપર-ઉનડોઠના હાઈવે પટ્ટામાં અગાઉ ચાલતી કચ્છ આખાયની મોટી જુગાર કલબના સંચાલક તરીકે જેનુ નામ ઉછળી ચુકયુ છે તેના દ્વારા જ આ રીતે રેતીચોરીના કારસ્તાનને અંજામ આપવામા આવી રહ્યુ હોવાનુ મનાય છે.
એટલુ માત્ર જ નહી પણ આ રીતેચોરી કરવા માટે જખણીયા ઉપરાંત એક રોડ સીધો ગોણીયાસર તરફ નીકળી શકે તે રીતે કાચો ગાડાવાટ પણ બનાવી લેવાયો છે. મશીનોથી સાફસફાઈ કરી અને અહીથી જ વાહનો પસાર કરવામા આવી રહ્યા હોવાનુ ચર્ચાય છે.
રેતી આમને આમ જ ઉપડતી રહી તો નદીની જળસંગ્રહ ક્ષમતા પણ ચોકકસથી ઘટવા પામી જશે અને તેનો મોટો ગેરલાભ-ફટકો લોકાને પડવા પામશે.જખણીયા પટ્ટામાં આયોજનબદ્ધ રીતે મેાટાપાયે રેતીચોરીનું નેટવર્ક ધમધમી ઉઠયુ છે તેમ છતા પણ ખાણખનિજ વિભાગ કે પછી સ્થાનિક પોલીસ અજાણ રહી જાય તે બને ખરૂ? આટઆટલો મોટી રેતીચોરી કરવી એ કોઈ ગણતરીની મીનીટોમાં નિપટાવ શકાય તેવુ કામ નથી, વાહનો, માનવશ્રમ અને વાહનો સહીતનો મોટો લાવલશ્કર આ પ્રકારની ચોરીઓ કરવા જરૂર પડતી હોય છે. આટલો બધો મોટો ધમધમાટ થતો હોય અને સ્થાનિકના જવાબદારો અંધારામાં રહી જાય તે પણ કેવી રીતે કોઈના ગળે ઉતરી શકે?

Comments