નશાની ખેપ : કચ્છમાં સગીર વયના બાળકોને બનાવાયા ‘ડ્રગ્સ પેડલર’
ભુજથી અંજાર ગાંજો લેવા ગયા અને પરત આવતા હતા ત્યારે વિજયનગર પાસે પકડાયા : અંજાર પોલીસે ૪પ હજારનો ગાંજો કબજે કર્યો : ભુજના શખ્સે જ બે કિશોરને માલ લેવા મોકલ્યા હોવાનું સામે આવ્યું
ભુજ-કચ્છઉદય : કચ્છમાં અવારનવાર નશાયુક્ત પદાર્થોની હેરાફેરી ઝડપાય છે ત્યારે અંજાર વિસ્તારમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સગીરવયના બાળકો નશાની ખેપ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ૪પ હજારનો ગાંજો કબજે કરી ચાર જણા સામે ફરિયાદ દાખલ કરી છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અંજાર પોલીસે બાતમીના આધારે ગઈકાલે રાત્રે વિજયનગર શાળા નં. ૧૩ પાસે વોચ ગોઠવી હતી. જેમાં ભુજ તાલુકાના એક ગામના ૧પ અને ૧૬ વર્ષના સગીર વયના બાળકો પકડાયા હતા. તેઓ એકસેસ નંબર જી.જે.૧ર. એચ.બી. ૯૧૮૩ લઈને ગાંજો લેવા માટે આવ્યા હતા અને માલ લઈને જતી વખતે પકડાઈ ગયા હતા. પુછપરછ કરતા જાણવા મળ્યું કે, ભુજના ઈમરાન સુમરા નામના વ્યક્તિએ આ બન્ને સગીરને એકસેસ આપી હતી અને ગાંજો લઈ આવવા માટે અંજાર મોકલ્યા હતા. બન્ને જણા ભુજથી અંજાર આવ્યા અને અંજારમાં સમીર ઉર્ફે ગબ્બરને મળી તેની પાસેથી ગાંજો લઈ ભુજ હતા ત્યારે પકડાઈ ગયા હતા. પોલીસે ૮૯૮ ગ્રામ ગાંજો કિંમત રૂા. ૪૪,૯૦૦, પ૦ હજારની ગાડી અને ૧૦ હજારના મોબાઈલ કબજે કરી કુલ્લ ચાર જણા સામે ગુનો દાખલ કર્યો હતો. બન્ને જણા સગીર હોવાથી તેના વાલીઓનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન બોલાવી જાણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કચ્છ જિલ્લામાં ટ્રેેન અને અન્ય વાહનો મારફતે ઓરિસ્સા જેવા વિસ્તારોમાંથી ગાંજાની હેરફેેર થતી હોય છે અને જિલ્લામાં છુટક પડીકીઓ બનાવી તેનું ખુબ મોટી માત્રામાં વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આ બનાવ ચિંતાજનક છે. કારણ કે સગીર વયના બાળકો ડ્રગ્સની હેરાફેરીમાં સપડાઈ ચુકયા છે. અગાઉ આ પ્રમાણે કેટલી ખેપ કરવામાં આવી છે તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવે તે જરૂરી બની રહે છે.
........
શહેરો બાદ હવે ગામડાઓમાં ગાંજાના વેચાણ-હેરાફેરીની પ્રવૃત્તિમાં ઘર કરી ગઈ
ભુજ : જિલ્લામાં ગાંજા જેવા નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિ શહેરી વિસ્તારો બાદ હવે ગામડાઓમાં પણ પ્રસરતા સમાજમાં ચિંતાનું વાતાવરણ ઉભુ થવા પામ્યું છે. મોટા ભાગે યુવાધન નશીલા ગાંજાના વ્યસનીઓ બની રહ્યા હોય યુવાધન બરબાદીના પંથ તરફ ધકેલાઈ રહ્યું છે જેને લઈને પોલીસ તંત્ર દ્વારા આવા ગેરકાયદેસર કૃત્ય ઉપર સંપૂર્ણ લગામ લગાવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ઉપરાંત ગાંધીધામ, રાપર જેવા શહેરોમાં અવારનવાર ગાંજો ઝડપાવવાના બનાવો ઉજાગર થઈ ચુકયા છે. ટ્રેન મારફતે કચ્છમાં ઘૂસાડાતો નશીલો પદાર્થ કયારેક જ પકડાતો હોય છે. શહેરો વાટે હવે આ બદી ગામડાઓ સુધી નશીલા ગાંજાનું વેચાણ કરાઈ રહ્યું છે. તગડો નફો મળતો હોવાથી કેટલાક અસામાજીક તત્વો દ્વારા મોટાપાયે ગાંજો ઓરિસ્સા કે સુરતથી મંગાવીને તેની પડીકીઓ બનાવીને ૨૦૦ થી ૫૦૦ રૂપિયામાં વેચવામાં આવી રહી છે.શહેરી વિસ્તારોમાં મોટાભાગે કોલેજીયન યુવક-યુવતીઓ બંધાણી થઈ જવા પામ્યા છે. જેઓ દ્વારા સીગરેટોમાં ગાંજો ભરીને તેના કસ મારીને નશો કરવામાં આવી રહ્યો છે. ગાંજો એ એવો નશીલો પદાર્થ છે, જે પીવાથી મોટાભાગે પીનાર તેનો બંધાણી જ થઈ જાય છે અને ત્યારબાદ જ્યાં સુધી તે ગાંજાનો નશો ના કરે ત્યાં સુધી તેને ચેન પડતુ નથી અને આકુળવ્યાકુળ જ રહેવા પામે છે.જેથી તે ગમે ત્યાંથી ગાંજો મેળવીને તેનો નશો અવશ્ય કરતો જ હોય છે. જેનો ગાંજાનો વેપાર કરતા શખ્સો ભરપુર લાભ ઉઠાવી રહ્યા છે. જો કે શહેરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાંજાની હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓ વધવા પામી છે. ત્યારે કડક કાર્યવાહી જરૂરી છે.
............

Comments