Trending News
સ્થાનિક સમાચાર

ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી સુરેન્દ્રનગરના શખ્સે નખત્રાણાની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી

16 November



મિત્રતાનો સબંધ લગ્નની લાલચ સુધી પહોંચાડી અવારનવાર બળાત્કાર ગુજારાયો : ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ૧.૯૮ લાખની કરાઈ માંગણી 


નખત્રાણા-કચ્છઉદય : નખત્રાણા વિસ્તારમાં બનેલો તાજેતરનો બનાવ સમગ્ર સમાજ માટે એક ગંભીર ચેતવણી છે. સોશિયલ મીડિયાની વધતી લોકપ્રિયતા સાથે વર્ચ્યુઅલ દુનિયામાં અજાણ્યા લોકો સાથે જોડાવું સહેલું બન્યું છે, પરંતુ તેનો દુરુપયોગ કેવી રીતે થઇ શકે તેની જીવંત સાબિતી આ કિસ્સો બની રહ્યો છે.
સગીરાને ઈન્સ્ટાગ્રામ પર એક યુવક દ્વારા મોકલાવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટથી શરૂઆત થયેલી વાતચીતે ધીમે ધીમે મિત્રતા, વિશ્વાસ અને બાદમાં લગ્નની લાલચ સુધીનું સ્વરૂપ ધારણ કર્યું. સુરેન્દ્રનગરના યુવકે પોતાની જાતને યોગ્ય, જવાબદાર અને ભાવનાત્મક રીતે સંવેદનશીલ બતાવી સગીરાનો વિશ્વાસ જીતી બાદમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વિકસતી મિત્રતાનો લાભ લઈ તેણે યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા. એક સગીરાના મનમાં ‘લગ્ન’ જેવી વાત અત્યંત ભાવનાત્મક હોય છે અને વિશ્વાસનો આધાર બની જાય છે. પરંતુ લાગણીનો આ આધાર જ દુરુપયોગ માટેનો રસ્તો બની ગયો. સંબંધ વધી જતા યુવકે પોતાના સ્વાર્થ માટે સ્વરૂપ બદલી નાખ્યું. લગ્ન કરવાની ના પાડી અને પછી ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી ચાર હજાર રૂપિયા પડાવી લીધા. 
આ બાબતે નખત્રાણા પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે, જેની વિગતો મુજબ છેલ્લા બે વર્ષથી આ બનાવને અંજામ અપાયો હતો. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના આરોપી દીપ વાડીલાલ સોલંકીએ ઈન્સ્ટાગ્રામમાં સગીરા સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી મરજી વિરૂદ્ધ વારંવાર શરીર સબંધ બાંધી બાદમાં પરિવારને બ્લેકમેલ કરતા ધમકી આપી હતી કે, દિકરીના લગ્ન તેની સાથે જ કરાવી આપવા પડશે નહીં તો ફોટા - વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ કરવાની ધમકી આપી સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કિશોરીના ભાઈને ફોન કરી ધમકી આપવામાં આવી હતી. યુવતી પાસેથી ચાર હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. અન્ય કુટુુંબીના ફોનમાં ફોટા મોકલી વાયરલ કરવાની ધમકી આપી ૧.૯૮ લાખની માગણી કરી પરિવારને ભયમાં મુકી દેવામાં આવ્યો છે. નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવ સમાજને બે મોટો સંદેશ આપે છે. પ્રથમ સગીરો અને યુવાનોને ડિજિટલ સતર્કતા અંગે શિક્ષિત કરવાનો સમય આવી ગયો છે. સ્કૂલ, કોલેજ અને માતા-પિતા બંનેની સંયુક્ત જવાબદારી છે કે બાળકોને સોશિયલ મીડિયાના જોખમો, અજાણ્યા લોકો સાથે વ્યક્તિગત માહિતી વહેંચવાના નુકસાન અને ‘ઓનલાઇન સેફ્ટી’ વિશે સમજણ અપાય. બીજુ કાયદાની ભૂમિકા મજબૂત બનાવવી જોઈએ. આવા ગુનાઓ માત્ર પ્રેમમાં છેતરપિંડી નથી, પરંતુ અત્યંત ગંભીર અપરાધ છે. સગીરાને શારીરિક શોષણ, બ્લેકમેલિંગ અને માનસિક યાતનાનો ભોગ બનાવનારાને કડક સજા મળવી જોઈએે. આ ઘટના આંખ ઉઘાડવા જેવી છે. સમય આવી ગયો છે કે આપણે માત્ર ટેક્નોલોજીનો ઉપયોગ ન કરીએ, પરંતુ તેને સમજદારીથી, સાવચેતીથી અને જવાબદારીપૂર્વક વાપરીએ ખાસ કરીને જ્યારે વાત બાળકો અને સગીરાઓની આવે ત્યારે આવા કિસ્સાઓમાં પોલીસ દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગઈ છે.

Comments

COMMENT / REPLY FROM