સહકારી માળખાને મજબૂત બનાવવા યુવાનોની સક્રિયતા જરૂરી : શિવજીભાઈ આહિર
ભુજ -કચ્છઉદય : વિદ્યાર્થીઓ યુવાકાળથી જ સહકારી પ્રવૃતિમાં સક્રિય થાય તો ખુબ જ તકો રહેલ છે, તેવી હાકલ અખિલ ભારત સહકાર સપ્તાહ ઉજવણીના પ્રારંભે કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકાર સપ્તાહ ઉજવણી અંતર્ગત ભુજોડી આહિર કન્યા વિદ્યા મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાનેથી વકતવ્ય આપતા કચ્છ જિલ્લા સહકારી સંઘના ચેરમેન - પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહિરે જણાવ્યું હતું કે, યુવાધન એ દેશનું ભવિષ્ય છે, ત્યારે વિદ્યાર્થીઓ યુવાકાળથી જ સહકારી પ્રવૃતિમાં રસ લઈ સહકારી માળખાને વધુ મજબૂત બનાવી શકે છે. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સહકારી માળખામાં સક્રિય થવા આહવાન કરી જિલ્લા સહકારી સંઘ તરફથી મદદની ખાત્રી આપી હતી.
ભુજોડી આહિર કન્યા વિદ્યા મંદિરના ચેરમેન બાબુભાઈ હુંબલે પણ સહકારી માળખુ મજબૂત બનશે તો રોજગારીનો મોટો પર્યાય બની શકે તેમ છે તેવું જણાવી સહકારી પ્રવૃતિના પ્રચાર પ્રસાર માટે જિલ્લા સંઘના પ્રયત્નોને બિરદાવ્યા હતા.
કચ્છ જિલ્લા સહકારી સંઘના સેક્રેટરી રમેશભાઈ આહિરે સહકારી માળખાની રચના અને ઉદેશી સમજાવ્યા હતા. આ પ્રસંગે સહકાર અને આજનું યુવાધન વિષય ઉપર વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. વિજેતાઓને અને તમામ સ્પર્ધકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. કન્યા વિદ્યા મંદિરના ઉપપ્રમુખ રાણાભાઈ ડાંગર, ટ્રસ્ટી રણછોડભાઈ ડાંગર, અગ્રણીઓ હમીરભાઈ ડાંગર, સામજીભાઈ ડાંગર, જીવાભાઈ આહિર વગેરે અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા સંઘના વાઈસ ચેરમેન વલમજીભાઈ હુંબલ અને માનમંત્રી ભરતભાઈ ઠક્કરે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. કન્યા વિદ્યા મંદિરના સુપરવાઈઝર બાબુભાઈ આહિર, પ્રિન્સિપાલ ભવાનીબેન, ગૃહમાતા કિરણબેન રાસ્ત્ સહિતના સ્ટાફગણે આયોજન - વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. જિલ્લા સંઘના કે.એલ. સુમેરા, કામીનીબેન બુદ્ધભટ્ટીએ વકતૃત્વ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સેવા આપી હતી.
-----

Comments