ભુજમાં એલસીબીને મળી મોટી સફળતા : સોના અને રોકડના નામે ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ
સરપટનાકા નજીક શેખ ફળિયાના મકાનમાં બાતમીના આધારે દરોડો પાડતા એક અસલી અને નકલી સોનાના ૧૧ બિસ્કિટ મળ્યા : ઠગાઈ કરવા માટે ઉપયોગમાં લેવાતા જુદા જુદા નવ મોબાઈલ, દુબઈ સહિતના ૧૮ સીમકાર્ડ પણ કરાયા જપ્ત : પેટી પલંગમાંથી આંખો પહોળી થઈ જાય તેટલી માત્રામાં પ૦૦, ર૦૦ અને ૧૦૦ ની નોટના અસલી-નકલી બંડલો નીકળ્યા
ભુજ - કચ્છ ઉદય : સસ્તા સોનાના નામે ઠગાઈ કરવામાં ભુજના ચીટરોએ શહેરને બદનામ કરીને રાખ્યું છે. સસ્તા સોનાના નામે ઠગાઈ થતી હોવા છતા લોભામણી લાલચે અનેક લોકો જાળમાં ફસાઈ જાય છે. હવે તો એક લાખના બે લાખ સહિતની લાલચે પણ ઘણા લોકો રૂપિયા ગુમાવી બેસે છે. વખતો વખત કાર્યવાહી કરવા છતાં આ ગેંગ અટકવાનું નામ લેતી નથી ત્યારે રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ આપેલી સૂચના અને એસપી વિકાસ સુંડાના માર્ગદર્શનમાં ભુજ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોટી સફળતા મળી છે. જેમાં સરપટનાકા નજીક શેખ ફળિયામાં આવેલા મકાનમાં દરોડો પાડી ચીટરને ઝડપી લેવા સાથે મોટી માત્રામાં બિસ્કિટ અને નોટોના બંડલ કબજે કરવામાં આવ્યા છે.
આ બાબતે ભુજ ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચને માહિતી આપતા જણાવ્યું કે, એલસીબીના જીવરાજભાઈ ગઢવી અને શક્તિસિંહ ગઢવીને સચોટ બાતમી મળી હતી. જેના આધારે સરપટનાકા શેખ ફળિયામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં અજરૂદ્દીન કાસમશા શેખ હાજર મળી આવ્યો હતો. આરોપી અને તેના ભાઈઓ ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક અને વોટ્સએપમાં અલગ અલગ નામની ફેક આઈડી બનાવી તેમાં એક લાખના બદલામાં પાંચ લાખ તેમજ બજાર કરતા સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપતા વીડિયો બનાવી પોસ્ટ કરતા હતા. ખરેખર અસલી બિસ્કિટ બતાવી નકલી બિસ્કિટ આપી ઠગાઈ કરવામાં આવતી હતી અને ચલણી નોટોમાં ઉપર અને નીચે સાચી નોટો વચ્ચે ભારતીય ચલણી નોટની આકારના કાગળો અને ભારતીય ચિલ્ડ્રન બેંકની નોટ મુકવામાં આવતી હતી. પ્રથમ દૃષ્ટીએ બંડલ સાચા લાગે પરંતુ તેમાં ઉપર અને નીચે સાચી નોટ હોય વચ્ચે નકલી નોટ રાખી ઠગાઈ કરવામાં આવતી હતી. અજરૂદ્દીનને સાથે રાખી તેના ઘરમાં તપાસ કરવમાં આવી હતી. જેમાં પેટી પલંગમાંથી ભારતીય ચલણના ૧૦૦, ર૦૦, પ૦૦ ના દરની નોટોના બંડલો મળી આવ્યા હતા. કુલ ૯૯,૩૦,૦૦૦ સાચી-ખોટી ભારતીય ચલણી નોટના બંડલ કબજે કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૧ર.૭૦ લાખનું સોનાનું સાચુ બિસ્કિટ અને ૧૧ નકલી બિસ્કિટ કબજે કરવામાં આવ્યા હતા. કુલ ૧પ હજારના ૯ મોબાઈલ અને ૧૮ સીમકાર્ડ કબજે કરવામાં આવ્યા હતા. જેમાં એક સીમકાર્ડ દુબઈનું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ઘરમાંથી વિનુભાઈ નામનું આધારકાર્ડ, ચૂટણીકાર્ડની નકલ, બંડલ રાખવા ઉપયોગમાં લેવાતા બોક્ષ, લેધર બેગ, ભારતીય ચલણના રોકડા રૂા.ર,૧૩,૪૦૦ સહિત ૧૪,૯૮,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અજરૂદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેના બે ભાઈઓ રમજુશા કાસમશા શેખ, અલીશા કાસમશા શેખ, ચલણી નોટના બંડલ આપનાર અંજારનો શેખડાડા, નકલી બિસ્કિટ આપનાર ભુજનો સુલ્તાન લંઘા હાજર મળી આવ્યા નથી. પાંચેય ઈસમો સામે ભુજ બી-ડિવિઝન પોલીસમાં વિવિધ લોકો સાથે સંપર્ક સાધી ઠગાઈ કરવાની કોશીશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રમજુ સામે ભુજ એડિવિઝન અને ખાવડા, જ્યારે અલીશા સામે ભુજ બી-ડીવિઝનમાં ગુનો નોંધાયેલો છે. આગળની તપાસ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર.જેઠીએ હાથ ધરી છે.
ડીવાયએસપીએ અપીલ કરતા જણાવ્યું કે, ઝડપાયેલ શખ્સ દ્વારા કોઈની સાથે ઠગાઈ કરવામાં આવી હોય તેઓ મુક્તમને આવીને રજૂઆત કરી શકે છે. પોલીસ દ્વારા આવા ચીટરો સામે કડક કાર્યવાહી કરવામાં
આવશે.

Comments