બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંખ સારવાર શિબિર યોજાઈ
બિદડા - કચ્છઉદ : બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે બાળકો માટે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જન્મથી જ આંખ ત્રાંસી હોય તેવા બાળકો માટે ત્રાંસી આંખને સીધી કરવા ટ્રસ્ટ દ્વારા બે દિવસીય ત્રાંસી આંખ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૯૭ બાળકોની આંખની તપાસણી કરવામાં આવી હતી અને તે પૈકી ૧૮ બાળકોને આંખના ઓપરેશન કરવામાં આવેલ હતા, જે પૈકી ૭ બાળકોના બંને આંખના ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ શિબિર દરમિયાન પાંચ વર્ષના બાળકથી માંડી ૩પ વર્ષની મહિલાની સંસ્થાનાં અતિ આધુનિક ઉપકરણોથી સુસજજ એવા એંકરવાલા આઈ ઓપરેશન થિયેટરમાં મુંબઈથી આવેલ ત્રાંસી આંખના નિષ્ણાંત સર્જનો ડો. અતુલ શેઠ અને ડો. સિદ્ધાર્થ કેસરવાણીએ ઓપેરશન સફળતાપૂર્વક કર્યા હતા.
નાના બાળકોને ઓપરેશન માટે એનેસ્થેસીયા આપેલ, જેમાં એનેસ્થેટીક તરીકે ડો. અર્ચના મ્હાત્રે અને ડો. મુણાલે અગત્યની સેવાઓ આપી હતી. સંસ્થાના સ્થાનિક આંખના ડો. વિરલ રાણા અને મુંબઈથી પધારેલ ડો. રિષભ શેઠ સહયોગી રહ્યા હતા. આ ઉપરાંત યુકેથી ખાસ તાલીમ અર્થેે પધારેલ ડો. શોભા મુખી પણ મદદરૂપ બન્યા હતા. ત્રાંસી આંખનાં નિષ્ણાંત સર્જન ડો. અતુલ શેઠ અને ડો. સિદ્ધાર્થ કેસરવાણીના જણાવ્યાં મુજબ આપણી આંખમાં ઉપર-નીચે તથા આંખની બન્ને બાજુમાં એમ કુલ ચાર સ્નાયુઓ હોય છે. જો આ સ્નાયુઓ નબળા થઈ ગયા હોય અથવા કામ કરતા ન હોય તો આ સ્નાયુને જીવંત કરી સ્નાયુની હલચલ વધારી ત્રાસી આંખને કેન્દ્રમાં ગોઠવવી પડે છે. આ કઠીન ઓપરેશન ખૂબજ કાળજીપૂર્વક કરવામાં આવે છે. વધુમાં ડો. શેઠે જણાવ્યું હતું કે, એક બાળાની બંને આંખો ત્રાંસી હતી. અમદાવાદ સહીત વિવિધ હોસ્પિટલોમાં ૮ થી ૧૦ જગ્યાએ તેઓ તપાસણી માટે ગયા હતા, પણ કોઈ ડોકટરે જવાબદારી લીધી ન હતી કારણ કે આવા કેસ માટે હાઈલી કવાલીફાઈડ નિષ્ણાંત વગર કરવા ખૂબ મુશ્કેલ હોય છે. જે કેસ આપણે અહીં ટ્રસ્ટ મધ્યે કરેલ અને આપણે એમાં સફળ રહ્યા છીએ.
આ કેમ્પ માટે ગત વર્ષની જેમ ‘ભારતી અરવિંદ બૌઆ-પુના’નો આર્થિક સહયોગ સાંપડયો હતો. સંસ્થાના ચેરમેન વિજય છેડાએ જણાવ્યું કે, કચ્છના ગરીબ દર્દીઓ માટે દાતા તરફથી મળતું અનુદાનનો ટ્રસ્ટ સદ્દઉપયોગ કરી શ્રેષ્ઠ આરોગ્ય સેવા પૂરી પાડે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આંખના ઓપરેશન તો ઘણી જગ્યાએ થાય છે, પરંતુ ત્રાંસી આંખ જેવા જટીલ ઓપરેશન વિનામૂલ્યે કચ્છમાં માત્ર બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે જ કરવામાં આવે છે. દાતા પરિવારના આ યોગદાન બદલ સ્થાનિક ટ્રસ્ટીઓ શાંતિભાઇ વીરા અને ડો. મયુર મોતાએ દાતાની ભાવનાને બિરદાવી હતી.
----

Comments