નોકરી વાંચ્છુક યુવાનોને મ્યાંનમારમાં બંધક બનાવવાના કેસમાં નાના કપાયાનો શખ્સ ઝડપાયો
ઓનલાઈન ડેટીંગ એપમાં વાત કરવા માટે આવા યુવાનોનો થતો હતો ઉપયોગ : સીબીઆઈની ટુકડીએ માનવ તસ્કરીના આંતર રાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કરી એજન્ટોને પકડ્યા
ગાંધીધામ-કચ્છઉદય : માનવ તસ્કરીના બનાવમાં સીબીઆઈની ટીમે મુંદરા તાલુકાના નાના કપાયમાં રહેતા શખ્સની ધરપકડ કરતા આ વિસ્તારમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ચાઈનીઝ ગેંગ દ્વારા ભારતમાં સીન્ડીકેટ ગોઠવીને ભારતીય યુવાનોને નોકરીની લાલચ આપી મ્યાનમારમાં બંધક બનાવી સાયબર ક્રાઈમની તાલીમ આપી ગંભીર પ્રકારના ગુનાઓ કરવા માટે મજબુર કરવામાં આવતા હતા. જેમાં સીબીઆઈ દ્વારા નાના કપાયા ગામના શખ્સની ધરપકડ કરાઈ હતી.
આ બાબતે સુત્રોના જણાવ્યા પ્રમાણે મ્યાનમારથી ભારતમાં ઓનલાઈન ઠગાઈનું સુઆયોજીત નેટવર્ક ચાલે છે. ભારત સહિત વિશ્વના જુદા જુદા દેશોમાં ઓનલાઈન ઠગાઈના કોલ કરવા માટે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, કેરળ સહિતના રાજ્યોમાંથી યુવકોને નોકરી અપાવવાના બહાને મ્યાનમાર લઈ જવામાં આવે છે. સીબીઆઈ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી. આવા યુવાનોને મ્યાનમાર લઈ જવાયા પછી પાસપોર્ટ કબજે કરી લેવામાં આવતાં હતાં. યુવકોને કોઈ એક જ સ્થળે ત્યાં ચલાવાતા કોલ સેન્ટર સાથે જ રહેણાંક હોય તેવા મકાનમાં ગોંધી રાખવામાં આવતાં હતાં. થાઈલેન્ડ થઈ મ્યાનમાર લઈ જવાયેલાં કુલ ૪૬૭ યુવકોને ભારત પરત લાવવામાં કેન્દ્ર સરકાર સફળ રહી છે. મ્યાનમારના મે સોટ નામના શહેરમાં સાયબર ગુલામીમાં સપડાયેલાં વધુ ૧૯૭ ભારતીય યુવકોને તાજેતરમાં ઈન્ડિયન એરફોર્સની ખાસ ફ્લાઈટમાં પરત લવાયાં છે. પરત લવાયેલાં યુવકો પૈકીના અનેક યુવકોએ તેમને નોકરીના બહાને મ્યાનમાર લઈ જનારાં એજન્ટનો પર્દાફાશ કર્યો હતો. સીબીઆઈની ટીમે આ વિગતોના આધારે નાના કપાયાથી મોહીતગીરી રાજનાથગીરી અને રાજસ્થાનથી સોયલ અખ્તર નામના યુવકોને પકડી પાડ્યાં છે. આ બંને યુવકો મ્યાનમારમાં નોકરી અપાવવાના એજન્ટ તરીકે કાર્યરત હતાં. સુત્રોના જણાવ્યા પ્રમાણે નોકરી વાંચ્છુક યુવાનો બેકારીના કારણે રોજગારીની શોધમાં હતા ત્યારે મોહિતના સંપર્કમાં આવ્યા અને મોહિતે થાઈલેન્ડમાં ડેટા એન્ટ્રી ઓપરેટરની મોટા પગારે નોકરીની લાલચ આપી વીડીયો ઈન્ટરવ્યુ વ્યવસ્થા કરી હતી. બાદમાં આવા - જવાનો ખર્ચો પોતે ભોગવશે તેમ કહી વિશ્વાસ કેળવ્યો હતો. ઈમીગ્રેશનને સરળ બનાવવા માટે દસ્તાવેજો પણ તૈયાર કરી આપ્યા હતા. ભારતથી બેંગકોક લઈ જવાયા બાદ તેને કેદ કરવામાં આવ્યો ત્યારે મામલો સામે આવ્યો કે આખું કૌભાંડ છે અને અહીં બંધક બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને મહિલા બની રોમેંટીક વાતો કરી નિર્દોશ લોકોને ઠગાઈનો શિકાર બનાવવા માટે આવા યુવાનોનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.
------

Comments