મુંબઈ વસ્તા જૈન સમાજના પરિવારોમાં ફેલાઈ ચિંતા
બેરાજામાં બંધ મકાનોના તાળા તોડી કરાતી ચોરી
મુન્દ્રા - કચ્છ ઉદય : તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા જૈન સમુદાયોના ઘરોમાં ચોરી થતી હોવાનું સામે આવી રહ્યું છે. ધંધાર્થી પરિવારો મુંબઈમાં સ્થાયી થયા છે અને વતનમાં આવેલા ઘરમાં કોઈ ન હોવાથી તસ્કરો દ્વારા તાળા તોડી કિંમતી વાસણો, સામાનની ચોરી કરવામાં આવી રહી છે. બેરાજા ગામમાં છેલ્લા દોઢ મહિના દરમિયાન સ્થાનિક સાથે મુંબઈ વસ્તા પરિવારોના મકાનના તાળા તૂટ્યા છે. ગામના સરપંચ જયેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, છેલ્લા દોઢ-બે મહિનાથી આવી ચોરીની ઘટનાઓ વધી રહી છે. આ બાબતે પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે. તસ્કરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની રહે છે. ગામમાં બંધ મકાનોની રેકી કરીને ચોરીના બનાવને અંજામ આપવામાં આવી રહ્યો છે. આ બાબતે બેરાજા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જયેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા (લાલુભા) દ્વારા પ્રાગપર પીઆઈને સંબોધીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, છેલ્લા ટુંકા સમયગાળામાં ઘરફોડ ચોરીના પાંચ બનાવો બન્યા છે. મુંબઈ કે બહારગામ વસ્તા લોકોના બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. બહાર ગામથી લોકો આવે ત્યારે ચોરી થયાનું જાણવા મળે છે. ગામમાં પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Comments