Trending News
સ્થાનિક સમાચાર

સામખિયાળીમાં ડુપ્લીકેટ નંબર પ્લેટના આધારે દારૂની હેરાફેરી પકડાઈ

13 November



૯.૭૮ લાખનો દારૂ કબજે કરી નાસી ગયેલા ચાલક સામે ગુનો દાખલ કરાયો

ભચાઉ-કચ્છઉદય : પૂર્વ કચ્છ જિલ્લામાં શરાબની બદી અટકાવવા માટે એસપી સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી સુચના અંતર્ગત એલસીબી અને વિવિધ સ્થાનીક પોલીસ દ્વારા સમયાંતરે દારૂ પકડી પાડવામાં આવે છે. આજે સવારે બાતમીના આધારે સામખિયાળી હાઈવે પર એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ૯.૭૮ લાખનો દારૂ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. આ બાબતે માહિતગાર સુત્રોના જણાવ્યા પ્રમાણે બાતમીના આધારે સામખિયાળી હાઈવે પર એલસીબીની ટીમ વોચમાં હતી ત્યારે જી.જે.૧ર ડીએમ ૩૧૩૧ નંબર પ્લેટ લગાવેલી ક્રેટા કાર પડાણાથી સામખિયાળી જતી હતી. સામખિયાળી ટોલનાકે ગાડી ઉભી રાખવાનો પ્રયાસ કરતા ચાલકે પોલીસને જોઈ ટોલનાકા ખાતે વાહનોની ટ્રાફીકનો લાભ ઉઠાવી પુરઝડપે ગાડી ચલાવી આગળ નિકળી ક્રેટા કાર મુકી ભાગી ગયો હતો. ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૭૯૩ બોટલો મળી આવી છે. ગણતરી કરતા ૯.૭૮ લાખનો પ્રોહીબીશન મુદ્દામાલ તેમજ પાંચ લાખની ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કરી હાલ સામખિયાળી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવાયો છે. તપાસ કરતા સામે આવ્યું કે, આ ક્રેટા કારમાં ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. ખોટી પ્લેટ લગાવીને દારૂની હેરાફેરી કરવામં આવી રહી હતી. ગાડીમાંથી અલગ અલગ નંબરની ત્રણ પ્લેટો મળી આવી હતી. દરમ્યાન છેલ્લા કેટલાક સમયથી પોલીસ કાર્યવાહીથી બચવા માટે આવા વાહનોમાં બોગસ નંબર પ્લેટ લગાવવામાં આવતી હોય છે. જેથી એલસીબી પીઆઈ એન. એન. ચુડાસમાના માર્ગદર્શનમાં આગળની તલસ્પર્શી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગતરોજ રાજસ્થાનથી ખાવડા આરઈ પાર્કમાં દારૂ લઈને આવેલી બોલેરો કારમાં પણ બોગસ પ્લેટ લગાવેલી હતી. છેલ્લા કેટલાક સમયથી શરાબની હેરાફેરીમાં આ પ્રમાણેના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે ભુજ અને અંજાર આરટીઓ દ્વારા વાહનોમાં ચેકીંગ કરવામાં આવે તે જરૂરી બની રહે છે.

Comments

COMMENT / REPLY FROM