Trending News
સ્થાનિક સમાચાર

વિશ્વગ્રામના યુવાનોનો નિરોણા ખાતે ગ્રામનિવાસ : કલા, સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને ગ્રામજીવનનો જીવંત અનુભવ

12 November


ગામમાં રહીને જીવવાની, શીખવાની અને મૂળ સાથે જોડાવાની પ્રેરણાદાયી સફર

નિરોણા - કચ્છઉદય : કચ્છ જિલ્લાના પાવરપટ્ટીના કેન્દ્રરૂપ નિરોણા ગામ ખાતે દિવાળી વેકેશન દરમિયાન વિશ્વગ્રામ દ્વારા છ દિવસીય ગ્રામનિવાસ શિબિરનું આયોજન કરાયું હતું. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ૧૬ જેટલા યુવક-યુવતીઓએ કોમી એખાલસના પ્રતિક સમા ફુલપીર દાદાના સ્થાનકે ગ્રામજીવનનો અનોખો અને અવિસ્મરણીય અનુભવ મેળવ્યો હતો. સ્થાનિક કલાઓ જેવી કે રોગાન આર્ટ, કોપર બેલ આર્ટ, લાખકામ અને ભરતગુંથણ વગેરે કલાનું નિદર્શન કરીને કચ્છની લોકકળાનો પરિચય મેળવ્યો હતો.  વડીલો સાથેના સંવાદ દ્વારા કચ્છના ઈતિહાસ, ભૂગોળ અને આધ્યાત્મિક પરંપરાનો અભ્યાસ કર્યો હતો.
નિરોણા અને વેડહાર ગામે યોજાયેલા બાળમેળામાં શિબિરાર્થીઓએ કાગળકામ, માટીકામ, રેંટિયો કાંતવો, જીવન સીડી જેવી ૧૦ જેટલી સર્જનાત્મક પ્રવૃત્તિઓ શીખવી હતી. આશરે ૨૦૦ બાળકો આનંદ સાથે શીખ્યા અને રમ્યા હતા. ચેસ ચેમ્પિયન વિરેન્દ્રસિંહ ઝાલાએ બાળકોને ચેસની તાલીમ આપી હતી જ્યારે સાંજે ફિલ્મ ‘હારુન અરુન’નું દર્શન અને મનોરંજક કાર્યક્રમો દ્વારા શિબિરનું માહોલ આનંદમય બનેલ હતુું.
પ્રવીણભાઈએ અભિનય ગીત, જોક્સ, મિમિક્રી વડે સૌ શ્રોતાજનોને આનંદિત કર્યા હતા. સરપંચ નરોત્તમભાઈએ ગામની વિવિધ વિશેષતાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ગાંધીજન રમેશભાઈ સંઘવી, મેંગો ગ્લોબલ સ્કૂલના કેતનાબેન તથા કારીગર શાળા ભુજના અતુલભાઈએ શિબિરને ઉર્જાવાન બનાવેલ હતી. શિબિરને સફળ બનાવવા માટે ફુલપીર દાદાના સ્થાનકે જમનાબહેન, સલીમભાઈ, મહેરોજી સોઢા તથા ગામજનોના સહકારથી સુવિધાજનક આયોજન થયું હતુુું. વિશ્વગ્રામના તુલા - સંજયના માર્ગદર્શન હેઠળ દર્શનભાઈએ સંચાલન સંભાળ્યું હતું. જ્યારે મોહનભાઈ અને તેમના પરિવારના સહયોગથી ગ્રામનિવાસ શિબિર ઉત્સાહભેર સંપન્ન થઈ હતી. ગ્રામજીવનનો અનુભવ, પરંપરાગત કળાનો પરિચય અને સામાજિક એકતાનો સંદેશ આપતી આ શિબિર સૌ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી હતી.
-------------

Comments

COMMENT / REPLY FROM