ભુજની હોટલમાં ગેરકાયદે રોકાયેલા કાશ્મીરી મામલે સઘન પુછપરછ હાથ ધરાઈ
જનતાઘરમાં હોટલ રજીસ્ટર ચેક કરતાં ભાંડો ફુટયો : નોધણી એક વ્યક્તિની અને રૂમમાંથી ત્રણ જણા મળ્યા : ચંદો ઉઘરાવવા માટે છેક કાશ્મીરથી ભુજ આવ્યા હોવાનું રટણ : હાલ કલેકટરના જાહેરનામાના ભંગ બદલ હોટલ સંચાલક પિતા - પુત્ર સામે કાર્યવાહી કરાઈ : કાશ્મીરી શખ્સોની અલગ અલગ દિશામાં પુછપરછ
ભુજ - કચ્છઉદય : દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે ઠેર ઠેર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કચ્છ સરહદી જિલ્લો તેમજ સતત વીવીઆઈપી મુવમેન્ટ ચાલુ હોવાથી સુરક્ષા વધારવામાં આવી છે. ભુજમાં એસઓજી દ્વારા અલગ અલગ હોટલોમાં રજીસ્ટર ચેક કરવામાં આવ્યા હતા. બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જનતાઘરમાં રજીસ્ટર તપાસતા જમ્મુ કાશ્મીરના એક નાગરિકની નોધ હતી. શંકા જતા રૂમમાં તપાસ કરવામાં આવી, જેમાં મહિલા સહિત ત્રણ જણા રોકાયેલા હતા. જમ્મુ કાશ્મીરના જાંગલીમાં રહેતા જમીલ અહેમદખાન અબ્દુલ મજીદખાનના નામે રૂમ બુક કરવામાં આવ્યો હતો. અહીંથી જમીલખાન સાથે મોહંમદ નઈમ અજીજખાન અને એક મહિલા નઈમ બેગમ મળી આવ્યા હતા. ત્રણેયની પુછપરછ કરતાં ૧ નવેમ્બરથી હોટલના રૂમમાં રોકાયેલા હોવાનું જણાવ્યું હતું. હોટલ સંચાલક દ્વારા માત્ર એક વ્યક્તિની નોંધ કરવામાં આવી હતી. રૂમમાં ત્રણ જણા રહેતા હતા. જેથી કલેકટરના જાહેરનામા ભંગ બદલ હોટલ સંચાલક જનક વિઠ્ઠલદાસ ભાટિયા અને પુત્ર વિનય જનક ભાટિયા સામે એ ડિવિઝનમાં ગુનો દાખલ કરાયો હતો.
કાશ્મીર શખ્સોની પુછપરછ કરતાં તેઓ જણાવે છે કે, તેઓ ચંદો ઉઘરાવવા માટે જમ્મુ કાશ્મીરથી ભુજ આવ્યા છે. ર હજાર કિલોમીટર દૂર ચંદો ઉઘરાવવા માટે આવ્યા હોવાનું રટણ કરતા હોવાથી આ દિશામાં વધુ પુછપરછ કરવા સાથે તેઓએ બતાવેલા આધાર પુરાવા અનુસંધાને જમ્મુ કાશ્મીર પોલીસની મદદ લઈને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલો હાલ ભારે ચર્ચામાં છે.

Comments