Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં મોર્નિંગ વોકમાં નિકળેલા મહિલાને ટેમ્પોએ ટક્કર મારતા મોત 

12 November





મુંદરા - કચ્છઉદય : જિલ્લામાં ફુલ ગુલાબી ઠંડી વચ્ચે હાલમાં વહેલી સવારે નાગરિકો મોર્નિંગવોક માટે નિકળતા હોય છે, પરંતુ આજે સવારે મુંદરામાં મોર્નિંગ વોક માટે નિકળેલા મહિલાને શાકભાજીના ટેમ્પોએ ટક્કર મારતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. જયારે તેમની સાથે વોકિંગમાં રહેલા અન્ય એક મહિલાને ઈજાઓ થતાં સારવાર માટે ગાંધીધામ લઈ જવામાં આવ્યા હતા. આ બનાવના પગલે મુંદરા શહેરમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. 
મુન્દ્રાના બારોઇ રોડ પર આજે સવારે ૬ઃ૩૦ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો., જેમાં ૪૮ વર્ષિય વૈશાલીબેન ભૂપેનભાઈ પીપરાણી અને અરુણાબેન અનિલભાઈ ઠક્કર શિશુ મંદિર તરફ વોકિંગ કરવા જતા હતા ત્યારે શાકભાજી ભરેલા ટેમ્પોએ બંને મહિલાને ટક્કર મારતા વૈશાલીબેન પીપરાણીને ગંભીર ઈજાઓ થતા મૃત્યુ થયું હતું. તેમની સાથે વોકિંગ કરતા અરૂણાબેન અનિલભાઈ ઠક્કરને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર માટે ગાંધીધામ રીફર કરાયા છે. બનાવની જાણ થતાં મુન્દ્રા સીટી પોલીસના ઇન્ચાર્જ કુલદીપસિંહ જાડેજા સહિતના પોલીસ કર્મચારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા અને ટેમ્પા ચાલકને પકડવા ચક્રો ગતીમાન કરાયા 
છે. હતભાગી વૈશાલીબેન પીપરાણી મુન્દ્રા લોહાણા મહિલા મંડળના પ્રમુખ તરીકે સેવારત હતા. આ બનાવમાં ઈજાગ્રસ્ત અરૂણાબેનના પતિના મોતને હજુ મહિનો પણ થયો નથી. હાલ તેઓ સારવાર તળે હોસ્પિટલમાં દાખલ છે. બનાવને પગલે પરિવારજનો સાથે મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખ કિશોર ચોથાણી,મહામંત્રી અમુલ ચોથાણી, હરેશ ઠક્કર, દયારામ ચોથાણી, ચેતન ચોથાણી, રાજુ ચોથાણી, જયેશ ઠક્કર સહિત મહાજનના આગેવાનો અને મુન્દ્રા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રણવ જોશી, ધર્મેન્દ્ર જેસર સહિત હોસ્પીટલમા પહોંચ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંદરા તાલુકામાં અકસ્માતનો ગ્રાફ વધી રહ્યો છે. રાશાપીર સર્કલ, ઝીરો પોઈન્ટ, પ્રાગપર રોડ, શક્તિનગર, શહીદ માણશી સર્કલ સહિતના માર્ગો લોહીથી ખરડાયેલા છે. અહીં અવાર નવાર નાના મોટા અકસ્માતો થાય છે. છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી. આજે સવારે ટોલ ટેક્સ બચાવવાની લ્હાયમાં ટેમ્પો ચાલક અંજારથી વડાલા થઈ લુણીથી મુંદરા આવતા સ્વામિનારાયણ મંદિર પાસે મહિલાને ટક્કર મારતા બનાવ બન્યો હોવાનું લોકોએ જણાવ્યું હતું.



 

Comments

COMMENT / REPLY FROM