આડેસરમાં કરૂણાંતિકાઃ માતા-પુત્રી સહિત ૩ના મોત
પાંચ વર્ષની દિકરી ટાંકામાં પડી જતાં ૩ મહિનાની દિકરીને હાથમાં લઈ માતા બચાવવા જતા ત્રણેય જણા ડૂબી ગયા : આકસ્મિક બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ
ભુજ- કચ્છઉદય : પાંચ વર્ષિય માસુમ બાળકીનો જીવ બચાવવાના પ્રયાસમાં સર્જાયેલી કરૂણાંતિકાએ સમગ્ર કચ્છમાં ગમગીની ફેલાઈવી છે. માસુમ બાળકીને ટાંકામાં ડૂબી જતી બચાવવા માટે ક્ષણભરનો વિલંબ કર્યા વગર જ પોતાના હાથમાં રહેલી ત્રણ માસની માસુમ પુત્રીને સાથે લઈ ટાંકામાં છલાંગ લગાવી દીધી હતી. વિધિની વક્રતા એ છે કે, પાંચ વર્ષની માસુમ બાળકીને બચાવવાના પ્રયાસમાં બે પુત્રીઓ સહિત માતાએ જ પોતાના જીવ ગુમાવી દીધા હતા.
રાપર તાલુકાના આડેસર ગામે મકવાણા વાસમાં અરેરાટી જગાવતો બનાવ બન્યો હતો. પાંચ વર્ષની દિકરી ટાંકામાં પડી જતાં તેને બચાવવા માટે ત્રણ મહિનાની દિકરીને હાથમાં લઈ માતાએ હાથ લાંબો કરતા તેનું પણ મોત થયું હતું. એક સાથે ત્રણ મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
આ અંગે આડેસર પોલીસમાંથી મળતી વિગતો મુજબ મકવાણા વાસમાં આ બનાવ બન્યો હતો. પાંચ વર્ષિય આર્વી રવાભાઈ મકવાણા (આહિર) પોતાના ઘરે સવારે ૬થી ૬ઃ૩૦ના અરસામાં પાણીના ટાંકામાં પડી જતા બુમાબુમ કરી હતી. ત્રણ મહિનાની આયુષીને લઈને તેની માતા ર૮ વર્ષિય રૈયાબેન રવાભાઈ મકવાણા દિકરીને બચાવવા માટે ગયા હતા. જો કે, આર્વીને બચાવવા જતા રૈયાબેન ૩ મહિનાની આયુષી સાથે ટાંકામાં પડી ગયા હતા. જેમાં ડૂબી જવાના કારણે તેઓનું મોત થયું હતું. ત્રણેય બહાર કાઢી પલાસવા સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા. એક સાથે ત્રણ મોતના બનાવથી અરેરાટી ફેલાઈ જવા પામી હતી. આડેસર પીઆઈ જે.એમ. વાળાએ આગળની તપાસ હાથ ધરી છે.
આ કરૂણ ઘટનાના કારણે વાગડ પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી આડેસર અને આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પાંચ વર્ષની દિકરીને બચાવવા ત્રણ મહિનાની બાળકી સાથે મરણીયા પ્રયાસો કર્યા હતા પરંતુ કુદરતને કંઈક ઓર જ મંજુર હોય તેમ એક પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. આ બનાવના પગલે પરિવાર અને સ્નેહીજનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.

Comments