બન્ની - પચ્છમ સહિત ખાવડા પંથકમાં વધતા શંકાસ્પદ ડેન્ગ્યૂના કેસો : આરોગ્ય તંત્ર એકશન મોડમાં
બન્ની-પચ્છમ, આરઈ પાર્ક અને પાવરપટ્ટી પંથકમાં તાવની બિમારીએ મચાવ્યો છે હાહાકાર : ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાયા : ઠંડીની પકડ મજબુત થશે ત્યાર બાદ વાયરલ તાવના કિસ્સા ઘટશે
કમોસમી વરસાદ બાદ પાણી અને મચ્છરજન્ય રોગનું વધ્યું પ્રમાણ : જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સર્વે અને સ્ક્રીનીંગ વધારાયું : ડો મિતેશ ભંડેરી (જિ. આરોગ્ય અધિકારી)
ભુજ - કચ્છ ઉદય : કચ્છ જિલ્લામાં ઓક્ટોબર માસના અંત ભાગે ડિપ્રેશનની અસર તળે થયેલ કમોસમી વરસાદથી ખેતી ક્ષેત્રને નુકશાન થયું છે. સાથે જ જન આરોગ્યને પણ માઠી અસર પહોંચી છે. દિવાળી બાદ કચ્છના સરહદી ખાવડા અને રણ વિસ્તાર તથા પાવરપટ્ટીના ગામોમાં ડેન્ગ્યૂ સહિત તાવની બિમારીએ ભારે હાહાકાર મચાવ્યો છે. કચ્છ સરહદે આરઈ પાર્ક, બન્ની-પચ્છમના ગ્રામિણ અને વાંઢ વિસ્તારમાં વાયરલ બિમારીના દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. આરઈ પાર્કમાં અનેક શ્રમીકો તાવની બિમારીમાં પટકાયા છે. તો બન્ની-પચ્છમના મોટા દિનારા-લોદ્રાણી વગેરે ગામો અને વાંઢ વિસ્તારમાં ઘેરઘેર માંદગીના ખાટલા મંડાયા છે. કમોસમી વરસાદ બાદ બિમારીઓનું પ્રમાણ વધતા જિલ્લા આરોગ્ય તંત્રએ પણ સતર્કતા વધારી છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, દિવાળી બાદ થયેલ બન્ની - પચ્છમ સહિત
વાતાવરણીય બદલાવ અને કમોસમી વરસાદના કારણે મચ્છરોની ઉત્પતિમાં વધારો થયો છે. સાથે જ માફકસર ઠંડી ન હોતા મિશ્ર ઋતુના કારણે શંકાસ્પદ ડેન્ગ્યૂ અને તાવના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જો કે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આરોગ્ય તંત્રની ટીમ દ્વારા સર્વે, સ્ક્રીનીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ખાવડા પંથકમાં પાણીની શોર્ટેજના કારણે સ્થાનિક લોકો પાણીનો સંગ્રહ કરતા હોય છે. સંગ્રહીત ખુલ્લા પાણીમાં મચ્છરોની ઉત્પતિ થતી હોય છે. ત્યારબાદ આ પાણીનો વપરાશમાં લેતા પહેલા શુદ્ધીકરણ જરૂરી હોય છે પરંતુ કેટલાક લોકો અશુદ્ધ પાણીનો વપરાશ કરતા હોવાથી પાણીજન્ય બિમારીનો ભોગ બનતા હોય છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દવા છંટકાવ સહિતની કામગીરી ચાલી રહી છે. લોકોને રોગથી બચવા જરૂરી માર્ગદર્શન પણ આરોગ્ય કર્મચારીઓ પૂરું પાડી રહ્યા છે. ખાવડા અને દિનારાના આરોગ્ય કેન્દ્ર અને દવાખાનામાં દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. આઈ પાર્કથી ખાવડા અને પાવર પટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય તંત્રની ટીમો સઘન કાર્યવાહી કરી રહી છે. સાથે જ જિલ્લા કચેરીએથી પણ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ દ્વારા વિવિધ વિસ્તારોની જાત મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી છે.
શ્રી ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ બાદ બિમારીઓ વધવાની આશંકા હોઈ દિવાળી પૂર્વે અને તહેવારો દરમિયાન પણ સતર્કતા દાખવવામાં આવી હતી. હાલે આરોગ્ય વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું છે. આવનાર દિવસોમાં માફકસર ઠંડી શરૂ થતા બીમરીઓ પર અંકુશ આવશે તેવું વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, દિવાળી બાદ સરહદી વિસ્તારોમાં ડેન્ગ્યૂ અને તાવના સંખ્યાબધ કેસો સામે આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ખાવડા પંથક અને ભુજના સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. કચ્છના નિષ્ણાંત તબીબોએ પાણી અને મચ્છરજન્ય બિમારીઓથી બચવા શુદ્ધ પાણી પીવા અને રસોઈમાં ઉપયોગ કરવા, મચ્છરોની ઉત્પતિ અટકાવવાના ઉપાયો કરવા સહિતના ઉપાયો સૂચવ્યા હતા.

Comments