કચ્છમાં રવિ સીઝનના પ્રારંભે જ યુરિયાની મોકાણ : ખાતરની અછતથી ખેડૂતો ખફા
માવઠાંની મારથી બેહાલ ધરતીપુત્રોની વધી મુસીબત...
રવીપાકની સીઝનમાં ખરા ટાંકણે જ યુરીયા, ડીએપી ખાતર ન મળતા ધરતીપુત્રો રઝળપાટ કરવા મજબુર : ખાતરની અછતથી ઉભા શિયાળુ પાકને પહોચી રહ્યું છે નુકશાન : સરકાર અને જનપ્રતિનિધિઓને વખતો વખત કિસાનોએ કરેલી રજુઆત રહી બેઅસર : ઓપન માર્કેટમાં ઉંચા દામે યુરિયાની રેલમછેલ પણ ખેડૂતોને ફાંફા
ભુજ-કચ્છઉદય : કચ્છ જિલ્લાની મહત્તમ આજીવીકા ખેતી પર નિર્ભર હોય તેમ કહેવાય તો ખોટું નથી. હાલ શિયાળા અને વાવણીની શરૂઆત થતાં પાયાના જરૂરિયાત ખાતરોની અછત સર્જાઈ રહી છે. ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલી મુકાઈ રહ્યાં છે. યુરીયા અને ડીએપી જેવા ખાતરનો જથ્થો મંડળીમાં જરૂરીયાત પુરતો નહી આવવાથી ખેડૂતો ખાલી હાથે પરત ફરી રહ્યાં છે. ખાતરની અછતને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં સહકારી ક્ષેત્રનું માળખું ખુબ જ મજબૂત છે. જેના કારણે ખેડૂતો ખાતર, દવા, બિયારણ સહિતની વસ્તુ સરળતાથી મળી રહે છે. હાલમાં ખેડૂતોને શિયાળુ પાક જેવા કે, ઘઉં, રાયડો, જીરૂ સહિતના પાકોમાં ખાતરની વધુ જરૂર છે, ત્યારે ખાતરનો પુરવઠો મંડળીમાં ન આવતાં ખેડૂતો ખાલી હાથે પરત ફરી રહ્યાં છે. પાકને જરૂરિયાત સમયે ખાતર ન મળતાં જેની અસર પાક પર થવાની શક્યતા છે. સમયસર ખાતર ન મળવાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાના વચનો આપી રહી છે ત્યારે ખાતરની અછતને કારણે ખેત પેદાશનું ઉત્પાદન ઓછું થવાથી ખેડૂતેનો આર્થિક ખોટ સહન કરવાનો વારો આવે તેમ છે.આ બાબતે ખેતીક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણી ધરતીપુત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં રવિ પાકની વાવણીની સિઝન શરૂ થતાં જ પાયાના ખાતર તરીકે ઓળખાતા યુરીયા, ડીએપીેની અછત ઉભી થતાં ખેડૂતોની રઝળપાટ વધી ગઈ છે. કેટલાક વિસ્તારોમાં તો પાંચ થેલીની માગણી સામે માંડ માંડ ખેડૂતોને માત્ર એકથી બે થેલી ખાતર મળતું હોવાની બૂમ ઉઠી છે. જિલ્લામાં ખાતરની માગની તુલનાએ પુરવઠો ઓછો આવી રહ્યો હોઈ આ સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ સાલે કચ્છમાં સચરાચર વરસાદના પગલે જળાશયો અને ડેમોમાં વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહાયેલો હોઈ શિયાળુ પાકને વિપુલ પ્રમાણમાં સિંચાઈ સુવિધા મળી રહી હોઈ સારા પ્રમાણમાં વાવણી થાય તેમ છે. પરંતુ પાકની વૃદ્ધિ અને પોષણ માટે જરૂરી એવા યુરીયા અને ડીએપી ખાતરની ખરા ટાંકણે અછત ઉપરાંત હજુપણ મિશ્રઋતુનો અનુભવ થઈ રહ્યો હોઈ યોગ્ય ઠંડીના અભાવે શિયાળુ પાકને બેવડો માર પડી રહ્યો છે.

Comments