Trending News
સ્થાનિક સમાચાર

સાયબર ક્રાઈમની તપાસના તાર કચ્છ સુધી લંબાશે..? સાયબર અપરાધીઓને બેંક ખાતા ભાડે આપનાર સામે તવાઈ 

09 November


ગુજરાત સાયબર ક્રાઈમ પોલીસે ર૦૦ કરોડના કથિત કૌભાંડનો કર્યો ખુલાસો : સાયબર ઠગબાજોને માત્ર રપ હજારની મામૂલી રકમે બેંક ખાતા ભાડે આપનાર સામે સપાટો 

અમુક લોકોએ માત્ર રૂા.૬પ૦ માટે ૧ લાખની લેવડદેવડ માટે આપ્યા હતા બેંક ખાતાના પાસવર્ડ : ડિજિટલ એરેસ્ટ, જોબ ઓફર વગેરે સાયબર અપરાધો વખતે અપરધીઓ મ્યૂલ ખાતાઓના કરતા હોય છે ઉપયોગ 

’
સીબીઆઈ તપાસમાં કેટલાક બેંક એકાઉન્ટ ખોલતી વખતે કેવાયસીના નિયમોને નજર અંદાજ કરાયાનો ખુલાસો : કેટલાક બેંક પ્રબંધક, કર્મચારીઓ, એજન્ટો, એગ્રીગેટર્સ અને ઈ-મિત્રોની ભૂંડી ભૂમિકાની આશંકા


પૂર્વ કચ્છ પોલીસ પણ કેમ ન કરે તપાસ ? : ગાંધીધામ-આદિપુરમાં પણ ભાડુઆતી બેંક ખાતાઓને મામલેની ફરિયાદો ચર્ચામાં છે, આ તપાસ કેમ આગળ નથી ધપાવાતી ? 


ભુજ - કચ્છ ઉદય : ભાડું એ કોઈપણ વ્યક્તિ માટે પેસિવ ઈન્કમનો સ્ત્રોત હોય છે. મકાન, દુકાન, ગાડી, બંગલા કે ખેતર ભાડે આપવાની વાત તો સામાન્ય છે પણ તાજેતરમાં ગુજરાતમાં બેન્ક ખાતા ભાડે આપવાનો મામલો ઉજાગર થયો છે. ગુજરાત પોલીસે કથિત પણે સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા આશરે ૧૦૦થી વધુ ખાતાઓ શોધી કાઢતા કચ્છ-ગુજરાતમાં રહી પોતાના બેંક ખાતા માત્ર રપ હજાર જેટલી મામૂલી રકમ માટે ભાડે આપતા તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.  પોલીસે ઝડપી પાડેલા ખાતાઓ વિભિન્ન વિસ્તારોની બેંકમાંથી મળી આવ્યા હતા. મોટા ભાગના ખાતાઓના ગુનો આચારનાર ગુનેગારોના સગા-સંબંધી કે મિત્રવર્તુળના હતા. આ મામલે પોલીસની તપાસ હાજુ ચાલી રહી છે અને હજુ આવા બીજા અનેક ખાતાઓ સામે આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. થોડા સમય અગાઉ ભુજ અને ગાંધીધામમાં પણ એલસીબી દ્વારા આવા કારસ્તાનનો પર્દાફાશ કરાયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત સાયબર ક્રાઈમ સેલની કાર્યવાહી પછી ર૦૦ કરોડનું કથિત કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં આરોપીઓ લોકો સાથે છેતરપીંડી કરી તેમને ડિજિટલ એરેસ્ટ કરી, જોબ ઓફર, ફિશિંગ સ્કેમ મારફતે પૈસા પડાવતા હતા. બેંક ખાતા ભાડે આપનાર જે તે બેંક ખાતાનું લોગિન આઈડી અને પાસવર્ડ જેની પાસે હોય તેવી વ્યક્તિ દ્વારા તે ખાતામાં નાણાની લેવડલેવડની પરવાનગી આપે છે. જેનાથી આરોપીઓ સાયબર ફ્રોડથી પડાવેલી રકમ મેળવતા હોય છે. આવા બેન્ક ખાતા ભાડે આપનાર લોકોને સાયબર ક્રાઈમની ભાષામાં મની મ્યુલ કહેવામાં આવે છે અને આવા ખાતાઓ મ્યુલ ખાતા કહેવાય છે. 
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ઘણા લોકો પોતાના બેન્ક ખાતા રપ હજાર રૂપિયા માસિક પેકેજ અથવા ૧ લાખ રૂપિયાની લેવડદેવડ માટે રૂા.૬પ૦ રૂપિયામાં ભાડે આપતા હતા. આ ખાતામાં કથિતપણે સાયબર ઠગાઈથી મેળવેલી રકમ જમા થતી હતી અને તે પછી દુબઈ સુધી પહોંચતી હતી. મ્યુલ ખાતામાં જમા થયેલ રકમ ખાતામાંથી ઉપાડી સુરત મોકલવામાં આવતી હતી ત્યાં એ રકમને ક્રિપ્ટો કરન્સીમાં બદલવામાં આવતી હતી જે દુબઈ સ્થિત કોઈ વ્યક્તિને પહોંચાડવામાં 
આવતી હતી. 


.....................


ક્રિકેટ સટ્ટામાં પણ મ્યુલ ખાતાઓનો ઉપયોગ 

આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર દેશભરમાં વ્યાપ્ત ક્રિકેટ સટ્ટાઓમાં નાણાની લેવડદેવડ માટે આવા મ્યુલ ખાતાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. મ્યુલ ખાતાઓમાંથી રકમને કાઢી ક્રિપ્ટો કરન્સી મારફતે દુબઈ કે અન્ય દેશોમાં હેરફેર કરવામાં આવતી હોય છે. હવાલાઓમાં પણ મ્યુલ ખાતાઓનો ઉપયોગ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

...............

આ વર્ષે ૮.પ લાખ મ્યુલ ખાતાઓ શોધી કાઢવામાં આવ્યા 

આ વર્ષની શરૂઆતમાં સીબીઆઈના ઓપરેશન ચક્ર-વી હેઠળ રાષ્ટ્રીયસ્તરે થયેલ કામગીરીમાં ૮.પ લાખ જેટલા મ્યુલ ખાતા મળી આવ્યા હતા. ડિજિટલ એરેસ્ટ, નકલી જાહેરાત, યુપીઆઈ આધારિત ઠગાઈના ગુનાઓને ધ્યાને લઈ ઓપરેશન હાથ ધરવાામાં આવ્યું હતું. કેટલાક સ્થળોએ આવા ખાતાઓ ખોલવામાં કેવાયસીના નિયમોનું ઉલ્લંઘન કરાયું હતું. બેંક મેનેજરોએ પણ તે અંગે ધ્યાન આપ્યું ન હતું. કેટલાક બેંક કર્મચારીઓ, એજન્ટો, એગ્રિગેટર્સ અને ઈ-મિત્રો આ કામગીરીમાં સંડોવાયેલા હતા. જેમણે કમિશન માટે મ્યુલ એકાઉન્ટ ખોલવામાં સહાય કરી હતી. 

 

Comments

COMMENT / REPLY FROM