પડાણામાં લોખંડના ભંગારનો સોદો કરવાના નામે વેપારી સાથે લાખોની ઠગાઈ
ચાર શખ્સો સામે ગાંધીધામ બી-ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ
ગાંધીધામ - કચ્છ ઉદય : તાલુકાના પડાણા ગામે લોખંડના ભંગારનો સોદો કરવાના નામે વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી હતી. આ મામલે ફરિયાદ કરવામાં આવી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ અમદાવાદના ભૌમિક ધનજીભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, આરોપીઓએ ૧૮,૬૦૦ કિલો લોખંડના ભંગારનો વેચાણ માટેનો સોદો કર્યો હતો. આરોપી પિયૂષ ઉર્ફે કમલે લોખંડનો ભંગાર ખરીદવા માટે શ્રીરામ મિનરલ એન્ડ કેમિકલ નામની કંપનીનું જીએસટીવાળુ ટેક્સ ઈનવોઈસ તથા ઈવીેબીલ મોકલાવી બંધન બેંકના ખાતામાં પ,૯૮,૭૩૪ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે, લોખંડનો ભંગાર ભરેલી ગાડી કે રૂપિયા ન આપી વાયદા આપ્યા હતા. આરોપી શ્રીરામ મિનરલ વતી જગદીશ કુર્મીએ ર.૩૮ લાખ પરત કર્યા. જેમાંથી ૧ લાખ રૂપિયા સાયબર ક્રાઈમ સેલ પંજાબ દ્વારા ફ્રીજ કરવામાં આવ્યા છે. આરોપી જયદીપસિંહ જાડેજાએ રૂપિયા આપવા માટે વાયદા કર્યા પરંતુ રૂપિયા મળ્યા નથી. ફરિયાદીના બાકી નીકળતા ૩,૬૦,૭૩૪ રૂપિયા પરત મળ્યા ન હોવાથી પિયૂષ, પિયૂષનો એજન્ટ ધર્મેન્દ્રસિંહ જાડેજા, શ્રીરામ કંપની વતી જગદીશ કુર્મી અને જયદીપસિંહ જાડેજા સામે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments