પશુઓની યોગ્ય માવજત માલધારીઓનું ભાગ્ય બદલી શકે : ત્રિકમ છાંગા
બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન આયોજિત બે દિવસીય ૧૭મા પશુ મેળાનો પ્રારંભ : પશુ વેચાણ અને બન્નીની સંસ્કૃતિની ઝાંખી કરાવતા પ્રદર્શનોએ જમાવ્યું આકર્ષણ : પશુઓ માટે વિવિધ હરિફાઈઓ ઉપરાંત માણસદોડ અને બખ્ખ મલાખડો જેવી સ્પર્ધાઓ યોજશે : આજે રાત્રે સિંધી સાંસ્કૃતિક કાર્યક્રમની જામશે રમઝટ
ભુજ - કચ્છઉદય : ર૦ લાખ જેટલું પશુધન ધરાવતા કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારના મોટા ભાગના લોકો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. બન્ની વિસ્તારના પશુપાલકોના લાભાર્થે વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી પશુ મેળાની શરૂઆત કરાવી હતી. છેલ્લા ૧૭ વર્ષથી બન્નીના હેડકો ખાતે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા બન્ની પશુમેળાનું આયોજન કરવામાં આવે છે. આજે સવારે હોડકો ખાતે ૧૭મા બે દિવસીય પશુમેળાનો રાજયમંત્રી ત્રિકમભાઈ છાંગા અને ઉપસ્થીત મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરાયો હતો.
પશુમેળા - ર૦રપને ખૂલ્લો મૂક્યા બાદ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં ત્રીકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, પશુઓના સારા આરોગ્ય અને સારા ઉછેર માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે સાથે બન્ની શુ ઉછેરક માલધારી સંગઠન જેવી સંસ્થાઓ કચ્છના સરહદી વિસ્તારમાં પશુપાલન વ્યવસાયના વિકાસ માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ અહીંના માલધારી સમુદાયને મળે તે દિશામાં નોંધપાત્ર કામગીરી કરે છે. આ પ્રસંગે ઉપસ્થિત કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છ જિલ્લામાં પશુઓની સંખ્યા માનવ વસ્તી કરતા વધુ છે. બન્ની વિસ્તારનું પશુધન લાખેણું પશુધન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન થકી આ વિસ્તારના માલધારીઓના જીવનધોરણમાં સુધાર થયો છે. માલધારીઓની અપેક્ષા મુજબ બન્નીની ભેંસને માન્યતા પ્રાપ્ત થઈ છે. બન્નીનીભેંસને રાષ્ટ્રીય માન્યતા મળ્યા બાદ ભેંસની કિંમત વધી છે. આજે બન્ની ભેેંસ ૧ લાખથી માંડી ૧૦ લાખ સુધી વેચાય છે તેવી લાગણી વ્યકત કરી હતી.
બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન એ બન્નીના પશુપાલકોનું સંગઠન છે, જે દર વર્ષે બન્નીમાં પશુમેળાનું આયોજન કરે છે. આ વર્ષે પણ બે દિવસીય પશુમેળાનો આજથી પ્રારંભ થયો છે. આ મેળામાં પશુઓના પ્રદર્શન સાથે વેચાણ અને બન્નીની સંસ્કૃતિ તેમજ જૈવ વિવિધતાનું આદાન - પ્રદાન કરવામાં આવે છે. માલધારીઓની આજીવિકા ટકાવવા, ઘાસિયા ભૂમિના સંરક્ષણ વિષય આધારીત માલધારી યુવાનો દ્વારા પ્રદર્શન મુખ્ય આકર્ષણ બન્યા હતા. ૧૭મા પશુમેળાના પ્રારંભ પૂર્વે ખરીદ વેચાણ માટે પશુઓની નોંધણી કરવામાં આવી હતી. ત્યારબાદ પશુમેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પશુ વેચાણ અને બન્નીની ઝાંખીના સ્ટોલની મુલાકાત લીધી હતી.
આજે બપોરે ઘોડા અને માણસ દોડ હરિફાઈ, દૂધ દોહન હરિફાઈ બાદ મોડી રાત સુધી સિંધી સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ જામશે. આવતીકાલે દૂધ દોહન હરિફાઈ, પશુઓની તંદુરસ્તી હરિફાઈ અને બખ મલાખડો
સ્પર્ધા યોજાશે. ત્યારબાદ વિજેતાઓને પુરસ્કાર આપ્યા બાદ મેળાનું સમાપન થશે.
બન્ની પશુમેળામાં આવેલા સ્થાનિક માલધારીઓએ જણાવ્યું હતું કે, બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા થતા પશુમેળાના આયોજન થકી સ્થાનિક પશુમાલિકોને ખૂબ લાભ થયો છે. બન્નીની ભેંસની ખાસિયત અંગે વાત કરતા જણાવ્યું હતું કે, આ ભેંસની દૂધ ઉત્પાદન ક્ષમતા સારી હોવાથી ૧પ લીટર જેટલું દૂધ આપે છે સાથે જ બન્નીની નસલની ભસોની તંદુરસ્તી સારી હોય છે. જિલ્લા બહારથી આવેલા માલધારીઓએ જણાવ્યું હતું કે, બન્ની પશુમેળામાં સારા ભાવે કાંકરેજ ગાય કે બન્ની ભેંસની સારી નસલ મળશે તો ખરીદી કરવામાં આવશે.
બન્ની પશુમેળાના પ્રારંભ પ્રસંગે ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નીલકંઠ સોલ્ટના અરજણભાઈ રાધાભાઈ કાનગડ, માહી ડેરીના ડો. શાંતિલાલ ટાંક, જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. આર.ડી. પટેલ, ધોરડો સરપંચ મીંયાહુશેન મુતવા, જિ.પં. સદસ્ય રસીદ આદમ સમા, ફકીરમામદ રાયશીપોત્રા, તા.પં. સદસ્ય જત અબ્દુલ્લા બુઢા, રમજાન જુડિયા હાલેપોત્રા, જુમા મીઠન થેબા, અમીર ફૈઝલ, મામદ રહીમ જત, હયાત નોડે, લાખાભાઈ રબારી, દેવાભાઈ મારવાડા, અમીન કરીમખાન, નુરીયા જત, મુસ્તાકભાઈ, સલીમભાઈ, સાલેમામદ, મુબારક ખેરૂ, મામદ મુકીમ, અમીરઅલી, સોયેબભાઈ, કાના સુમાર, બીજલ મંગુ, લાલમામદ જાફરભાઈ, મામદ ઈલિયાસ, કરમણભાઈ ઉપરાંત બન્ની વિસ્તારના ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો અને માલધારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Comments