Trending News
સ્થાનિક સમાચાર

ખાવડા પંથકમાં ‘ભેદી’ તાવની બિમારીએ મચાવ્યો હાહાકાર 

07 November



મોટા - નાના દિનારા નજીક, ધ્રોબાણા સહિતના ગામોમાં ઘેરઘેર માંદગીના ખાટલા મંડાયા : ડેન્ગ્યુ જેલા રોગના લક્ષણો ધરાવતા દર્દીઓનો ગ્રાફ ઉચકાયો : ભુજની ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં દર્દીઓનો ધસારો : નિદાન - સારવાર અને દવા - લેબોરેટરીના મોટા ખર્ચનું ગરીબ માલધારી પરિવારો પર વધ્યું ભારણ : પરિસ્થિતિ ગંભીર બને તે પૂર્વે આરોગ્ય તંત્ર તકેદારી કેળવે : જાગૃત નાગરિકોએ વ્યક્ત કર્યો મત : લખપત તાલુકાની જેમ બન્ની પચ્છમમાં ભેદી તાવની સેવાઈ ચિંતા


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં શિયાળાની પક્કડ હજુ મજબૂત બની નથી. દિવાળી બાદ કમોસમી વરસાદ અને ધાબડિયો માહોલ છવાયો હતો, ત્યારે હાલે કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી રાત્રે ઠંડક તો દિવસ દરમ્યાન ગરમી એમ બફારાના કારણે બેવડી ઋતુની અનુભૂતિ થઈ રહી છે. મિશ્ર ઋતુના કારણે પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારોમાં તાવની બિમારીએ માથુ ઉંચકયું છે. ખાવડા સમીપેના ધ્રોબાણા અને દિનારા નજીકના ગામો સહિતના ગામોમાં તાવની બિમારીએ હાહાકાર મચાવ્યો છે. ઘેરઘેર માંદગીના ખાટલા મંડાયા છે. ડેંગ્યુ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે, ત્યારે સ્થાનિક માલધારી સમુદાય પશુઓની માવજત છોડી પરિવારજનોની સારવારમાં દોડાદોડી કરી રહ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સરહદી ખાવડા વિસ્તારના ગામો અને વાંઢોમાં ખાવડા પંથકમાં ‘ભેદી’તાવની બિમારીએ માજા મુકી છે. ભુજ તાલુકાના મોટા - નાના દિનારા, ધ્રોબાણા વગેરે ગામોમાં તાવના દર્દીઓનો ગ્રાફ અચાનક જ ઉંચકાયો છે. ધ્રોબાણાના સરપંચ એસ.બી. સમાના જણાવ્યા અનુસાર ભેદી તાવની બિમારીએ ગ્રામજનોને ભરડામાં લીધા છે. ડેન્ગ્યુ જેવા લક્ષણો ધરાવતી બિમારીએ માથુ ઉચકયું છે. એક ઘરમાં તાવના બે કે, તેથી વધુ દર્દીઓ જોવા મળી રહ્યા છે. સ્થાનિક આરોગ્ય સુવિધાઓનો અભાવ હોવાથી દર્દીઓને નાછૂટકે સારવાર માટે ભુજ ખસેડવા પડે છે. હોસ્પિટલમાં નિદાન - સારવાર, લેબોરેટરીના મોટા ખર્ચનું ભારણ ગરીબ પશુપાલકો પર વધ્યું છે. હોસ્પિટલમાં એકાદ અઠવાડિયાની સારવાર, દવા, લેબોરેટરીના મોટા ખર્ચથી ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસુ પૂર્ણ થયા બાદ દિવાળી આસપાસના દિવસોમાં થયેલા કમોસમી વરસાદના પગલે સમગ્ર કચ્છમાં વાયરલ બિમારીઓનું પ્રમાણ વધ્યું છે. ગત વર્ષોમાં પણ ચોમાસા બાદ લખપત તાલુકાના ગામોમાં ભેદી તાવની બિમારીએ ભારે હાહાકાર મચાવ્યો હતો. જે તે સમયે તાવથી લોકોના મોત થતા રાજ્યનું આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો હતો. હાલે ખાવડા પંથકમાં તાવની વધતી બિમારીના પગલે જિલ્લા આરોગ્ય તંત્ર સતર્ક બની જરૂરી તકેદારી કેળવે તે ઈચ્છનીય છે. ગંભીર રોગચાળો ફાટી નિકળે તે પહેલા આરોગ્ય તંત્ર દ્વારા સર્વે સહિતના પગલાં લેવાય તેવી માંગણી સ્થાનિકેથી ઉઠી 
રહી છે.

 

Comments

COMMENT / REPLY FROM