Trending News
સ્થાનિક સમાચાર

બિદડામાં ગેરકાયદે ગેસ રિફિલિંગની  પ્રવૃત્તિ પકડાઈ : ૩૧૧ બાટલા કબજે કરાયા 

06 November




એલસીબીએ દરોડો પાડી ૧ર લાખનો મુદ્દામાલ કર્યો કબજે : કોડાય પોલીસમાં ગુનો દાખલ કરાયો 


ભુજ - કચ્છ ઉદય : માંડવી તાલુકાના બિદડા ગામે એલસીબીએ દરોડો પાડીને ગેરકાયદે ગેસના બાટલા ભરી આપવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કરી ૩૧૧ બાટલા કબજે કર્યા હતા. 
આ બાબતે મળતી વિગતો મુજબ એલસીબીના પીઆઈ એચ.આર.જેઠી અને પીએસઆઈ જે.બી.જાદવ દ્વારા જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી કે, માંડવી તાલુકાના બિદડા ગામે મફતનગરમાં રહેતા જયેશ ખીમજી રાજગોર પોતાના કબજાના મકાનમાં ગેરકાયદે રીતે રાધણગેસ અને કોમર્શીયલ ગેસના બાટલા રાખે છે અને અને તેનું રિફિલિંગ કરે છે. જેથી તપાસ કરતા મકાનમાં છોટાહાથી હતો. જેમાં ગેસના બાટલા ભરેલા હતા. આ ઉપરાંત મકાનના બન્ને રૂમમાં રાધણ ગેસની બોટલો રાખવામાં આવી હતી. બીજા રૂમમાં વજન કરવાનો કાંટો, ગેસ રિફિલિંગના સાધનો હતા. પોતાની અને બીજાની જિંદગી જોખમાય તે રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. કોઈ પણ પ્રકારની પાસ-પરમીટ કે પુરવઠા અધિકારી પાસે મંજૂરી લેવામાં આવી ન હતી. જેથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બે અલગ અલગ કાર્યવાહીમાં એક જ આરોપીના ગેસના બાટલા પકડાયા હતા. જેમાં ૧૯ કિલોની ક્ષમતાવાળા ભરેલા પ૩ બાટલા, ૧૪ કિલોની ક્ષમતાવાળા ભરેલા ૪૭ બાટલા, પાંચ કિલોની ક્ષમતાવાળા ૬૩ બાટલા, બે કિલોની ક્ષમતાવાળા પાંચ બાટલા, ૧૪૩ ખાલી બાટલા તથા ચાર નોઝલ અને મોટર, ત્રણ ઈલેકટ્રીક વજનકાંટા, બોલેરો, છોટા હાથી વગેરે મળી કુલ ૧૧,૮૯,પ૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બિદડાના જયેશ ખીમજી રાજગોરની અટકાયત કરી કોડાય પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 


............

કોમર્શીયલ ગેસના બાટલામાંથી નાની બોટલોમાં રિફિલિંગ કરાતું 

આરોપીની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું કે, તે ૧૯ કિલોની ક્ષમતાવાળી કોમર્શીયલ ગેસની બોટલોમાંથી ગેસ રિફિલિંગ કરી ૧૪ કિલો અને પાંચ કિલોની બોટલો ભરી ગ્રાહકોને છુટકમાં વેચાણ કરવામાં આવતું હતું. કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલુ હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. 

Comments

COMMENT / REPLY FROM