Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં વિધાનસભા વિસ્તારવાઈઝ ૯થી ૧૬ નવેમ્બર સુધી ‘એકતા યાત્રા’ યોજાશે

05 November


કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં એકતા પદયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ : નાગરિકો, સહકારી સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ અને એનસીસી, એનએસએસ, કોલેજના વિદ્યાર્થીઓ એકતા યાત્રામાં સહભાગી બનશે

ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતીના અવસર પર આયોજિત એક રાષ્ટ્રવ્યાપી જન અભિયાન અંતર્ગત "યુનિટી માર્ચ" એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાની તૈયારીઓ અને આયોજનના ભાગરૂપે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ભુજ ખાતે બેઠક યોજાઈ હતી.  કચ્છ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ ઉજવણી સંદર્ભે એક રથનું આગમન થશે. આ સાથે જ કચ્છમાં વિધાનસભા વિસ્તારવાઈઝ એકતા યાત્રા સ્થાનિક મહાનુભાવો, પદાધિકારીઓ, રમતવીરો, સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, એનસીસી, એનએસએસ કોલેજના સંયુક્ત સહકારથી યોજાશે. 
કચ્છ જિલ્લામાં તા. ૦૯ નવેમ્બરના રોજ અબડાસા, ૧૦ નવેમ્બરના રોજ રાપર, ૧૩ નવેમ્બરના રોજ માંડવી, ૧૪ નવેમ્બરના રોજ અંજાર, ૧૫ નવેમ્બરના રોજ ભુજ તેમજ ૧૬ નવેમ્બરના રોજ ગાંધીધામ ખાતે યોજાશે. આ એકતા યાત્રા દરમિયાન સરદાર સ્મૃતિ માટે વૃક્ષારોપણ, એનએસએસ કેમ્પ, રાષ્ટ્રીય નાયકોની પ્રતિમાઓની સફાઈ અભિયાન, સ્વચ્છતા અભિયાન, એકતા શપથ, આરોગ્ય શિબિર, સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત, યોગ શિબિર, શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. 
પદયાત્રા દરમિયાન સ્થાનિક નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસ, સહકારી મંડળીઓ, વિવિધ રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતો, સામાજિક સંસ્થાઓ, આગેવાનો સ્થાનિક સ્વરાજની સંસ્થાના પદાધિકારીઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપના તમામ નાગરિકો પદયાત્રામાં જોડાશે. કલેક્ટરે પદયાત્રા આયોજન અંગે માહિતી વિસ્તૃતમાં માહિતી આપીને અધિકારીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણ ભાગીદારી સાથે યાત્રા યોજવા અને સરકારની તથા સામાજિક સંસ્થાઓ સક્રિય રીતે ભાગ લેવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો હતો. 
આ બેઠકમાં ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાણી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ, પૂર્વ કચ્છ નાયબ વન સંરક્ષક આયુષ વર્મા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.આર.પ્રજાપતિ સહિત તમામ પ્રાંત અધિકારીઓ, જિલ્લાના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
-----

Comments

COMMENT / REPLY FROM