હવે અંજાર પોલીસે વરસામેડીમાં ૧.૬૧ લાખનો દારૂ પકડ્યો
જોકે આરોપી હાજર ન મળી આવવાની પરંપરા યથાવત રહી
અંજાર - કચ્છ ઉદય : ભચાઉ પોલીસ સ્ટેશનની હદમાં એસએમસીએ રેડ કર્યા બાદ પૂર્વ કચ્છ પોલીસ સફાળી જાગી છે. એલસીબીએ અંજાર પોલીસની હદમાં બુટલેગરના ઘર પાસેથી દોઢ લાખનો દારૂ પકડ્યો. બાદમાં ભચાઉ પોલીસે આ જ બુટેલગરનો છાડવારા પાસે ૩ લાખનો દારૂ પકડ્યો. તેમજ આડેસર પોલીસે ચેક પોસ્ટ પાસે ૧૯ લાખનો શરાબ કબજે કર્યો ત્યારે હવે અંજાર પોલીસે પોતાના વિસ્તારમાં આવતા વરસામેડીમાં દરોડો પાડી ૧.૬૧ લાખનો શરાબ કબજે કર્યો હતો. જોકે, રાબેતા મુજબ આરોપી હાજર મળી
આવ્યો ન હતો.
આ બાબતે મળતી વિગતો મુજબ વરસામેડી સીમમાં આવેલ બાગેશ્રી નગર - ૧ ઓમ નગરમાં રહેતા આરોપી કાનજી ઉર્ફે કાના વેલા બઢિયાએ પોતાના કબજાના મકાનમાં દારૂ છુપાવ્યો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને બિયર મળી કુલ ૧,૬૦,૮૪૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે હાજર મળી આવ્યો ન હતો. અંજાર પોલીસે પ્રોહિબિશનનો કેસ દાખલ કર્યો હતો.

Comments