Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની ધરતીમાંથી મળ્યું હજારો વર્ષ જૂનું મુસાફરખાનું

04 November



નખત્રાણા તાલુકાના કોટડા ભડલી ગામમાં થયેલા પુરાતત્વીય અભ્યાસે કચ્છના ઈતિહાસમાં નવી કડી ઉમેરી : ધોળાવીરાની જેમ આ સ્થળ પણ સિંધુ ખીણ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ હોવાનું બહાર આવ્યું : વેપારીઓ માટે હતો તમામ સુવિધાઓથી સજ્જ કારવાંસરાય (આરામગૃહ) : નવા સંશોધનમાં ખુલ્યું રહસ્ય : ખોદકામનો સંપૂર્ણ રિપોર્ટ ટૂંક સમયમાં થશે જાહેર 

ભુજ - કચ્છઉદય : કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા ભડલી ગામમાં થયેલા પુરાતત્વીય અભ્યાસે કચ્છના ઈતિહાસમાં નવી કડી ઉમેરેલી છે. ધોળાવીરાની જેમ આ સ્થળ પણ સિંધુ ખીણ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ હોવાનું બહાર આવ્યું છે.
વર્ષ ૨૦૦૯થી આ સ્થળે ખોદકામ શરૂ થયું હતું, જે ૨૦૧૩ સુધી ચાલ્યું હતું. કોટડા ભડલી ગામની આર્કિયોલૉજિકલ સાઇટ ખાતે થયેલ ખોદકામ વર્ષો સુધી ચાલ્યું હતું. સમયાંતરે તેને લગતાં અભ્યાસો અને તારણો વિવિધ જર્નલમાં પ્રસિદ્ધ થયાં છે. પુરાતત્વવિદોને અહીંથી મળેલા અવશેષોના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે હજારો વર્ષ પહેલાં આ સ્થળનો ઉપયોગ વેપારીઓ મુસાફરી દરમિયાન આરામ અને વેપાર માટેના “કારવાંસરાય” તરીકે કરતા હતા. તે સમયે અહીં ખોરાક, પાણી, અને વેપાર માટેની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ હતી.
ન્’છહંરર્િર્ર્ઙ્મખ્તૈી (ઈઙ્મજીદૃૈીિ, ૨૦૨૫) જર્નલમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, કચ્છનો આ વિસ્તાર તે સમયના વૈશ્વિક વેપાર માર્ગનો મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યો હશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ શોધ ધોળાવીરાથી લઈ મધ્ય એશિયા સુધીના વેપારના સંબંધોને સમજવામાં મદદરૂપ થશે. પુરાતત્વ વિભાગના નિષ્ણાતોએ જણાવ્યું કે આ પ્રકારનો અભ્યાસ પહેલો છે, અને આથી ભારતીય ઉપખંડની સંસ્કૃતિ કેવી રીતે આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાઈ હતી તેનો નવો દસ્તાવેજ મળે છે. ટૂંક સમયમાં આ ખોદકામનો સંપૂર્ણ રિપોર્ટ બહાર પાડવામાં આવશે. કોટડા ભડલીમાં મળેલા પુરાવાઓ બતાવે છે કે ત્યાં હડપ્પા સમયની કારવાંસરાય જેવી વ્યવસ્થા હતી, જે વેપાર વ્યવસ્થાની સમજ માટે મહત્ત્વપૂર્ણ છે. આ શોધથી કચ્છની ધરતી ફરી એકવાર સાબિત કરે છે કે તે માત્ર સંસ્કૃતિનું નહીં, પરંતુ પ્રાચીન વૈશ્વિક વેપારનું પણ જીવંત કેન્દ્ર રહી છે.



....................


કોટડા-ભડલીની સાઈટની 
અનન્ય ખાસિયત



ભુજ - કચ્છઉદય : કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ગૌરવ ચૌહાણે જણાવ્યુું હતું કે, કચ્છ જિલ્લામાં અનેકવિધ હડપ્પીય સભ્યતાની પુરાતત્વીય સાઈટ્‌સ આવેલી છે, જે પૈકી ધોળાવીરામાં સૌથી વધુ સંશોધન થયું છે. જૂની કુરન, કાનમેર અને ઘડુલી પાસેની સાઈટ્‌સ પણ હડપ્પીય સંસ્કૃતિનો એક ભાગ છે, પરંતુ કોટડા - ભડલીની પુરાતત્વીય સાઈટ્‌સ અલગ ખાસિયત ધરાવે છે. આ સ્થળેથી કોઈ રહેણાંક વસાહત કે ગામના અવશેષ મળ્યા નથી, પરંતુ એક કોમ્યુનિટી સેન્ટર ગણી શકાય તેવું મુસાફરખાના જેવીું સ્ટ્રક્ચર મળ્યું છે. જે દર્શાવે છે કે હજારો વર્ષ અગાઉ જ્યારે લોકો વ્યાપાર કે અન્ય કારણોસર સ્થળાંતર કે લાંબો પ્રવાસ કરતા હશે ત્યારે આ સ્થળ તેમના વિસામા માટે બનાવવામાં આવ્યું હશે. જોકે, હાલે ખૂબ પ્રાથમિક સંશોધન થયું છે. આ સાઈટ્‌સનો ડિટેઈલ્ડ અભ્યાસ અને મેપીંગ થયા બાદ રોચક તથ્યો સામે આવે તેવી પૂરેપૂરી 
સંભાવના છે.



.................


પુરાતત્વીય સાઈટ્‌સના મુખ્ય ત્રણ પ્રકાર

ભુજ - કચ્છઉદય : હડપ્તા સંસ્કૃતિની જે સાઈટ્‌સ મળી આવી છે તેમાં મુખ્ય ત્રણ પ્રકાર જોવા મળ્યા છે. એક નદી કિનારે સમાંતરે વસાહતો મળી છે. જ્યારે બીજા પ્રકારની સાઈટ્‌સમાં દરિયા કિનારાની આસપાસના વિસ્તારોમાં અવશેષો મળ્યા છે. જ્યારે ત્રીજા પ્રકારની અમુક સાઈટ્‌સ ઈન્ટરલેન્ડ એટલે કે નદી - દરિયાથી દૂર પહાળો પર કે મેદાની વિસ્તારોમાંથી હડપ્તા સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે.


.............


હડપ્પા સંસ્કૃતિમાં સુનિયોજિત શહેરો અને વેપારની મહત્ત્વપૂર્ણ ભૂમિકા


ભુજ - કચ્છઉદય : સિંધુ ખીણની સંસ્કૃતિ ‘મોડર્ન ટાઉન પ્લાનિંગ‘ માટે જાણીતી હતી. આ સંસ્કૃતિનાં શહેરો એમનાં મકાનો, સ્થાપત્યો, જાહેર સ્થળો અને ગટર વ્યવસ્થાને કારણે આજે પણ આદર્શ માનવામાં આવે છે. ઇતિહાસના આ સમયગાળા દરમિયાન જમીન અને સમુદ્ર એમ બંને માર્ગે વેપાર થતો હતો. પરંતુ વેપાર માટે લોકો કેવી રીતે મુસાફરી કરતા હતા અને શું ખાસ વસાહતો બનાવવામાં આવી હતી તે અંગે અગાઉ કોઈ પુરાવા મળ્યા ન હતા. કોટડા ભડલીમાં મળેલા 
પુરાવા બતાવે છે કે ત્યાં હડપ્પાકાલીન કારવાંસરાય જેવી વ્યવસ્થા હતી, જે વેપારની વ્યવસ્થા સમજવા માટે મહત્ત્વપૂર્ણ છે. હડપ્પાકાળના 
વેપારીઓ જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરતા હતા, ત્યારે તેઓ ક્યાં રોકાતા હતા, આરામ ક્યાં કરતા હતા, તેમની સાથે રહેલા ઘોડા, ઊંટ કે અન્ય પ્રાણીઓ શું ખાતા હતા અને તેઓ આરામ કેવી રીતે કરતા હતા જેવા પ્રશ્નોના જવાબો આ અહેવાલ પહેલાં મળ્યા ન હતા. વેપારીઓ પોતાનો સામાન લઈને હજારો કિલોમીટરની મુસાફરી કરતા હતા અને આરામ માટે કારવાંસરાય (મુસાફરખાના) જેવા સ્થળો પર રોકાતા હતા. જોકે, આ તારણ સુધી પહોંચવા માટે નિષ્ણાતોએ વર્ષો સુધી સંશોધન અને અભ્યાસ કર્યો હતો.



...............

આ સ્થળને મુસાફરખાના માનવાનું મુખ્ય કારણ 


ભુજ - કચ્છઉદય : કોટડા ભડલીની આ સાઇટનું ખોદકામ ચાલતું હતું તે સમયે નિષ્ણાતોને કોઈ એવી વસ્તુઓ ન મળી હતી, જે બીજી સાઇટ પર જોવા મળતી હતી. એટલે કે કોઈ કલાકૃતિ, ઘરેણાં કે રહેણાક મકાનો વગેરે જેવા કોઈ પુરાવા મળ્યા ન હતી અથવા તો ત્યાં કોઈ વસ્તુ બનતી હોય તેવા પણ કોઈ પુરાવા મળ્યા ન હતા, તેમ છતાંય આ સાઇટ મહત્ત્વની હતી, કારણ કે પ્રવાસે જતા લોકો અહીં રોકાતા હતા અને તેમને તમામ સગવડો પૂરી પાડવામાં આવતી હતી. આ અભ્યાસના મુખ્ય રિસર્ચર અને મહારાષ્ટ્રના પુણેની ડેક્કન કૉલેજના ડિપાર્ટમેન્ટ ઑફ ઍન્શિઅન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી, કલ્ચર ઍન્ડ આર્કિયોલૉજીના આસિસટન્ટ પ્રોફેસર પ્રબોધ શ્રીવાલકરના જણાવ્યા અનુસાર , તેમને માત્ર એક ‘સેન્ટ્રલ સ્ટ્રક્ચર’ મળ્યું હતું, અને તેની ફરતે એક ઊંચી દીવાલ બનાવવામાં આવી હતી. તેની આસપાસ બીજું કોઈ બાંધકામ જોવા મળ્યું ન હતું. સામાન્ય રીતે મોટાભાગની હડપ્પન સંસ્કૃતિની સાઇટો પર ‘સ્ટીએટાઇટ બીન્સ‘થી બનેલી કલાકૃતિઓ કે ઘરેણાં જોવા મળે છે, જે એ સમયના લોકો વિશે ઘણું કહી જાય છે, પરંતુ આ સાઇટ પર એવું કંઈ જ મળ્યું ન હતું, પરંતુ આ સ્થળેથી જૂનાં વાસણો, ખાસ તો મોટા ઘડા મળ્યાં હતાં. આ ઘડાઓની લિપિડ પ્રોફાઇલની તપાસ કરાવતા તેમાં દૂધ હોવાના પુરાવા મળ્યા હતા. બીજું કે તેવા પણ પુરાવાઓ મળ્યા હતા, જેથી કહી શકાય કે આ સ્થળે પ્રાણીઓને કતલખાને લઈ જઈ તેમનો ભોજનમાં 
ઉપયોગ થતો હતો. તેની સાથે સાથે પ્રાણીઓના જે અવશેષો મળ્યા હતા, તેમાં સ્ટ્રેસ માર્ક વગેરે જોઈ શકાયા હતા, તેથી એવો અંદાજો લગાવી શકાય કે આ પ્રાણીઓને વજન ઊંચકવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં હતાં. આ સાઇટને જોતા નિષ્ણાતોને લાગ્યું હતું કે - અહીં કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થતું નથી, દરિયો અહીંથી દૂર છે, તો માછીમારી પણ થતી નથી, કોઈ લોકો અહીં રહેતા નથી, તેમ છતાંય અહીં જીવનના સંકેતો મળે છે, જેથી તેમણે એ તારણ કાઢ્યું કે કચ્છનું આ ગામ એક સમયે કારાવાંસરાય તરીકે ઉપયોગમાં લેવામાં આવતું હતું, જે વેપારીઓને સગવડો સાથે સુરક્ષા પૂરી પાડતું હતું.


 

Comments

COMMENT / REPLY FROM