ટીમ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખમાં મહામુલા મહામંત્રી પદ માટેનો આંતરીક સળવળાટ શરૂ
વર્તમાન સમયે કચ્છમાં સંગઠનની દ્રષ્ટીએ આહીર-ઓબીસી-ક્ષત્રીય સમુદાયનો છે ડંકો, પટેલ કોમ્યુનીટીને પ્રભુત્વ મળવાની સંવભાના : ભુજ-નખત્રાણા ગ્રામીણ ક્ષેત્રોના સિનિયર મજબુત આગેવાનોના નામોની ચર્ચા શરૂ
૮મીએ પ્રદેશ નિરિક્ષકો સેન્સ માટે આવશે તે પહેલા જ મજબુત-સંભવત દાવેદારોએ ઘોડા દોડાવ્યા :
જાતી-જ્ઞાતિ, વિસ્તાર, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ સહિતનાને કેન્દ્રમાં રાખી નવી ટીમમાં મળશે સ્થાન : વિસ્તારમાં પણ પૂર્વ-પશ્ચીમને સમતોલ રાખવાનો કરાશે પ્રયાસ : સંઘના સમર્પિત મુરતીયાઓને મળી શકે પ્રાથમિકતા
આહીર સમુદાયમાથી જિલ્લા પ્રમુખશ્રી, રાજયમંત્રી, ડેરી ક્ષેત્રમા ચેરમેનશ્રી, એપીએમસીમાં પણ આહીરને પ્રભુત્વ છે, બે ધારાસભ્યશ્રીઓ હાલમાં ક્ષત્રીય સમુદાયમાથી છે, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ક્ષત્રીય સમુદાયમાથી, આવામાં જાતીગત સમીકરણો પણ બનશે મહત્વપૂર્ણ ફેકટર
ગાંધીધામ : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નિયુકિત થવા પામી ગઈ છે અને તેઓ રાજયમાં ઝોનવાર પ્રવાસ પણ ખેડી રહ્યા છે. તેઓના રાજયવ્યાપી આ પ્રવાસ સંપન્ન થવાની સાથોસાથ જ ગુજરાતના જિલ્લાઓમાં પણ નિમાયેલા પ્રમુખોની ટીમની ઘોષણાઓ થઈ જાય તે અનુસારની તૈયારીઓ ભાજપ દ્વારા કરી લેવાઈ છે. ભાજપના જિલ્લા-શહેરોના પ્રમુખોની ટીમ માટે સેન્સ પ્રક્રીયાઓનો માળખુ ઘડાઈ ગયુ છે, નિરિક્ષકોને જવાબદારી અપાઈ ગઈ છે અને કચ્છમાં આઠમી નવેમ્બરના રોજ પ્રદેશ નિરીક્ષકો સેન્સ પ્રક્રીય માટે આવી પણ રહ્યા છે. તે દરમ્યાન જ જિલ્લાના રાજકીય આંતરીક બેડામાં પણ જો અને તોના સમીકરણો સાથેની ચર્ચાઓ તેજ થવા પામી ગઈ છે. અંતરંગ વર્તુળોમાં થતી ચર્ચાઓ અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખની ટીમમાં આમ તો ર૦ સભ્યોનો સમાવેશ કરવામા આવી શકે છે પરંતુ તેમા સૌથી વધારે મહત્વપૂર્ણ અને મહામુલા પદો હોય તો એ મહામંત્રીના હોય છે. આ મહામંત્રી પદ પર કોની લોટરી લાગશે? તે ચર્ચાઓ થવા પામી રહી છે. કહેવાય છે કે, નવી ટીમની જે રચના થશે અને તેમાં મહત્પવૂર્ણ પદોની જયા સુધી વાત છે ત્રણ મહામંત્રીઓનો તો તેમાં જે-તે કાર્યકર્તાના અનુભવ, આવડત, ટ્રેક રેકર્ડ તો જોવાશે જ ઉપરાંત કચ્છમાં પૂર્વ-પશ્ચીમ કચ્છ વિસ્તાર, જાતી-જ્ઞાતી સમીકરણો, આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી, આરએસએસ-સંઘ સહિતના પરિબળોને ધ્યાન રાખવામા આવી શકે છે. હાલમાં સંગઠનની દ્રષ્ટીએ વાત માંડીએ તો આહીર-ઓબીસી સમુદાયમાથી જિલ્લા પ્રમુખ આવ છે, રાજયના નવનીયુકત રાજયમંત્રી પણ આહીર સમુદાયમાંથી છે, સરહદી ડેરી જેવા વિશાળ મોટા માળખા ધરાવનારા પણ આહીર સમુદાયમાંથી જ છે, ઉપરાંત ક્ષેત્રીયમાં જિલ્લામાં બે ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયત પ્રમુખ જેવી મહત્વપૂર્ણ જવાબદારી રહેલી છે, બ્રાહ્મણ અને પાટીદાર સમુદાયમાથી એક એક ધારાસભ્ય રહેલા છે, આવામાં પટેલ કોમ્યુનીટીને ૩માંથી એક મહામંત્રી પદ માટે લોટરી લાગી શકે તેમ દર્શાય છે. વિસ્તારની જો વાત કરીએ તો ભુજ તાલુકા તથા નખત્રાણા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી કોઈને પ્રતિનીધિત્વ મળી શકે તેમ કહેવુ અસ્થાને નહી કહેવાય. આવા વિવિધ પ્રકારના સમીકરણોની ચર્ચા જિલ્લાના આંતરીક રાજકીય બેડામાં વર્તમાન સમયે ચાલી રહી હોવાનો વર્તારો જોવાય છે. સાચુ તો જયારે સેન્સ પ્રક્રીયા પૂર્ણ થયા અને યાદી પ્રદેશને સોપાય અને ત્યાથી મંજુરીની મહોર લાગે તે બાદ જ ચિત્ર બહાર આવી શકે તેમ છે પરંતુ વરસાદી માહોલ અને શીયાળાની દસ્તક સમાજ ઠંડા હવામાન વચ્ચે જિલ્લા ભાજપ પ્રમુખની નવી ટીમ માટેની કવાયતે રાજકીય રીતે આંતરીક ગરમાવો સર્જી
દીધો છે.

Comments