આડેસર ચેક પોસ્ટ પર ગુવારની આડમાં કચ્છ આવતો ૧૯.૪૬ લાખનો શરાબ જપ્ત
SMC ની કાર્યવાહી વચ્ચે સ્થાનિક પોલીસ પણ દોડી
પંજાબના ડ્રાઈવરને ઝડપી લેવાયો : વાહન સહિત પ૪.ર૯ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
ભુજ - કચ્છ ઉદય : એક તરફ એસએમસી દ્વારા વાગડ વિસ્તારના ભચાઉમાં ગત રોજ મોડી રાત્રિથી આજે સવાર સુધી કાર્યવાહી કરી ૧.૮૬ કરોડનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે વાગડ વિસ્તારમાં પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આડેસર પોલીસે ગઈકાલે રાત્રે ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ૧૯.૪૬ લાખનો દારૂ ઝડપી પાડતા સ્થાનિક પોલીસે પણ પોતાની હાજરી પુરાવી છે.
આ બાબતે આડેસર પોલીસમાંથી મળતી વિગતો મુજબ ચેક પોસ્ટ પર ગત રાત્રે વાહન ચેકિંગ દરમિયાન પીબી૪૬ - એએમ - ૧પ૯૮ મા તપાસ કરતા પાસ પરવાના વગર ભારતીય બનાવટની રાખેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. કુલ ૧૩૦૮ બોટલ કિંમત રૂા.૧૭,૭૬,૪૦૦ તથા ૧૮૦ એમએલના ૧૯ર ક્વાર્ટરીયા કિમંત રૂા. પર,૮૦૦ તથા પર૮ બીયરના ટીન કિંમત રૂા.૧,૧૬,૧૬૦ મળી કુલ ૧૯,૪૬,૧૬૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દારૂના કવરીંગ માટે ગુવારના કટ્ટા રાખવામાં આવ્યા હતા. ગુવારની આડમાં આ દારૂ કચ્છમાં આવતો હતો. રર.૭૭ લાખના ગુવારના ૪૯પ કટ્ટા પણ કબજે કરવામાં આવ્યા હતા. ૧ર લાખની ટ્રક મળી કુલ પ૪,ર૯,૪૮૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે પંજાબના તરનતારન જિલ્લાના ડ્રાઈવર સુખદેવસિંઘ ચનનસિંઘ ગીલ (શીખ)ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે દારૂ ભરી આપનાર પરબતસિંઘ બન્ના હાજર મળી આવ્યો નથી. માલ કોને આપવાનો ? તે હજુ સુધી સામે આવ્યો નથી. આડેસર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આ કામગીરી પીઆઈ જે.એમ.વાળા અને આડેસર પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

Comments