ગાંધીધામમાં સંકેતનિધિ આંગડિયા પેઢીના સંચાલકનું અપહરણ કરવાના કેસમાં વધુ એક આરોપી દબોચાયો
એ-ડિવિઝન પોલીસે બીકાનેરની જેલમાંથી આરોપીનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરતા આઠ દિવસના રિમાન્ડ મળ્યા : પીઆઈ એમ.ડી.ચૌધરીની હાજરીમાં ઘટનાનું કરાવાયું રિકન્ટ્રકશન : આરોપી સામે રપ જેટલા ગંભીર ગુનાઓ છે નોંધાયેલા
ગાંધીધામ - કચ્છ ઉદય : શહેરમાં ગત ૧૬ જુલાઈના સંકેતનિધિ આંગડિયા પેઢીના સંચાલક કેતનભાઈ કાંકરેચાનું ચાર ઈસમો દ્વારા રિવોલ્વર બતાવીને બળજબરી પૂર્વક કારમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં એ-ડિવિઝન પોલીસે એલસીબીની ટીમોએ તપાસ કરી જે તે સમયે ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. જે પૈકી ફરાર રહેલો સૂત્રધાર રાજસ્થાનનો શ્રવણ પકડાયો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ આંગડિયા પેઢીના સંચાલકનું પિસ્તોલ બતાવી અપહરણ કરી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જોકે, પોલીસે પીછો કરતા આરોપીઓએ રણ માર્ગે ગાડી ભગાવી જંગી ગામ તરફ વેપારીને મુકી ભાગી ગયા હતા. પોલીસે તપાસ કરતા જે-તે સમયે મોરબીના કુખ્યાત આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા ઝાલાએ બનાવને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રાજસ્થાનના પવન કિશનલાલ બરોરને પકડી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. હીતુભાના કહેવાથી બનાવને અંજામ અપાયો હતો. જેમાં મુખ્ય આરોપી તરીકે શ્રવણનું નામ પણ સામે આવ્યું હતું. નાસતા-ફરતા આરોપીઓને પકડી લેવા માટે એસપી સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં એ-ડિવિઝન પીઆઈ એમ.ડી.ચૌધરીએ આ ગુના કામે ફરાર આરોપી રાજસ્થાનના બીકાનેરના ર૭ વર્ષિય શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોઢાનો રાજસ્થાનના બીકાનેરની જિલ્લા જેલામાંથી કબજો મેળવી ૧૦ દિવસના રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતા આઠ દિવસના રિમાન્ડ મળ્યા છે. આરોપીએ ગુનાને કઈ રીતે અંજામ આપ્યો તે અંગે આરોપીને સાથે રાખી રિકન્ટ્રકશન કરવામાં આવ્યું હતું. આરોપી સામે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાતમાં અલગ અલગ રપ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
આ કામગીરીમાં પીઆઈ એમ.ડી.ચૌધરી સાથે પીએસઆઈ વી.એચ.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.

Comments