કચ્છ ભાજપ સંગઠનમાં નવી રચના માટેની કવાયત તેજ ૮મીએ પ્રદેશ નિરિક્ષકોનો પડાવ : રાજકિય ગરમાવો
કોણ મપાશે? અને કોણ કપાશે?
જિલ્લા પ્રમુખ ટીમ દેવજીભાઈ વરચંદ માટે પ્રદેશ નીરિક્ષકો લેશે સેન્સ : મહામંત્રીઓ-મંત્રીઓ સહિતના ર૦ સભ્યોની નિમણુક માટેની પ્રક્રીયાઓ હાથ ધરાશે : જિલ્લાભરમાં રાજકીય રીતે ખળભળાટી
ગાંધીધામ : ગુજરાત ભાજપના સંગઠનમાં ચાલી રહેલા સુધારાના ભાગરૂપે કચ્છ જિલ્લામાં પણ નવી રચનાની પ્રક્રિયા શરૂ થઈ છે. શહેર અને જિલ્લા પ્રમુખોને હવે પોતાની ટીમ સ્વતંત્ર રીતે બનાવવા બદલે પ્રદેશ ભાજપની મંજૂરી લેવી ફરજિયાત બનાવાઈ હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સંગઠનમાં પારદર્શિતા વધારવો અને વ્યક્તિગત જૂથવાદ કે
પક્ષપાત ટાળવાનો છે. અત્યાર સુધી શહેર કે જિલ્લા પ્રમુખો પોતાના નજીકના લોકોને જ હોદ્દા આપતા હોવાના આક્ષેપો વચ્ચે આ નવી પદ્ધતિ સંગઠનમાં સંતુલન લાવશે તેવી અપેક્ષા છે.આ મામલે મળતી વિગતો અનુસાર કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદની ટીમની નવરચના માટેની આંતરીક તૈયારીઓ શરૂ થવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ મામલે સહેજ વધુ વિગતે વાત કરીએ તો પ્રદેશ ભાજપના તાજેતરના નિર્ણય અનુસાર, દરેક જિલ્લામાં નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં પણ નિરીક્ષકો પહોંચીને સ્થાનિક કાર્યકરો, વરિષ્ઠ નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા શરૂ કરી છે. તેઓના અભિપ્રાયના આધારે આગામી ૮મીનવેમ્બરના રોજ જિલ્લાસંગઠન માટે
પેનલ તૈયાર થશે અને અંતિમ નામો પ્રદેશ સ્તરે નક્કી કરવામાં આવશે. ટીમ દેવજીભાઈ એટલે કે મહામંત્રી, મંત્રીઓ, મળીને ર૦ સભ્યોની ટીમની નવરચના માટે આ કવાયત હાથ ધરવામા આવી રહી છે. હાલમાં જિલ્લાની ટીમ માટે પ્રદેશ નિરિક્ષકો આગામી ૮મીએ કચ્છ પધારીરહ્યા છે. હજુ સુધી શહેર પ્રમુખની ટીમને લઈને પ્રદેશ નિરિક્ષકોનેો કાર્યક્રમ સત્તાવાર રીતે આવ્યો નથી. તો બીજીતરફ
કચ્છમાં જિલ્લા ભાજપની નવી ટીમની રચનાની કવાયતને જોતા જિલ્લાના આંતરીક બેડામાં પણ ભારે ચર્ચાઓ તેજ બની જવા પામી છે. કોણ મપાશે અને કોણ કપાશે તેને લઈને પણ સમીકરણો ચર્ચાવવા પામી રહ્યા છે. તો ટીમ દેવજીભાઈમાં સ્થાન પામવા માટે પણ સંભવત મુરતીયાઓ દ્વારા પણ જોરદાર લોબીંગ આતંરીક રીતે તેજ બનાવાયેલ હોવાનુ સામે આવી રહ્યું છે. આ સંદર્ભે ભાજપના સત્તાવાર સુત્રોને પુછતા જણાવાયુ હતુ કે, આગામી ૮મી નવેમ્બરે જિલ્લા ભાજપના પ્રમુખની ર૦ સભ્યોની ટીમની નવરચના સંદર્ભે પ્રદેશ નિરિક્ષકો કચ્છ આવી રહ્યા છે.
નોધનીય છે કે, “કચ્છ સહિત તમામ જિલ્લાઓમાં પક્ષની રચનાત્મક પ્રક્રિયા સંગઠનના ધ્યેય અને ટીમભાવના પર આધારિત રહેશે. દરેક કાર્યકરનો અવાજ સાંભળીને જ અંતિમ નિર્ણય લેવાશે.” સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ પરિવર્તનને સંગઠનના કેન્દ્રિયીકરણ અને એકરૂપતા તરફનું મહત્વપૂર્ણ
પગલું માનવામાં આવી રહ્યું છે. કચ્છ જિલ્લાના ભાજપના સૂત્રો મુજબ, આવનારા દિવસોમાં નવી ટીમોની જાહેરાત થતાં જ જિલ્લા અને શહેર સંગઠનમાં નવા ઉર્જાસાથે કાર્ય શરૂ થશે.

Comments