અંકલેશ્વરના ૯ કરોડના ડબ્બા ટ્રેડિંગ કૌભાંડમાં ગાંધીધામ કડીનો ખુલાસો
ભરૂચ એલસીબીની ટીમનો સપાટો : અંકલેશ્વરની આવેલા આઇસ ફેક્ટરી ઓફિસમાં થયેલા ડબ્બા ટ્રેડિંગ તથા જુગારધામ કૌભાંડમાં વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી : ગાંધીધામમાંથી નીતિન ગોસ્વામી નામના શખ્સને પોલીસે ઉઠાવ્યો : પુછતાછ બાદ કઈક વધુ નવા ખુલાસા થવાના ભણકારા
ગાંધીધામ : અંકલેશ્વરમાં બહાર આવેલા આઇસ ફેક્ટરી ઓફિસમાં થયેલા ડબ્બા ટ્રેડિંગ તથા જુગારધામ કૌભાંડમાં વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ એલસીબીની ટીમે તપાસ દરમિયાન કચ્છના ગાંધીધામ ખાતે થી નિતીન ગોસ્વામી નામના સક્ષની ધરપકડ કરી છે. આરોપીનું નામ અગાઉ ઝડપાયેલા આરોપીઓની વોટ્સએપ ચેટ અને નાણાં ટ્રાન્સફરનાં પુરાવાના આધારે સામે આવ્યું હતું.
તારીખ ૮ ઓક્ટોબરે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી સોના આઇસ ફેક્ટરીની ઓફિસમાં અલ્તાફ હુસેન ઘોઘારી દ્વારા આર્થિક લાભ માટે બહારથી બોલાવવામાં આવેલા લોકો સાથે જુગાર રમાડાતું હતું, તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો.
સ્થળ પરથી પોલીસએ ૫ જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને ૩૦.૩૮ લાખનો મુદ્દામાલ તથા લક્ઝ્યુરિયસ કાર કબ્જે કર્યા હતા. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે સેબીની જાણ વગર ૯ કરોડના શેર ટ્રાન્ઝેક્શન કરી ટેક્સ ચોરી તથા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવામાં આવી હતી.
તપાસના આધારે એલસીબી પોલીસે હવે ગાંધીધામના નિતીન ગોસ્વામીની ધરપકડ કરી અંકલેશ્વર લાવી છે. આ સાથે આ કૌભાંડમાં ધરપકડનો આંક ૭ સુધી પહોંચી ગયો છે.
ભરૂચ એલસીબી દ્વારા વધુ સહભાગીઓ તથા નાણાકીય લેવડદેવડના સ્ત્રોતો અંગે તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે.

Comments