વરસામેડીની કિંમતી જમીન પચાવી પાડવાના કેસમાં અંજાર પોલીસે મુંબઈથી આરોપીને પકડ્યો
મૃત માલિકને જીવિત દર્શાવી ટોળકી દ્વારા આચરાયું હતું કૌભાંડ
અંજાર - કચ્છઉદય : તાલુકાના વરસામેડી ગામે આવેલી કિંમતી જમીન પચાવી પાડવાના કેસમાં અંજાર પોલીસે મુંબઈથી આરોપીને ઝડપી લીધો છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અંજારના વરસામેડીની સર્વે નંબર ૬૪રની જમીન મૃતક માલિકને ચોપડા પર જીવિત દર્શાવીને બારોબાર વેંચી નાખવામાં આવી હતી, જે મામલે ઓગસ્ટ મહિનામાં ફરિયાદ નોંધાઈ હતી, જમીનના મૂળ માલિક સામજીભાઈ શિવજીભાઈ ચાચાણીનું વર્ષો અગાઉ નિધન થયું છે. આ જમીન તેમની બહેનને વારસાઈમાં મળી હતી અને તેઓએ પૌત્રને વીલથી આ જમીન આપી હતી. જોકે, કોઈ અજાણ્યા વ્યક્તિએ સામજીભાઈ બની મહેશ શંકર ચંદ્રાને જમીનની પાવર ઓફ એટર્ની લખી આપી હતી. મહેશે આ જમીન ધાણેટીના પચાણ સુરા રબારીને ૯૯ લાખમાં વેચી હોવાનો દસ્તાવેજ બનાવ્યો હતો. સમગ્ર મામલો સામે આવ્યા બાદ અંજાર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે સમયે પોલીસે મુખ્ય આરોપી અંજારના દિનમામદ કાસમ રાયમા, જમીન ખરીદનાર ધાણેટીના પચાણ સુરા રબારી અને ખોટા દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહિ કરનાર અંજારના સુલ્તાન અભુભખર ખલીફાને ઝડપી લીધા હતા. આ મામલે તપાસ કરતી પોલીસના ધ્યાનમાં વધુ એક આરોપીનુું નામ સામે આવ્યું હતું, જેની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે પીઆઈ અજયસિંહ ગોહિલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, મુંબઈથી મૂળ કચ્છના પ્રકાશ દૈયાની ધરપકડ કરાઈ છે, જેની ગુનામાં મદદગારી હતી. હાલ તેની પૂછપરછ કરાઈ રહી હોવાનું જણાવ્યું હતું.

Comments