Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના રેવેન્યુ તંત્રમાં ભ્રષ્ટાચારનો કાળો કકળાટ : સામૂહિક સાફ-સફાઈની ઈંતેજારી

29 October



અનેક કર્મચારીઓ સામે આક્ષેપો, લાંચ અને ગેરરીતિના કિસ્સાઓથી તંત્રમાં ચકચાર : જિલ્લા સમાહર્તાની ખોટી સહી કરી બોગસ હુકમ કરનાર તત્કાલીન કારકુન અનીલ કરેણ ઝડપાયા બાદ ઉઠયા સવાલો : મામલતદાર, પ્રાંત, ડીઆઈએલઆર, સીટી સર્વે જેવી કચેરીઓમાં પણ હજુ આવા ભેજાબાજ કર્મચારીઓ કરી રહ્યા છે કરામત

લાંચ વિના ફાઈલ આગળ ધપતી ન હોઈ કર્મચારીઓની મનમાનીથી પ્રજા પરેશાન : કલેકટર કચેરી સહિત સરકારી ઓફીસ પત્રકાર બનીને ફરતા આવા લેભાગુઓના વચોટીયાઓની ભુમિકા પણ તપાસ જરૂરી.... : હાલ ધોળાવીરા સહિત જમીન કૌભાંડ કચ્છના વહીવટ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો.... : ૧૧ મહિનાના કાચા કર્મચારીઓ બદલી પણ લાંબા સમયથી ન થતી હોવાની કારણે ભ્રષ્ટાચારનો શરો વધી ગયો...


ભુજ-કચ્છઉદય : કચ્છ જિલ્લો જમીન રોકાણ માટે ઝડપથી વિકસતો વિસ્તાર બની રહ્યો છે. ઉદ્યોગિક ઝોન, બંદર વિસ્તાર અને હાઈવે પ્રોજેક્ટ્‌સને કારણે જમીનની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. તેની વચ્ચે જમીન સંબંધિત દસ્તાવેજો, મંજૂરીઓ અને ટ્રાન્સફર ફાઇલોમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ પણ વધ્યા છે. કેટલાક કેસોમાં ખોટી નકલ કે માપણી બદલવાના બનાવો પણ સામે આવ્યા છે, જેના કારણે નાગરિકોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. સિસ્ટમમાં વિશ્વાસ તૂટે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે કચ્છના રેવેન્યુ તંત્રમાં ભ્રષ્ટાચારના કાળા કકળાટને પગલે પ્રજા સામૂહિક સાફ-સફાઈની ઈંતેજારી કરી રહી છે. 
 આ અંગેની વિગતોે મુજબ કચ્છ જિલ્લાનું રેવેન્યુ તંત્ર આજે ભ્રષ્ટાચારના કાદવમાં ગરકાવ થઈ ગયું છે. કચેરીઓમાં બેઠેલા કેટલાક કર્મચારીઓ હવે જાહેર સેવા નહીં પણ દલાલીનો ધંધો ચલાવી રહ્યા છે. નાની ફાઈલ હોય કે મોટી જમીન માપણી. લાંચ વીના કામ પુરૂં થવાનું નામ લેતું નથી. હદ તો ત્યાં સુધી થઈ ગઈ છે કે હવે કચેરીઓમાં જયાં સુધી ફાઈલ નીચે નોટ લાગે નહીં ત્યાં સુધી ફાઈલ એક ઈંચ પણ આગળ ખસતી નથી. ભ્રષ્ટાચારનો અજગર ભરડો એટલો તીવ્ર બન્યો છે કે બેફામ બનેલા બાબુઓ હવે જાણે પોતાની એક અલાયદી સીસ્ટમ ચલાવી રહ્યા હોય તેમ ઉચ્ચ અધિકારીઓની ખોટી સહી અને બોગસ ઓર્ડર કરી વહીવટી તંત્ર અને સરકારને ચેલેન્જ આપી રહ્યા છે. 
ભુજ તાલુકાના રતિયાની જમીન માપણી વધારા અંગે કલેકટરની ખોટી સહી કરી બોગસ હુકમ કરનાર તત્કાલીન કારકુન અનીલકુમાર ભીખાલાલ કરણેને ઝડપ્યા બાદ ફરી રેવેન્યુ તંત્રના ભ્રષ્ટાચારનો મુદ્દો સપાટીએ આવ્યો છે. જમીન માપણી, હક્કપત્રક, વારસાઈ દાખલ, એનએ જેવી સામાન્ય પ્રક્રિયાઓ પણ હવે ભ્રષ્ટાચારના કારણે અરજદારો માટે ત્રાસનું કારણ બની ગઈ છે. ખેડૂતો, ગરીબ નાગરીકો અને સામાન્ય અરજદારો માટે મામલતદાર, પ્રાંત અને કલેકટર જેવી કચેરી, લાંચ ઉઘરાણીના કિસ્સા સામાન્ય બની ગઈ છે. 
રાજય સરકાર ભલે ઝીરો ટોલરન્સ અને પારદર્શી નીતીની વાતો વાજતે ગાજતે કરતી હોય પરંતુ કડવું સત્ય તો એ છે કે, સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર એ શીષ્ટાચાર સમાન બની ગયો છે. અગાઉના સમયમાં કચેરીની બહાર છુપાઈને લાંચની રકમ લેવાતી પરંતુ હવે તો કાગળા બધેય કાળા બનતા કચેરીની અંદર જ ખુલ્લેઆમ ટેબલ ઉપર વહીવટો  થઈ રહ્યા છે. ખોટા તો શું કાયદેસરના સાચા કામ માટે પણ વહીવટ વીના વાત આગળ વધતી નથી. એવું પણ નથી કે ઉચ્ચ અધિકારીઓ અને પ્રજાકીય પ્રતિનિધિઓ આ વાતથી વાકેફ નથી. પરંતુ પડદા પાછળ તેઓના જ છુપા આશીર્વાદ રહેતા હોઈ નીચલા કર્મચારીઓને ભ્રષ્ટાચાર માટે બળ મળી રહ્યું છે. 
હદ તો ત્યાં સુધી થઈ ગઈ છે કે, હવે તો હંગામી કર્મચારીઓ પણ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી સરકારી લાખોનો ચુનો ચોપડતા થયા છે. કેટલાક કિસ્સાઓમાં તો ફરીયાદ કરનાર નાગરીકને ટાર્ગેટ કરી તેઓ જાણે આરોપી હોય તેવું વર્તન કરવામાં આવે છે. એક સમયે કચ્છની ઈમાનદારીની ઓળખ દેવામાં આવતી પરંતુ હવે કચ્છ જાણે ભ્રષ્ટાચારનું પાટનગર બન્યું હોય તેમ ઈમાનદારી અને મહેનતની ઓળખ ધુંધળી થવા પામી છે. રેવેન્યુ તંત્રમાં ભ્રષ્ટાચારનો ભરડો મજબુત બન્યો હોઈ તેના લીધે સમગ્ર જિલ્લો તો બદનામ થઈ રહ્યો છે તેની સાથોસાથ નાગરીકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લાની અનેક કચેરીઓમાં પણ ‘અનીલ’ જેવા કર્મચારીઓ ભય વીના કામ કરી રહ્યા છે. લોકોને પરેશાનીમાં મુકી રહ્યા છે. રતીયાનો મુદ્દો તો સપાટીએ આવ્યો છે પરંતુ આ પ્રકરણની ઉંડાણપૂર્વક તપાસ કરાય તો અનીલ કરેણ દ્વારા આવા બીજા કેટલા ઓર્ડરો કરાયા છે કે કેમ ? તે બહાર આવી શકે તેમ છે. 

Comments

COMMENT / REPLY FROM