પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી ૫ નવેમ્બરે કચ્છ પધારશે
નવ નિયુક્ત અધ્યક્ષની કચ્છ મુલાકાતને પગલે જિલ્લા ભાજપમાં ભારે ઉત્કંઠા : કેસરીયા બ્રીગેડ દ્વારા વિશ્વકર્માજીને આવકારવા ઘડાતું આયોજન : આજ સવારથી કચ્છ કમલમ્ ખાતે હોદ્દેદારો - કાર્યકરોનો જમાવડો : સભા - રેલી સહિતના કાર્યક્રમો પણ યોજવાનો તખ્તો
ભુજ-કચ્છઉદય : ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદે આરૂઢ થયેલ જગદીશ વિશ્વકર્માજી આગામી પમી નવેમ્બરના કચ્છની પાવનધરા પર પધારી રહ્યા હોઈ તેમને આવકારવા માટે જિલ્લા ભાજપ પરિવાર અને કેસરીયા બ્રીગેડમાં અનેરી ઉત્કંઠા અને થનગનાટ જોવા મળી રહ્યો છે.
આ અંગેની વિગતો મુજબ પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદે કમાન સંભાળતાની સાથે જ જગદીશ વિશ્વકર્માજી વિદ્યુત વેગી પ્રવાસ કાર્યક્રમો શરૂ કરતા પ્રદેશ ભાજપમાં અનેરી ઉર્જાનો સંચાર થયો છે. પ્રથમ તબક્કે એટલે કે, દિવાળી પૂર્વે તેમણે ઝોન પ્રવાસ શરૂ કર્યો હતો. જેનો પ્રારંભ અંબાજી ખાતેથી કરી તે બાદ સુરત, રાજકોટ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. હવે દિવાળી બાદ એટલે કે નવા વર્ષે બીજા તબક્કાનો રાજયના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કાર્યક્રમ શરૂ થઈ રહ્યા છે. આ જિલ્લાવાઈઝ કાર્યક્રમમાં આગામી પ નવેમ્બરે તેઓ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. આમ તો આ સરહદી જિલ્લો જગદીશ વિશ્વકર્માજી માટે અજાણ્યો નથી. પરંતુ પ્રદેશ પ્રમુખ પદે આરૂઢ થયા બાદ પ્રથમ વખત તેઓ કચ્છ આવી રહ્યા હોઈ તેમને આવકારવા માટે જિલ્લા ભાજપ પરીવારે તૈયારીઓ આરંભી દીધી છે.
આ બાબતે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે કચ્છઉદય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાંચ નવેમ્બર પ્રદેશ ભાજપના નવ નિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી કચ્છ આવી રહ્યા છે. જેને લઈને જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે. તેમને આવકારવા વિશાળ બાઈક રેલી યોજવાની સાથોસાથ અભિવાદન સમારોહ પણ યોજવામાં આવશે. આ કાર્યક્રમ ભુજ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય એટલે કે કચ્છ કમલમ ખાતે યોજવો કે અન્ય સ્થળે તે અંગે હાલે બેઠક ચાલી રહી હોઈ આગામી ટુંક સમયમાં સ્થળ પસંદગી કરી લેવામાં આવશે. નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ પ્રથમ વખત કચ્છ આવી રહ્યા હોઈ તેમને આવકારવા માટે જિલ્લા ભાજપના હોદ્દેદારોથી લઈ કાર્યકરો સુધી નવી ઉર્જાનું સંચાર થયો છે.

Comments