પશ્ચિમ કચ્છના કૂખ્યાત બુટલેગર અનોપસિંહને પાસામાં ધકેલાયો
આરોપી સામે દારૂના અલગ અલગ ર૯ ગુના છે નોંધાયેલા
ભુજ - કચ્છ ઉદય : પશ્ચિમ કચ્છ જિલ્લામાં બહારથી દારૂ મંગાવી વેચાણ કરતા કુખ્યાત બુટલેગરને પાસા તળે વડોદરાની જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
ભુજ તાલુકાના કેરા ગામે રહેતા ૪૩ વર્ષિય અનોપસિંહ અભેસિંહ રાઠોડની અગાઉ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે માનકૂવા, અમીરગઢ, અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, માનકૂવા, પદ્ધર, માંડવી, ભુજ સહિતના પોલીસ સ્ટેશનમાં દારૂના ર૯ ગુના નોંધાયેલા હોવાથી એલસીબી દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને કલેક્ટર સમક્ષ મૂકવામાં આવી હતી. કલેક્ટરે મંજૂરી આપતા આરોપીની અટકાયત કરી વડોદરા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પાસાની દરખાસ્ત એએસઆઈ મયૂરધ્વજસિંહ રાણાએ કરી હતી. પીઆઈ એચ.આર.જેઠી અને પીએસઆઈ જે.બી.જાદવે સુપરવીઝન કર્યું હતું. આરોપીને એલસીબીના સૂરેન્દ્રસિંહ ઝાલા, મયૂરધ્વજસિંહ જાડેજા, નવીનભાઈ જોષી, સુનિલભાઈ પરમારે પકડી વડોદરા જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરના છ મહીનામાં ઉપરાઉપરી અનોપસિંહનો દારૂ પકડાયો હતો. અગાઉ કેરા પાસે એસએમસીએ રેડ કરી હતી. જે બાદ સ્થાનિક માનકૂવા પોલીસે અને તે બાદ એલસીબીએ આરોપીનો દારૂ પકડ્યો હતો. જોકે, દર વખતે લાખોનો શરાબ પકડાતો અને આરોપી મળતો ન હતો. જે બાદ અનોપસિંહ પકડાયો અને તેને પાલારા જેલ હવાલે કરવામાં આવ્યો હતો. એક બાદ એક ગુનામાં અટકાયતી પગલાં ભરવામાં આવ્યા અને દિવાળી અગાઉ ગુનાઓમાં જામીન મળ્યા હતા જે બાદ તેને પાસામાં મોકલવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, કેરાના જડેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતો આ બુટલેગર માનકૂવા પોલીસની હદમાં જ આ વિસ્તારમાં બહારથી દારૂ મંગાવી ખુલ્લેઆમ કટીંગ કરવા સાથે માલ સપ્લાય કરતો હતો.
અનોપસિંહ સાથે માંડવીના ત્રગડીના બુટલેગર યુવરાજસિંહનો કરોડોનો દારૂ પકડાયો હતો. એસએમસી આવીને દારૂ પકડી જતી હોવાથી પશ્ચિમ કચ્છમાં દારૂ બંધીની અમલવારી અને પોલીસની ધાક સામે સવાલો ઉઠતા ચારેય તરફથી માછલા ધોવાયા હતા. જે બાદ અનોપસિંહ અને યુવરાજનો એક બાદ એક શરાબ પકડાયો અને તેની સાથે સાગરીતોની ધરપકડ કરી પોલીસે કડક પગલાં ભરી સિન્ડિકેટ તોડવાનોે પ્રયાસ કર્યો હતો.

Comments