તહેવારના દિવસોમાં ખનિજચોરી બંધ ન રહી, ત્રણ સ્થળોએ દરોડો પડ્યા
રાયધણપરમાં બેન્ટોનાઈટ ચોરી, મુંદરાની કેવડી નદીમાં માટી ચોરી અને માંડવીના વાંઢમાં રેતી ચોરી પકડાઈ : એલસીબીએ વાહનો કબ્જે કરી ભુજ ખાણ ખનિજ વિભાગને રિપોર્ટ કર્યો
ભુજ - કચ્છ ઉદય : તહેવારના દિવસોમાં મોટાભાગના ધંધા રોજગાર બંધ રહ્યા હતા, પરંતુ કચ્છમાં ખનિજચોરી યથાવત રહેવા પામી હતી. એલસીબીએ ત્રણે સ્થળોએ કાર્યવાહી કરી વાહનો કબ્જે કર્યા હતા.
અબડાસા તાલુકાના કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર બેન્ટોનાઈટ ખનિજના પરિવહન પર એલસીબીએ સપાટો બોલાવ્યો હતો. આ વિસ્તારમાં પરમીટ વગર બેન્ટોનાઈટ ખનિજનું વહન કરતા બે ટ્રકોને ભુજ એલસીબીએ ઝડપી પાડ્યા હતા. રાયધણજર ગામે બસ સ્ટેશન બાજુમાં જતા કાચા રસ્તા પરથી પસાર થતી બે ટ્રકોને રોકી તપાસ કરી હતી. આ ટ્રકોમાં બેન્ટોનાઈટ ખનિજ ભરેલ મળી આવ્યું હતું. ટ્રકના ડ્રાઈવરો સચિન દેવજીભાઈ મહેશ્વરી (રહે રાયધણજર) અને જુણસ જાફર હાલેપોત્રા (રહે રાયધણજર) પાસે રોયલ્ટી કે પાસ પરમીટ ન હોતા ટ્રક નંબર જી.જે. ૧ર બીએક્સ ૩૭૪૭ અને જીજે ૧ર બીટી ૩૪૬૯નું વજન કરાવતાં ગાડીમાં અનુક્રમે ૧૮૧ર૦ અને ૧૬પ૧૦ કિલોગ્રામ બેન્ટોનાઈટ ભરેલ હોવાનું જણાવ્યું હતું. બંને ટ્રકોને ડીટેઈન કરી આગળની કાર્યવાહી માટે ખાણ ખનિજ વિભાગને રિપોર્ટ કરાયો હતો. કામગીરીમાં એલસીબી ભુજના એએસઆઈ વિકેશભાઈ રાઠવા, યશવંતકુમાર ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, લાખાભાઈ રબારી, કોન્સ્ટેબલ વિક્રમસિંહ ગોહિલ અને અનિલભાઈ ખટાણા જોડાયા હતા.
માંડવી તાલુકાના ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વાંઢ ગામની નદીમાંથી ગેરકાયદેસર રેતીચોરીના કારસાને પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. પાસ પરમીટ વગર રેતીનું ખનન કરતા જેસીબી મશીનને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલસીબી ભુજના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠી તથા પીએસઆઈ જે.બી. જાદવના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દેવજી મહેશ્વરી, હેડ કોન્સ્ટેબલ મુળરાજ ગઢવી, લીલાભાઈ દેસાઈ અને સુરજભાઈ વેગડાએ પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે વાંઢ ગામની નદીમાં તપાસ હાથ ધરી હતી, જેમાં નદીમાં પડેલ જેસીબી મશીન પકડી પાડવામાં આવ્યું હતું. જેસીબીનો ડ્રાઈવર દેવચંદ મુળજી સંગાર (રહે વાંઢ) જેસીબી મશીનથી રેતીનું ખોદકામ કરી રેતીના ટ્રેકટરો ભરી આપતો હોવાનું સામે આવ્યું હતું. એલસીબીની ટીમે જેસીબી મશીન નંબર જી.જે. ૧૬૪૩ ડીટેઈન કરી ખાણ ખનિજ વિભાગને આગળની કાર્યવાહી માટે જાણ કરી હતી.
દરમિયાન મુંદરામાં કેવડી નદીમાંથી હિટાચી મશીન મારફતે માટીનું ખોદકામ કરી ડમ્પરમાં ભરવામાં આવતી હતી. ત્યારે એલસીબીએ પહોંચીને ચાલક ધ્રબના ગુલામ ભચુભાઈ તુર્કની પુછપરછ કરતાં આધાર પુરાવા મળી આવ્યા ન હતા. ડમ્પરમાં ૧૭ ટન માટી ભરેલી હતી. ડમ્પર અને હિટાચી કબ્જે કરી ભુજ ખાણ ખનિજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

Comments