Trending News
સ્થાનિક સમાચાર

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી વચ્ચે કચ્છના શૈક્ષણિક, સંશોધન તેમજ સ્ટાર્ટઅપ–ઇનોવેશન ક્ષેત્રે સહકારની નવી પહેલ

19 October



ગાંધીધામ : દીનદયાળ પોર્ટ ઓથોરિટી, ગાંધીધામ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (FOKIA) ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિમિષ ફડકેના સક્રિય સહકારથી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, દીનદયાળ પોર્ટ ઓથોરિટી તથા FOKIA વચ્ચે કચ્છ પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ, સંશોધન, કુશળતા વિકાસ (Skill Development), સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે સહયોગની દિશામાં મહત્વપૂર્ણ વિચારવિમર્શ થયો હતો.  
આ બેઠકમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય શ્રી કિરણભાઈ આહિર, Research and Development વિભાગના વડા ડૉ. ગૌરવ ચૌહાણ, દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી સુશીલકુમાર સિંહ તેમજ વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા.  બેઠક દરમિયાન શ્રી સુશીલકુમાર સિંહ દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા અત્યાર સુધી યોજાયેલ વિવિધ વિકાસપ્રકલ્પોનું વર્ણન કરવામાં આવ્યું હતું, તેમજ કચ્છ જિલ્લામાં યુવાનો માટે નવી તક અને તાલીમની જરૂરિયાત અંગે વિશેષ રજૂઆત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોર્ટ અને ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલા વિષયો તેમજ નવીનીકૃત ઉર્જા, ગ્રીન એનર્જી, ઔદ્યોગિક સલામતી અને પર્યાવરણ સંશોધનની દિશામાં તાલીમ અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન યુનિવર્સિટીના સહયોગથી શક્ય છે.  
શ્રી નિમિષ ફડકે દ્વારા FOKIA દ્વારા કચ્છના ઉદ્યોગ અને યુવાનોના સમન્વિત વિકાસ માટે ચાલતા વિવિધ પ્રયત્નો અને પહેલની માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે FOKIA ભવિષ્યમાં કચ્છ યુનિવર્સિટી અને પોર્ટ ઓથોરિટીને સાથે રાખીને ક્ષેત્રના યુવાનો માટે માર્ગદર્શન અને સહકાર આપશે.  ડૉ. ગૌરવ ચૌહાણે કચ્છ યુનિવર્સિટીની શૈક્ષણિક તથા સંશોધન પ્રવૃત્તિઓની માહિતી આપી અને ઉદ્યોગ, સંશોધન તથા સ્ટાર્ટઅપ ક્ષેત્રે સહયોગ વધારવાને આવશ્યક ગણાવી. કુલપતિ ડૉ. મોહન પટેલે જણાવ્યું કે કચ્છ યુનિવર્સિટી અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી વચ્ચે સહકારથી પોર્ટ મેનેજમેન્ટ, શિપિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી, ટૂરિઝમ, રિન્યુએબલ એનર્જી તથા એન્વાયરનલ સસ્ટેનેબિલિટી જેવા વિષયો પર કોર્સ શરૂ કરી શકાય છે.  બેઠકના અંતે કુલપતિ ડૉ. મોહન પટેલે જણાવ્યું ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી આ પહેલમાં પોતાની નિષ્ણાતી, વહીવટી સહયોગ, શૈક્ષણિક માર્ગદર્શન અને દરેક પહેલ માટે માન્યતા આપીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય શ્રી કિરણભાઈ આહિરએ પણ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ તરફથી આ મહત્વપૂર્ણ પહેલને પુરતો સહકાર અને માર્ગદર્શન આપવાની ખાતરી વ્યક્ત કરી. શ્રી સુશીલકુમાર સિંહ અને શ્રી નિમિષ ફડકે બંનેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે કચ્છના યુવાનોમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને કુશળતા વિકાસ માટે યુનિવર્સિટી અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી ભવિષ્યમાં સહભાગી બનીને કાર્ય કરશે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી વ્યક્તિગત સહયોગ, નાણાકીય મદદ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસ અને જે શક્ય હોય તે રીતે ઉત્તમ સહકાર પૂરું પાડવામાં આવશે. નજીકના ભવિષ્યમાં બંને સંસ્થાઓ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં એમઓયુ (MOU) હસ્તાક્ષર કરીને સહકારને સત્તાવાર સ્વરૂપ આપવામાં આવશે.સાથે સાથે યુનિવર્સિટીમાં એક નવી ઇન્ક્યુબેશન સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તથા સંશોધન અને પેટન્ટ સંબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રયાસો હાથ ધરાશે. કચ્છના દુરસ્થ વિસ્તારોમાં યુનિવર્સિટીના એક્સટેંશન સેન્ટર તથા કોન્સ્ટીટુએન્ટ કોલેજો સ્થાપવાનો પણ યોજનાત્મક વિચાર વ્યક્ત થયો હતો.

 

Comments

COMMENT / REPLY FROM