ભુજથી અમદાવાદ જતી એસી બસ શિકારપુર ચોકડી પાસે ભડભડ સળગી ઉઠી
તમામ પ્રવાસીઓ તાત્કાલિક નીચે ઉતરી જતા થયો બચાવ : ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો ત્યારે આગ કાબુમાં આવી : તહેવારના દિવસોમાં બનેલી ઘટનાથી પ્રવાસીઓ સાથે તેમના પરિવારમાં ફેલાયો ઉચાટ
ભચાઉ - કચ્છ ઉદય : હાલમાં તહેવારના દિવસોમાં લોકો પોતાના વતન ભણી જઈ રહ્યા છે. જેના કારણે તમામ બસો ફુલ દોડી રહી છે. જોકે આ વચ્ચે ઉપરાઉપરી બસોમાં બનેલી ઘટનાએ પ્રવાસીઓની સાથે તેમના પરિવારમાં પણ ઉચાટ ફેલાવ્યો છે.
ભુજથી અમદાવાદ જતી ખાનગી ચાર્ટર્ડ કંપનીની એસી બસ શિકારપુર ચોકડી પાસે પહોંચી ત્યારે તેમાં આગ લાગતા જોત જોતામાં જ્વાળાઓ વધી હતી. ચાલકે તમામ પ્રવાસીઓને નીચે ઉતારી દેતા તેઓનો બચાવ થયો હતો. આ બનાવમાં બસ સંપૂર્ણ પણે સળગી ઉઠી હતી. આગ લાગતા ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને જાણ કરાઈ હતી, જેના પગલે ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ચાર કલાકની મહેનત બાદ આગને સંપૂર્ણપણે કાબુમાં લેવાઈ હતી. આ બનાવના પગલે ટ્રાફિકની લાંબી કતાર લાગી હતી. આગ બુઝાવવાની કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ સોઢા જોડાયા હતા. આ બનાવ રાત્રિના બે વાગ્યાના અરસામાં બન્યો હતો ત્યારે બસ શિકાપુર ગામના પાટિયા નજીક હોટલ સહયોગની સામે પહોંચી હતી. ડ્રાઈવરની કેબિનમાં વાયરીંગમાં શોર્ટસર્કિટ થતા આગ લાગી હતી. જેથી ડ્રાઈવરે તાત્કાલિક બસ રોકી લીધી અને મુસાફરોને ઉતારી લીધા હતા. આ બનાવને પગલે છથી સાત કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.
અત્રે મહત્ત્વનું છે કે, થોડા દિવસોમાં પહેલા રાજસ્થાનમાં એસી બસમાં આગ લાગી હતી. પ્રવાસીઓ પાસે નીચે ઉતરવાનો સમય ન મળતા ર૦ જેટલા પ્રવાસીઓ જીવતા ભડથ્થું થયા હતા. આ બાદ સામખિયાળી બનેલી ઘટનાને પગલે પરિવારોમાં ઉચાટ ફેલાયો હતો. જોકે, ચાલકે સમય સૂચકતા વાપરી તમામ પ્રવાસીઓને નીચે ઉતારી દેતા તેઓનો બચાવ થયો હતો. એસીમાં ખામી થવાના કારણે આગ લાગી હોવાનો અનુમાન વ્યક્ત કરાયો છે. ગંતવ્ય સ્થાને પહોંચવા ઈચ્છતા પ્રવાસીઓ સમયસર પહોંચી શક્યા ન હતા. આગના કારણે હાઈવે પર ભારે ટ્રાફિકજામ થવા પામ્યો હતો.

Comments