ભીરંડિયારા નજીક નમક ભરેલા વાહનોના ત્રિપલ અકસ્માતથી ૧૦ કિ.મી. લાંબો ટ્રાફિકજામ
ભુજ-ખાવડા નેશનલ હાઈવે વહેલી પરોઢથી બપોર સુધી સતત ટ્રાફિકજામના કારણે લોકો અટવાયા : નેશનલ હાઈવે તેમજ ટોલનાકા એજન્સીની ગંભીર બેદરકારી આવી સામે
પાંચ કલાક સુધી અકસ્માત ગ્રસ્ત વાહનોને હટાવવા માટે ક્રેઈન જ ન આવી પરિણામે ટ્રાફિક વધી ગયો : અકસ્માત ગ્રસ્ત ત્રણ વાહનોને દૂર કરવામાં ટોલનાકા સંચાલકોએ દાખવેલી બેદરકારીનો ભોગ હજારો લોકો બન્યા : અકસ્માતમાં ઘવાયેલા ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડવા માટે એમ્બ્યુલન્સ પણ માંડ માંડ પહોંચી
ભુજ - કચ્છ ઉદય : ભુજ-ખાવડા હાઈવે રોડ પર અવાર-નવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે. જેના કારણે ટ્રાફિકજામ પણ થાય છે. તહેવારના દિવસોમાં આજે સવારે સર્જાયેલા ટ્રાફિકજામના કારણે હજારો લોકો અટવાઈ પડ્યા હતા. વહેલી સવારે નમક ભરેલા ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. આ વાહનોને સમયસર ખસેડવમાં ન આવતા ટ્રાફિકજામ સર્જાયો હતો.
આ બાબતે મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે આ બનાવ બન્યો હતો. ભીંરડિયારા ટોલનાકાથી થોડે આગળ નમક ભરેલા બે ટ્રેઈલર અને એક ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી. નમક ભરેલા ત્રણ વાહનો એક સાથે ભટકાતા રસ્તો બ્લોક થઈ ગયો હતો. આ બનાવમાં ચાલકોને ઓછી વતી ઈજાઓ થઈ હતી. જેને સારવાર માટે ખસેડવા માટે એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જોકે, જોત જોતામાં ટ્રાફિકજામ થઈ જતા એમ્બ્યુલન્સ પણ માંડ માંડ પહોંચી હતી. સરહદે જવાનો તેમજ નમકના ઉદ્યોગો અને રણોત્સવના કારણે પ્રવાસીઓને અવર-જવરમાં હાલાકી ન રહે તે માટે આ રસ્તો નેશનલ હાઈવેમાં તબદીલ કરાયો અને ટોલનાકા દ્વારા લોકો પાસેથી કર વસૂલવામાં આવે છે પરંતુ રૂપિયા ખર્ચ્યા બાદ લોકોને સુવિધા મળતી નથી. જેના કારણે આક્રોશ ફેલાયો હતો.
વાહન ચાલકોના જણાવ્યા પ્રમાણે ત્રણ વાહનો એકમેકમાં ભટકાયા બાદ એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી હતી પરંતુ જવાબદાર એવા ટોલનાકાના માણસો આવ્યા ન હતા. ખરેખર નિયમ પ્રમાણે ભીરંડિયારા ટોલનાકા પર પેટ્રોલિંગ વેન, એમ્બ્યુલન્સ, ક્રેઈન સહિતના સાધનો સ્ટેન્ડબાય રાખવા પડે પરંતુ આ બનાવના પાંચ કલાક પછી ક્રેઈન આવી હતી ત્યાં સુધીમાં બન્ને તરફે ટ્રાફિકજામ થયો હતો. કુલ ત્રણ વાહનો એકમેકમાં ભટકાયા હતા. જોકે, ક્રેઈન મારફતે એક જ ગાડી ખસેડવામાં આવી જેથી રસ્તો સિંગલ વે થયો. પરિણામે વાહનોને નિકળવામાં મુશ્કેલી થઈ. પરિણામે બન્ને તરફે ૧૦ કિ.મી. સુધી ટ્રાફિકજામ થયો હતો. જેમાં ૮૦ ટકા નમકના વાહનો તેમજ અન્ય બસો, પ્રવાસી વાહનો અટવાઈ પડ્યા હતા. આ લખાય છે ત્યારે એક વાગ્યાના અરસામાં પણ ટ્રાફિકજામની સ્થિતિ યથાવત રહેવા પામી હતી. વાહન ચાલકોમાં ઘેરો આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે, હાલ રજાઓના દિવસો છે જેથી લોકો ફરવા માટે ધોરડો, કાળો ડુંગર, રોડ ટુ હેવન, ધોળાવીરા જતા હોય છે. તેઓ માટે આ એક માત્ર રસ્તો છે. તેમજ ડ્રાઈવર, ક્લિનરોને પણ પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા માટે જવાનું હોઈ પરંતુ ૧૦-૧૦ કલાક ટ્રાફિકજામમાં ફસાઈ જતા તેઓનો પણ સમય વેળફાયો હતો. ખાસ કરીને નેશનલ હાઈવે ઓથોરિટીના ભીરંડિયારા ટોલનાકા સંચાલકોની બેદરકારીના કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસાયને મોટું નુકશાન થયું છે. દરરોજ લાખો રૂપિયાનો ટોલ વસૂલવામાં આવે છે પરંતુ સુવિધા આપવામાં આવતી નથી. આ બાબતે અગાઉ પણ વિવાદ થઈ ચૂક્યા છે.

Comments