કચ્છ વિદ્યાસહાયક ખાસ ભરતી ધો. ૬થી ૮ ભાષા વિષયોનું પ્રથમ તબક્કાનું ફાઈનલ મેરિટ જાહેર
૨૮ અને ૨૯ ઓકટોબરે જિલ્લા પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભરતી - ૨૦૨૫ (ધોરણ - ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) તા.૮-૫ની જાહેરાતના ઉમેદવારો માટે પ્રથમ તબક્કાની ફાઈનલ મેરીટ યાદી જાહેર થવાની સાથે ઉમેદવારોને કોલ લેટર મેળવવા માટેની સૂચના આપવામાં આવી છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલ યાદીને ટાંકીને વિશેષ માહિતી આપતા રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ભાષાઓ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત) વિષયની ફાઈનલ મેરીટ યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે તથા મેરીટમાં આવતાં ઉમેદવારોને પોતાના કોલ લેટર વેબસાઇટ ઉપરથી ઓનલાઈન મેળવી લેવા જણાવાયું છે. કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભરતી ૨૦૨૫ (ધો. ૬ થી ૮ ગુજરાતી માધ્યમ)માં ભાષાઓ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત) વિષયના અનામત - બિનઅનામત કેટેગરીમાં દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલલેટર મેળવી શકશે. આ ઉમેદવારોને તા.૨૮થી ૨૯-૧૦ દરમ્યાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવેલ છે. બિન અનામત કેટેગરીનું વિષય વાઇઝ મેરિટ જોઈએ તો ગુજરાતી ૬૭.૦૮૩૬, હિન્દી ૬૪.૮૯૧૪, અંગ્રેજી ૬૮.૪૩૭૧ જ્યારે સંસ્કૃત વિષયનું મેરિટ ૬૬.૫૮૨૪ ટકાએ અટક્યું છે. જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલલેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલલેટર મોકલવામાં આવશે નહિ. આ સાથે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દ૨૨ોજ વેબસાઈટ જોવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સામાજિક વિજ્ઞાનનું બીજા તબક્કાનું મેરિટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ૬૬.૬૧૬૧ ટકાએ મેરિટ અટક્યું છે. આટલા મેરિટ સુધીના કેટેગરીના ઉમેદવારોને ૨૯-૧૦ના ગાંધીનગર ખાતે જિલ્લા પસંદગી માટે બોલાવાયા છે.
-------

Comments