ગુજરાતના મંત્રીમંડળમાં કચ્છના ગૌરવશાળી નેતા ત્રિકમભાઈ છાંગાને સ્થાન : ઉમળકાભેર આવકાર
સદગી-સમર્પણ- સેવાની ભાજપ હાઈકમાન્ડે કરી કદર
જનસેવામાં તેમની સાદગી, સમર્પણ અને સતત સેવા ભાવના માટે રાજ્ય સરકાર દ્વારા મળેલું આ માન સમગ્ર કચ્છ માટે ગૌરવની ક્ષણ છે. : ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ત્રીકમભાઈની કચ્છથી ગાંધીનગર એસટી બસમાં મુસાફરી કરનાર સાદગીના પ્રતિક તરીકેની લોકછબી રાજયભરમાં છવાઈ ગઈ હતી
જનતાનો વિશ્વાસ અને આશા મારા કાર્યનો આધાર રહેશે : ત્રિકમભાઈ છાંગાનો સાદગીસભર ઉદગાર
ગાંધીધામ : ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં કચ્છના અંજાર વિસ્તારમાંથી જનપ્રતિનિધિ એમએલએ શ્રી ત્રિકમ બિજલ છાંગાને સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવી મંત્રીમંડળ રચનામાં તેમની સદગી, સમર્પણ અને સેવા ભાવનાને માન આપતાં તેમને મંત્રી તરીકે નિમણૂક કરી છે.શ્રી ત્રિકમ બિજલ છાંગા વર્ષોથી જાહેરજીવનમાં લોકસેવામાં અગ્રેસર રહ્યા છે. ગ્રામ્ય વિકાસ, શિક્ષણ, અને સામાન્ય જનહિતના કાર્યોમાં તેમની નિષ્ઠા અને સાદગીની છાપ સ્પષ્ટ જોવા મળે છે. તેઓ લોકસંપર્કી નેતા તરીકે કચ્છમાં લોકપ્રિય છે અને લોકજીવનના દરેક વર્ગ સાથે જોડાયેલા છે.લાંબા સમયથી તેઓ પોતાના વિસ્તારના વિકાસ માટે કાર્યરત રહ્યા છે. ખાસ કરીને ગ્રામ વિકાસ, શિક્ષણ, અને યુવાનોના સશક્તિકરણ ક્ષેત્રે તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે.
મંત્રીપદની જવાબદારી સ્વીકારતા તેમણે જણાવ્યું કે, “આ પદ એ મારા માટે ગૌરવની સાથે મોટી જવાબદારી પણ છે. સદગી, સમર્પણ અને સેવા મારા કાર્યના આધાર રહેશે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે હું નિષ્ઠાપૂર્વક કામ કરીશ.”ગુજરાતના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીની ટીમ સાથે મળીને હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. કચ્છ સહિત સમગ્ર રાજ્યના લોકોના વિશ્વાસને યોગ્ય ઠરાવવાનો પ્રયાસ કરીશ. રાજ્યભરમાં તેમજ ખાસ કરીને કચ્છ જિલ્લામાં તેમની નિમણૂકને લઈ આનંદ અને ગૌરવનો માહોલ છે.
............
કચ્છના સાથી ધારાસભ્યોએ ત્રિકમભાઈને પાઠવી શુભેચ્છા
ગાંધીનગર - કચ્છઉદય : રાજ્યના મંત્રી મંડળમાં સ્થાન મેળવનાર અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને કચ્છના સાથી ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રધ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા અને અનિરૂદ્ધભાઈ દવેએ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. આ વેળાએ અરજણભાઈ રબારી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
...............
પ્રજાની વચ્ચે સતત રહેનારને ચૂંટણીનો ડર નહીં : ત્રિકમ છાંગા
ગાંધીનગર - કચ્છઉદય : રાજ્ય મંત્રી મંડળમાં કચ્છને ગૌરવ અપાવનાર ત્રિકમભાઈ છાંગાએ મીડિયા સાથેના સાક્ષાત્કારમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભેના સવાલના પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે, ચૂંટણીઓનો ડર માત્ર ચૂંટણી સમયે જ જનતા વચ્ચે જતા ચૂનાવી મેઢકોને હોય છે. પ્રજાની વચ્ચે દરરોજ સતત સાથે રહેતા પ્રજાકીય પ્રતિનિધિઓ કે, પાર્ટી કાર્યકરોને ચૂંટણીનો કોઈ ભય હોતો નથી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કરેલા વિકાસના કામો સાથે ભાજપના કાર્યકર્તાઓ જનતા વચ્ચે જશે અને પ્રજાના આશિર્વાદ મેળવશે તેવું વધુમાં ઉમેર્યું હતું.
.............
શિક્ષકથી મંત્રી સુધીની પ્રેરક સફર
અંજાર : વ્યવસાયે એક શિક્ષક હોવાના નાતે ત્રિકમભાઈ છાંગાનું વ્યક્તિત્વ શિસ્તપ્રિય વ્યક્તિ તરીકેનું રહ્યું છે. અંજાર તાલુકાના રતનાલ ગામના બિજલ છાંગાના ઘરે જન્મેલા ત્રિકમભાઈએ બીએડ સુધીનો અભ્યાસ કર્યા બાદ ભુજની જાણીતી સ્વામિનારયાણ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળમાં અભ્યાસ કરી ચૂકલા અનેક વિદ્યાર્થીઓ આજે સમાજમાં ઉચ્ચસ્થાનો પર સેવારત થઈ દેશની સેવા કરી રહ્યા છે. મૃદુભાષી અને મિલનસાર સ્વભાવ ધરાવતા ત્રિકમભાઈ છાંગાએ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સેવાઓ આપી સમગ્ર કચ્છની જનતાની સેવા કરી હતી. સરસ્વતિના સાધક એવા ત્રિકમભાઈ છાગા જીવદયાક્ષેત્રે પણ સક્રિય યોગદાન આપ્યું છે. શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે સમાજ સેવા કરવાના હેતુથી રાજકીય ક્ષેત્રની પસંદગી કરી હતી. રાજકીય જીવનમાં નિતિમતા, શિસ્ત અને ઈમાનદારીના મૂલ્યોને સાથે રાખી આજે રાજ્યના મંત્રીમંડળ સુધીની સફર ખેડી છે.
..............
સાદગીનો પર્યાય એટલે ત્રિકમભાઈ છાંગા
અંજાર : રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મેળવી કચ્છને ગૌરવ અપાવનાર ત્રિકમભાઈ છાંગા સાદગીનો પર્યાય રહ્યા છે. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ત્યારે તેમણે પોતાના નિવાસસ્થાન રતનાલથી ભુજની જિલ્લા પંચાયત કચેરી સુધી જવા સરકારી વાહનનો ઉપયોગ ટાળી એસટીની બસમાં સામાન્ય મુસાફર તરીકે પ્રવાસ કરી સાદગીનું પ્રેરણારૂપ દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું. ધારાસભ્ય બન્યા બાદ પણ એસટીની મુસાફરી કરવામાં તેમણે સંકોચ કર્યો નથી. સામાન્ય રીતે રાજકીય ક્ષેત્રે કોઈ વ્યક્તિને નાનું એવું પદ મળે તો તેમના પગ જમીન પર રહેતા નથી. વાહનોમાં હોદ્દાઓના પાટિયાં લટકાવી સમાજમાં મોભા પાડવાની કોઈ તક જતી કરતા હોતા નથી ત્યારે ત્રિકમભાઈ છાંગાએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી અન્યો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
...............
ગુજરાત રાજ્ય મંત્રી મંડળમાં કચ્છ
ભુજ : ૧૯૬૦ મા ભાષાના આધારે મુંબઈ રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયા બાદ કચ્છ ગુજરાત રાજ્યનો એક જિલ્લો બન્યો છે. ગુજરાત સરકારના મંત્રી મંડળના કચ્છને વખતોવખત સ્થાન મળતું રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસના શાસન કાળ વખતે અંજાર બેઠકના તત્કાલિન ધારાસભ્ય નવિનભાઈ શાસ્ત્રીને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું હતું. ભાજપના શાસનકાળમાં માંડવી દિગ્ગજ નેતા સુરેશભાઈ મહેતાએ રાજ્યના ઉદ્યોગમંત્રીથી મુખ્યમંત્રી સુધીના પદ શોભાવ્યા હતા. રાપરના ધારાસભ્ય બાબુભાઈ મેઘજી શાહએ નાણાંમંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. આ ઉપરાંત ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા રહી ચૂક્યા છે. અંજાર તાલુકાના રતનાલ ગામના વાસણભાઈ આહિર, અનશનવ્રતધારી સ્વ. તારાચંદભાઈ છેડાએ પણ રાજ્યમંત્રી તરીકે જવાબદારી વહન કરી કચ્છને ગૌરવ અપાવ્યું હતું. હવે અંજારના ધારાસભ્ય ત્રિકભાઈ છાંગાનું નામ તે સૂચિમાં ઉમેરાયું છે.
....................
પાર્ટી હાઈકમાન્ડનો હૃદયપૂર્વક આભાર : ત્રિકમભાઈ છાંગા
ગાંધીનગર - કચ્છઉદય : રાજ્યના મંત્રી તરીકે અંજારના ધારાસભ્યનું નામ જાહેર થયા બાદ મીડિયા સાથેની પ્રથમ વાતચીતમાં ત્રિકમભાઈ છાંગાએ પોતાના પર વિશ્વાસ મુકવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત પાર્ટીના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને લોકસેવાના કાર્યો માટે સતત જાગૃત રહી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Comments