હરિયાણાથી ગાંધીધામ આવતો ૧.૩૬ કરોડનો દારૂ ઝડપાયો
દિવાળી પૂર્વે જ અંકલેશ્વર હાઇવે પરથી ર૬ હજારથી વધુ દારૂની બોટલો સાથે ૨ આરોપીની ધરપકડ, ૬ વોન્ટેડ : ચાર રાજ્યો પાર કરી ગુજરાતમાં ઘૂસેલી ટ્રક ઝડપાઈ
ગાંધીધામ-કચ્છઉદય : ગાંધીની ભૂમિ ગુજરાતમાં દારૂબંધી અમલી હોવા છતાં અહીં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. હદ તો ત્યાં સુધી થઈ ગઈ છે કે, રાજસ્થાન, હરિયાણા સહિતના વિવિધ રાજ્યોમાંથી ગેરકાયદે રીતે ઘૂસતો શરાબ છેવાડાના કચ્છ જિલ્લા સુધી પણ પહોંચી આવે છે.
દિવાળી તહેવારને અનુલક્ષીને બુટલેગરો ફરી સક્રિય થયા હોઈ તેઓની કમર ભાંગવા માટે કાયદાના રક્ષકો દંડો પછાડતા કચ્છ સહિત વિવિધ વિસ્તારોમાંથી દૈનિક દારૂનો મોટો જથ્થો ઝડપાઈ રહ્યો છે તેવામાં ફરી ગાંધીધામ આવી રહેલો ૧.૩૬ કરોડની કિંમતનો અધધધ દારૂ હરિયાણાથી કચ્છ પહોંચે તે પહેલા જ અંકલેશ્વર હાઈવે પરથી ઝડપાઈ ચુકયો છે.
આ અંગેની વિગતો મુજબ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ પરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. અંકલેશ્વર પોલીસે રૂપિયા ૧.૩૬ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ ૬ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. હરિયાણાથી કચ્છ ગાંધીધામમાં દારૂ ઘુસાડવા ૪ રાજ્યોની સરહદના ટ્રાવેલ કરી દક્ષિણ ગુજરાતમાંથી ટ્રક અંકલેશ્વર પહોંચી હતી. ચોક્કસ માહિતી આધારે પોલીસે ઝડપી
પાડ્યો હતો. બે રાજ્યો માં નકલી બિલ્ટી મેળવવા ટ્રકનું ટ્રાવેલ કર્યું હતું.
પ્રાથમિક તપાસમાં ટ્રકમાંથી પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી. જોકે, વધુ સઘન તપાસ કરતા પ્લાસ્ટિકની બેગની આડમાં બનાવેલા ચોરખાના માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી રૂ. ૧.૩૬ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂની ૨૬ હજાર બોટલ કબજે કરી હતી. ટ્રક અને મોબાઇલ સહિત કુલ રૂપિયા ૧.૫૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ૬ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વિદેશી દારૂનો આ મોટો જથ્થો કચ્છના ગાંધીધામમાં કુખ્યાત બુટલેગર મંગાવ્યો હતો.

Comments